CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું ‘PM ના માર્ગદર્શનથી પ્રાકૃતિક ખેતીમાં જેટલા આગળ વધીશું તેટલા ખેડૂત અને ખેતી સમૃદ્ધ થશે’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ ખાતે આયોજિત દેશની સર્વપ્રથમ પ્રાકૃતિક ખેતીની રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં સંબોધન કર્યું હતું. અને પ્રાકૃતિક ખેતી પર તેમણે ભાર મુકીને પોતાની વાત મૂકી હતી.
Anand: નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું કે સરદાર સાહેબની દ્રઢ ઇચ્છાશક્તિ અને નિર્ધારથી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ થયું. હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના સંકલ્પથી અનેકતામાં એકતા સાથે આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાત આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આત્મનિર્ભર ગુજરાતથી પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે.
પ્રધાનમંત્રીની પ્રેરણાથી યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦રરની થીમ પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે. ત્યારે CM એ એમ પણ કહ્યું કે સંસ્કૃતિની, જમીનની, પ્રજાની, ભાષાની, પોશાકની, ખાનપાનની, આબોહવાની એવી અનેક વિવિધતા વચ્ચે કૃષિ ક્ષેત્રની પણ આગવી વૈવિધ્યતા ભારતમાં છે.
મુખ્યમત્રીએ કહ્યું કે આપણે ત્યાં રણપ્રદેશથી લઈને નદીના કાંપવાળી જમીનનો પ્રદેશ છે તો સાથોસાથ પર્વતીય ટેકરા વાળી જમીન પર ખેતી અને પર્વતની ગોદમાં ફળદ્રુપ જમીનની ખેતી પણ છે. કૃષિ વિવિધતા ધરાવતા ભારતમાં આઝાદી પછી અનાજની માંગ પૂરી કરવા હરિત ક્રાંતિ આવી હતી. આના પરિણામે સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેત ઉત્પાદન વધ્યું હતું.
મુખ્યમંત્રીએ રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવ અંગે કહ્યું કે કાળક્રમે આપણે જે પોતાનું હતું તે વિસરી ગયા અને રાસાયણિક ખાતર પાછળ આંધળી દોટ મૂકી. આવા રસાયણોના ઉપયોગથી પર્યાવરણ દૂષિત થયું છે. જમીનની ફળદ્રુપતા ઘટતી ગઇ અને ખેત પેદાશોમાં જંતુનાશક દવાઓના અવશેષો આવવાને કારણે માનવ સ્વાસ્થ્ય પર ખરાબ અસરો પડી છે.
CM એ કહ્યું કેઆપણે ત્યાં કહેવત છે કે અન્ન એવો ઓડકાર આપણી થાળીમાં જે અન્ન આવે છે તે રાસાયણિક ખાતરથી પકવેલું હોય તો ધીમા પગલે શરીરમાં રોગ-બિમારીનો પેસારો પણ કરાવે છે. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આ બધી પરિસ્થિતિ સામે લડવા તેમજ જળ-જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે હવે ‘બેક ટુ નેચર’- પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી કુદરતના સિદ્ધાંત પર આધારિત ખેતી છે. ફક્ત એક દેશી ગાયના ગોબરમાંથી અને ગૌમુત્રમાંથી જીવામૃત બનાવી વીસ એકરમાં ખેતી થઈ શકે છે. ખેતી ખર્ચ નહિવત અને ગુણવત્તા ઉત્તમ એવી આ ખેતી છે. આજે વિશ્વના મોટાભાગના દેશોમાં આવા નેચરલ ફાર્મિંગ- ઝીરો બજેટ ખેતીથી ઉત્પન્ન થયેલા ખેત ઉત્પાદનની બહુ મોટી માંગ છે. વર્લ્ડ માર્કેટ આવી પ્રોડક્ટ માટે ખુલ્લું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવા કૃતસંકલ્પ છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે પ્રાકૃતિક ખેતી કરતા પરિવારને દેશી ગાયના નિભાવ માટે પ્રતિમાસ રૂપિયા ૯૦૦ની સહાય આપવામાં આવે છે. રાજયમાં ર૦૨૦-૨૧ ના વર્ષમાં એક લાખ પાંચ હજાર ખેડૂતોને આવી કુલ ૫૭.૬૨ કરોડ સહાય ચૂકવવામાં આવી છે.
પ્રાકૃતિક ખેતી માટે મોટાપાયે કિસાનોને પ્રેરિત કરવા બાયસેગ સેટેલાઈટ અને ઇ-ગ્રામ સેન્ટર જેવા માધ્યમથી અત્યાર સુધી આઠ લાખ વીસ હજાર ધરતીપુત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.
આદિજાતિ વિસ્તાર અને રાજ્યમાં છેક છેવાડાના જિલ્લા ડાંગને ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો બનાવવાની વાત સાથે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી પ્રાકૃતિક ખેતીની દિશામાં આપણે જેટલા આગળ વધીશું તેટલા ખેડૂત અને ખેતી સમૃદ્ધ થશે. આત્મનિર્ભર બનશે.
આ પણ વાંચો: આણંદ : પ્રાકૃતિક ખેત ઉત્પાદક ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે તે માટે માર્કેટિંગ ચેઈન ઉભી કરાઇ રહી છે : અમિત શાહ