Shamlaji: શામળાજીને અલગ તાલુકો બનાવવાનુ સપનુ પુરુ થશે! વિકાસ કમિશ્નરે મહત્વની વિગત માંગતા હાથ ધરાઈ કવાયત
Aravalli: પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીને અલગ તાલુકા તરીકે વિકસાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે. વર્ષો જૂની માંગને પુરી કરવા માટે સ્થાનિકો દ્વારા પણ ખૂબ રજૂઆતો કરવામાં આવી છે. હવે તાલુકો જાહેર થવાના સંકેતો મળતા વિસ્તારમાં આનંદ છવાયો છે.
અરવલ્લી જિલ્લાની રચનાને 10 વર્ષનો સમય થઈ ચૂક્યો છે. આ દરમિયાન પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીને અલગ તાલુકા તરીકે વિકસાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે. વર્ષો જૂની માંગને પુરી કરવા માટે સ્થાનિકો દ્વારા પણ ખૂબ રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ આ માટે ખૂબ જ દેખાવ પણ કરવામાં આવ્યા હતા. શામળાજીની આસપાસના ગામડાઓના વિકાસ માટે તાલુકો જાહેર કરવાની માંગ સતત કરવામા આવી રહી હતી.
આ દરમિયાન હવે તાલુકા કક્ષાએથી કેટલાક પ્રકારની કાર્યવાહીની ચહલ પહલ શરુ થતા જ હવે ટૂંક સમયમાં ભિલોડામાંથી અલગ પડીને નવો શામળાજી તાલુકો રચાય એવી આશા જાગી છે. વર્ષો જૂનુ સપનુ આગામી દિવસોમાં પુરુ થાય તો નવાઈ નહીં. રાજ્ય સરકાર દ્વારા શામળાજીના વિકાસ માટે અથાગ પ્રયાસ છેલ્લા દોઢ દાયકામાં કરવામાં આવ્યા છે. હવે આ પ્રયાસમાં મહત્વુ સપનુ સ્થાનિકોનુ પુરુ થાય એવા દિવસો નજીક લાગી રહ્યા છે.
શામળાજી તાલુકો રચાશે?
હવે શામળાજીને તાલુકો બનાવવા માટેની રાહ જોવાઈ રહી છે. આ માટે વર્ષોની માંગણી રહી છે અને હવે રાજ્ય સરકાર એ દિશામાં તજવીજ કરી રહી હોય એવા અણસાર આવ્યા છે. તાજેતરમાં ભિલોડા તાલુકા પંચાયત કચેરી દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતાં સારા સમાચારના સંકેત શામળાજી વિસ્તારને મળી રહ્યા છે. આગામી 15 ઓગષ્ટે સારા સમાચાર શામળાજી વિસ્તારને મળે એવી પણ સંભાવના જોવાઈ રહી છે. આ દિવસે શામળાજી સહિત રાજ્યના અન્ય કેટલાક નવા તાલુકા પણ જાહેર થાય તો નવાઈ નહીં.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પત્ર લખીને કેટલીક વિગતો ભિલોડા તાલુકા પંચાયત પાસેથી માંગવામા આવી છે. ગત 2 ઓગષ્ટના પત્ર મુજબ વિષયમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યુ છે કે, ભિલોડા તાલુકાનુ વિભાજન કરીને નવીન શામળાજી તાલુકો બનાવવા બાબત. આમ આ દિશામાં તજવીજ શરુ થઈ ચૂકી છે. આ સંદર્ભનો પત્રવ્યવહાર ગત 17 જુલાઈએ રાજ્યના વિકાસ કમિશ્નર દ્વારા પણ અરવલ્લી જિલ્લા સાથે થયો છે. જેના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારીએ માહિતી પુરુ પાડી છે.
તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકની વિગતો માંગી
રાજ્ય અને જિલ્લા કક્ષાએ થી ભિલોડા તાલુકા પંચાયત પાસેથીથી જરુરી વિગતો તાલુકા વિભાજન સંદર્ભમાં માંગવામાં આવી છે. જેમાં જિલ્લા પંચાયતની 4 બેઠકોને અસર થતી હોવાનુ દર્શાવ્યુ છે. જે બેઠકના કેટલાક ગામ શામળાજી તાલુકામાં જઈ શકે છે. આવી જ રીતે 11 તાલુકા પંચાયતની બેઠકોના ગ્રામ્ય વિસ્તારોમાં અસર થશે. જે બેઠકોના ગ્રામ્ય વિસ્તારો નવીન શામળાજી તાલુકો રચાતા તેમાં જઈ શકે છે. આ અંગેની સંપૂર્ણ વિગતના પત્રક તૈયાર કરીને ઉચ્ચ કચેરીઓને મોકલવામાં આવ્યા છે.
યાત્રાધામ શામળાજીની કાયાપલટ કરાઈ
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વર્ષે દહાડે લાખ્ખો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. જનમાષ્ટમી અને કાર્તિકી પૂર્ણિમાએ તો આખાય શામળાજી નગરમાં ઉભા રહેવાની જગ્યા રહેતી નથી. આવી સ્થિતિમાં શામળાજીનો વિકાસ ખૂબ જરુરી હતો. જે વિકાસની ગતિને દોડાવવા માટે દોઢ દાયકામાં સરકારે પ્રયાસ કરીને શામળાજીની કાયાપલટ કરી દીધી હતી. તત્કાલીન ગૃહ રાજ્ય પ્રધાન પ્રફુલ પટેલે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન મુજબ શામળાજી મંદિર પરિસરને સુંદર બનાવ્યો હતો.
હજુ પણ કરોડો રુપિયાના ખર્ચે અનેક સુવિધાઓને રાજ્ય સરકાર સતત અપડેટ કરી રહી છે. જેને લઈ શામળાજી પરિસર વધુ સુંદર બની રહ્યો છે. ટાઉન પ્લાનીંગ અમલમાં આવ્યા બાદ શામળાજીનો વિકાસ ધમધમવા લાગશે.
સાઠંબા અને જાદરની પણ માંગણી
સાબરકાંઠા જિલ્લાના જાદર તાલુકાની પણ વર્ષોથી માંગણી છે કે તેમને અલગ તાલુકાનો દરજ્જો મળે. જાદર તાલુકો અલગ જાહેર કરવામાં આવે એ માટે અનેક વાર વિશાળ રેલીઓ પણ યોજવામાં આવી હતી. આંદોલન સ્વરુપની રેલી બાદ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જાદરને ઈડર તાલુકામાંથી વિભાજન કરીને તાલુકો બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.
જ્યારે અરવલ્લીના સાઠંબાને પણ અલગ તાલુકાની માંગ કરાઈ હતી. આ માટે સ્થાનિક વર્તમાન અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઠાકોરે પણ અગાઉ રજૂઆત કરી હતી. સ્થાનિક લોકોને વિકાસ ઝડપી બને એ માટે થઈને ધવલસિંહે રજૂઆત કરી હતી.