ગુજરાત વિધાનસભા ચૂંટણી: અરવલ્લી જિલ્લાની ત્રણે-ત્રણ બેઠકો કબજે કરવા કવાયત, પાટીલે મોડાસા જિલ્લા કાર્યાલયે યોજી બેઠક
Gujarat Elecrion 2022: અરવલ્લીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અચાનક બેઠક યોજી હતી જેમા જિલ્લાની ત્રણે ત્રણ બેઠકો કબજે કરવા રણનીતિ ઘડવામાં આવી હતી. અગાઉ પાટીલે દાહોદમાં પણ બેઠક યોજી હતી અને ડેમેજ કંટ્રોલ કરવા કવાયત હાથ ધરી હતી.
અરવલ્લી જિલ્લાની ત્રણે ત્રણ બેઠકો કબજે કરવા ભાજપે પ્રયત્નો શરૂ કર્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અચાનક જ અરવલ્લીની મુલાકાતે આવ્યા હતા અને મોડાસા જિલ્લા કમલમ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ત્રણેય બેઠકો પર જંગી લીડ સાથે જીતવા અંગે આગેવાનો સાથે મંથન કર્યુ છે.
દાહોદમાં યોજાઈ હતી પાટીલની મહત્વપૂર્ણ બેઠક
આ અગાઉ પાટીલે દાહોદમાં પણ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. દાહોદમાં ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે. જેમાં પાટીલે ભાજપના નારાજ કાર્યકરો સાથએ બંધ બારણે બેઠક યોજી હતી અને જિલ્લાની છ એ છ બેઠકો પર જીત મેળવવા અંગે કાર્યકરો સાથે ચર્ચા કરી હતી.
રાજકોટમાં ગઈકાલે પાટીલે યોજી હતી સમીક્ષા બેઠક
આજ સિલસિલામાં ગઈકાલે મંગળવારે (29.11.22) પાટીલે રાજકોટમાં શહેર અને જિલ્લાની 8 વિધાનસભા સીટ માટે સમીક્ષા બેઠક યોજી હતી. 8 બેઠકોની જીત માટે ઉમેદવારો, સાંસદ, ધારાસભ્યો સાથે ચર્ચા થઈ હતી. ભીખુ દલસાણિયા, રામ મોકરિયા સહિતના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક અંગે સી.આર. પાટીલે જણાવ્યુ હતુ કે 1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનું છે. આથી ઉમેદવારો પાસે કંઈ કરવાનું બાકી હોય અને કાર્યકર્તાઓની તૈયારીઓ માટે સમીક્ષા બેઠક રાખી હતી. આથી કંઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવી શકાય. તેવા પ્રયત્નો કરવામાં આવશે. અહીંની તૈયારી છે તે રાજ્યના અન્ય જિલ્લામાં પણ કરી શકાય.