
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના અંતર્ગત આજથી પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત થઈ છે. વિવિધ શાળાઓમાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ બેગ વગર પહોંચ્યા છે. બેગ વગર શાળાએ પહોંચેલા બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. શાળાઓમાં શિક્ષણ સિવાયની રચનાત્મક પ્રવૃત્તિમાં રસ લે માટે નવીન પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શનિવારે ‘બેગલેસ ડે’ જાહેર કરવામાં આવ્યો છે.
ન્યુ એજ્યુકેશન પોલિસી(NEP) 2020 અને NCF-SE 2023 મુજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત-ગમત, શારિરીક કસરતો, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, બાલસભા, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવાના શાળાઓને આદેશ અપાયા છે.
‘Bagless Day’ in Ahmedabad: Kids Enjoy Creative Activities Without Bags | TV9Gujarati#BaglessDay #AhmedabadSchools #PrimaryEducation #CreativeLearning #GujaratEducation #StudentEngagement #TV9Gujarati pic.twitter.com/WlDjSJYAmo
— Tv9 Gujarati (@tv9gujarati) July 5, 2025
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેમની સર્જનાત્મક શક્તિઓ બહાર આવે તે હેતુથી આ નિયમ બનાવવામાં આવ્યો છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ રોજિંદા અભ્યાસના ભારણમાંથી બહાર આવીને જીવન કૌશલ્ય અને શારીરિક કસરતો પર પણ ધ્યાન આપતા થશે.
ગુજરાત પહેલા પણ કેટલાક રાજ્યોમાં બેગલેસ સેટરડેની શરુઆત કરી છે. આ અગાઉ મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં પણ ‘બેગલેસ ડે’ની સફળ અમલવારી થઈ ચૂકી છે. આ રાજ્યોના શિક્ષણ વિભાગ મુજબ, બેગલેસ ડેના પરિણામે વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યે રુચિ અને હાજરી દર બંનેમાં વધારો નોંધાયો છે.