નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગૂંજી ઉઠશે ગુજરાતના દેવાલયો, જન્માષ્ટમીના પર્વને લઈને દીપી ઉઠ્યા મંદિરો, જુઓ Video

ગુજરાતમાં જન્માષ્ટમીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે અનેક મંદિરોમાં દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને અરવલ્લીના શામળાજી મંદિર અને દેવભૂમિ દ્વારકાના મંદિરે લાઇટિંગ થકી અદભૂત રીતે શણગારવામાં આવ્યો છે. જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે.

નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગૂંજી ઉઠશે ગુજરાતના દેવાલયો, જન્માષ્ટમીના પર્વને લઈને દીપી ઉઠ્યા મંદિરો, જુઓ Video
| Updated on: Aug 25, 2024 | 2:07 PM

જન્માષ્ટમીના પાવન પર્વને લઈને ગુજરાતના મંદિરોમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને યાત્રાધામ શામળાજીમાં પણ તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. અદ્યતન રોશનીથી અરવલ્લીનું શામળાજી મંદિર શોભી ઉઠ્યું છે. રોશનીના આ ઝળહળાટના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. અને તે અત્યંત મનોહારી ભાસી રહ્યા છે.

તો અહીં શરૂ કરાયેલ વિશેષ લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી થતી હોય છે. અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળાજીના દર્શને ઉમટતા હોય છે. ત્યારે જન્માષ્ટમીના અવસરે સવારે મંગળા આરતીથી લઈને રાત્રીના 12 કલાક સુધી ઉત્સાહ પૂર્વક ઉજવણી કરાશે. મોટી સંખ્યામાં ભજન મંડળીઓ જોડાશે અને મટકી ફોડ જેવા કાર્યક્રમ પણ યોજાશે.

બીજીતરફ સોમવારે જન્માષ્ટમીનો પાવન અવસર છે ત્યારે દ્વારકાધિશ મંદિર અદભુત રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. રંગબેરંગી રોશનથી જગત મંદિરની શોભા કંઈ ઓર જ ખીલી ઉઠી છે.  દૂરથી પણ મંદિરની શોભા નીરખીને ભક્તોના મન પ્રફૂલ્લિત થઈ રહ્યા છે.

જન્માષ્ટમી નજીક છે ત્યારે જગત મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો ઉમટી રહ્યો છે. ત્યારે ભક્તોની આ ભીડને પહોંચી વળવા તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. અને જન્માષ્ટમીના પર્વને લઈને પણ વિશેષ આયોજન હાથ ધરાયા છે.

યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવવાની હોવાથી મંદિર વહીવટદારની યાદી અનુસાર શ્રીજીનાં દર્શનના સમયમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. સર્વે વૈષ્ણવ ભાવિકોને ઠાકોરજીનાં દર્શન સમય સારણી અનુસાર દર્શન કરવા અનુરોધ કરાયો છે.

દર્શન માટે લાખો ભક્તો દ્વારકા આવવાના હોવાથી અલગ અલગ જાહેરનામાં બહાર પાડવામાં આવે છે. દ્વારકા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે એ માટે રસ્તાઓને વન-વે જાહેર કરતું, શહેરના કેટલાક વિસ્તારો ‘નો પાર્કિંગ’ તેમજ ‘પાર્કિંગ’ ઝોન તરીકે ઉપયોગમાં લેવા તેમજ વિવિધ રસ્તાઓ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

Published On - 12:32 pm, Sun, 25 August 24