ANAND : કૃષિકારોની આર્થિક સમૃદ્ધિ અને સુગમતા માટે કૃષિ વૈજ્ઞાનિકો નૂતન આવિષ્કાર કરે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

|

Dec 14, 2021 | 5:23 PM

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વે યોજાયેલ પ્રિ એગ્રી સમિટ સમગ્ર દેશના ખેડૂતોના જીવનમાં ખુશાલી સાથે સમૃદ્ધિ લાવશે એવો વિશ્વાસ રાજ્યપાલએ વ્યક્ત કર્યો હતો.ગુજરાતમાં કૃષિ અને કૃષિકારોના વિકાસ માટે નિરંતર ગતિ સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.

ANAND : કૃષિકારોની આર્થિક સમૃદ્ધિ અને સુગમતા માટે કૃષિ વૈજ્ઞાનિકો નૂતન આવિષ્કાર કરે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ત્રિદિવસીય પ્રિ-એગ્રી સમિટનો રાજ્યપાલના હસ્તે પ્રારંભ

Follow us on

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આણંદ ખાતે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સમિટ – ૨૦૨૨ પૂર્વે યોજાયેલ ત્રિદિવસીય પ્રિ-એગ્રી સમિટનો આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રારંભ કરાવતા જણાવ્યું કે કૃષિકારોની આર્થિક સમૃદ્ધિ અને સુગમતા માટે કૃષિ વૈજ્ઞાનિકો નૂતન આવિષ્કાર કરે એ સાંપ્રત સમયની માંગ છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ કહ્યું કે જૈવિક ખેતી કરતા જીવામૃત ખેતી વધુ અસરકારક છે. જૈવિક ખેતીમાં બહારના દેશોમાંથી લાવતા અળસિયા ભારતીય આબોહવામાં જીવી શકતા નથી અને તે માત્ર લાકડા જ ખાય છે. માટી ખાતા નથી એ તે ખેતી માટે કામ આવી શકતા નથી. આવું હરિયાણાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા થયેલા સંશોધનોથી ફલિત થયું છે. પણ તેની સામે જીવામૃત ખેતી પધ્ધતિ સરળ અને અસરકારક છે.

તેમણે એમ પણ કહ્યું કે માનવજાત દ્વારા પ્રકૃતિને બહુ નુકસાન થયું છે. આજે ધરતી કસ વગરની થતી જાય છે. રસાયણોને પરિણામે ખેડૂતોની લાગત વધતી જાય છે. આપણે વૈજ્ઞાનિકોનો આભાર માનવો જોઈએ કે જે સમયે જરૂર હતી ત્યારે સંશોધનો કરી રસાયણો થકી દેશમાં અનાજના ભંડારો ભરી દીધા હતા. આ બાબત તે સમયે જરૂરી હતી. દેશમાં દર વર્ષે એક લાખ કરોડનું ખાતર વપરાય છે. વપરાશ સાથે પ્રકૃતિને પણ નુકસાન થાય છે અને તેને ખાવાથી આરોગ્ય ઉપર ખતરો ઊભો થાય છે. હવે જો આપડે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ તો કુદરતનું પણ જતન કરી શકશું અને આરોગ્ય પણ સારું રાખી શકશું. રસાયણોના દુષ્પરિણામોથી બચવાનો આ જ તાકીદનો સમય છે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

રાજ્યપાલએ ઉમેર્યું કે દેશમાં અનેક પ્રકારના નવતર સંશોધનો થઈ રહ્યા છે. કૃષિ ક્ષેત્રમાં પણ વધુ સંશોધન કરવાની જરૂર છે. ખેડૂતો માટે ખેતી વધુ સરળ બને અને પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા આવિષ્કાર કરવા તેમણે કૃષિ વૈજ્ઞાનિકોને આહ્વાન કર્યું હતું.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વે યોજાયેલ પ્રિ એગ્રી સમિટ સમગ્ર દેશના ખેડૂતોના જીવનમાં ખુશાલી સાથે સમૃદ્ધિ લાવશે એવો વિશ્વાસ રાજ્યપાલએ વ્યક્ત કર્યો હતો.ગુજરાતમાં કૃષિ અને કૃષિકારોના વિકાસ માટે નિરંતર ગતિ સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે ગુજરાતની પાવન ધરતીએ સમય સમયે દેશને નેતૃત્વ પૂરું પાડ્યું છે. આદિકાળથી લઈ આઝાદીના જંગમાં પૂ.મહાત્મા ગાંધી અને સરદાર સાહેબે પોતાનું અનન્ય યોગદાન આપ્યું હતું.વર્તમાનમાં પણ દેશના ચૌદીશ વિકાસ માટે રાત દિવસ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને મહેનત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ આ જ ધરતીનું સંતાન છે.

ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રાજ્યના ઔદ્યોગિક વિકાસ સાથે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કારો અને લોકો માટે નવો માર્ગ પ્રશસ્ત કર્યો છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મહાનુભાવોએ પોરબંદર જિલ્લાના ખાપટમાં કૃષિ કોલેજ, નવસારીમાં ફિશરીઝ કોલેજના ભવન સહિત મહેસાણા જિલ્લાના સુંશી અને વલસાડ જિલ્લાના ચણવાઈમાં સેન્ટ્રલ ઓફ એકસલેન્સનું ઈ – લોકાર્પણ, પાટણમાં કૃત્રિમ બીજ દાન લેબનું લોકાર્પણ કરવા સાથે આણંદ કલેકટર કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કરવામાં આવેલ વેબ સાઈટનું લોન્ચિંગ કર્યું હતું.

રાજ્યપાલે આત્મનિર્ભર ફાર્મસ ઓફ ગુજરાત : રોડ મેપ – ૨૦૩૦, આણંદ કૃષિ યુનિવર્સિટી એટ અ ગ્લાન્સ,શ્વેત ક્રાંતિ ક્ષેત્રે અગ્રેસર ગુજરાત અને સહકાર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગર્વિત સહકારી ક્ષેત્ર વિષયક પુસ્તિકાઓનું વિમોચન કર્યું હતું.

આ તકે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાતના આ દસમા સંસ્કરણ નવી ઊંચાઈ સ્થાપિત કરશે. વાયબ્રન્ટ ગુજરાત થકી રોકાણકારોને આકર્ષી રાજ્યની સુખ અને સમૃદ્ધિને નવી દિશામાં લઈ જવાનો માર્ગ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રશસ્ત કર્યો છે. રોકાણકારો, નીતિ નિર્ધારકો અને ઉપભોક્તા ને એક છત્ર નીચે લાવવામાં વાયબ્રન્ટ ગુજરાત સફળ રહ્યું છે.

તેમને જણાવ્યું કે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રૂ. એક લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ, ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં નવા પ્રયોગો અને સંશોધન કરવા માટે સરકાર સતત પ્રોત્સાહન આપી રહી છે. રોકાણકારો અને કૃષિકારોએ તેનો લાભ લેવો જોઈએ. મત્સ્ય ઉદ્યોગ અને ઘાસચારા માટે નવપ્રવર્તન કરવા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા ૫૦ ટકા કેપિટલ સબસિડી આપવામાં આવે છે. એક જ ઉદ્યોગ માટે માટે બંને યોજનાનો લાભ લઈ શકાય છે

રૂપાલાએ કહ્યું કે ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં વિપુલ તકો રહેલી છે. વેલ્યુ એડીશન સાથે પ્રોસેસિંગ અને પેકેજીંગ તથા માર્કેટિંગનો બાબતમાં સરકાર દ્વારા ઉદાત ભાવે સહાય કરવામાં આવે છે. તેનો લાભ ખેડૂતોએ લેવો જોઈએ. તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની માહિતી આપી હતી.

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે રોકાણો વધતા સમૃદ્ધિ અને જન સુખાકારીમાં વધારો થયો છે. રોજગારીની તકો વધારે ઉજ્જવળ બની છે. એના કારણે જ દેશમાં સૌથી વધુ રોજગારી ગુજરાત રાજ્ય પૂરી પાડી રહ્યું છે. જે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દેન છે.

રાજ્ય સરકાર દ્વારા કૃષિના સર્વાંગી વિકાસ તથા ખેડૂતોના કલ્યાણ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. જળ સંચય, ખાતર અને વીજળીની સુલભતા ઉપરાંત યોજનાકીય લાભોના પ્રદાનથી ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો કરવાના આવી રહ્યા છે. લો કોસ્ટ ખેતી અને પ્રાકૃતિક ખેતીને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે ગુજરાતે વિકાસના તમામ ક્ષેત્રોમાં સમગ્ર દેશ અને વિશ્વને દિશા બતાવી છે.ગુજરાતનું સહકારી માળખું દેશભરમાં મોખરે છે.આઝાદીના ૭૦ વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સહકારિતા વિભાગ શરૂ કર્યો છે.સહકાર દ્વારા જ ખેડૂતો સમૃદ્ધિના માર્ગ તરફ આગળ વધશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલે બે મંડળીથી શરૂ કરેલ દૂધ ઉત્પાદક સહકારી દૂધ મંડળીઓની સંખ્યા આજે ૧૭ હજારે પહોંચી છે.જેમાં ૩૫ લાખથી વધુ સભાસદો છે.અમૂલ આજે વૈશ્વિક બ્રાન્ડ બની ચૂકી છે.અમૂલ એ સમગ્ર દેશમાં સહકારિતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.

કૃષિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે સમગ્ર દેશના ખેડૂતોની આવક વર્ષ- ૨૦૨૨ સુધીમાં બમણી થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સર્વગ્રાહી પગલાં લઈ રહી છે.ગુજરાતમાં હવે મકાઈ અને ચોખામાંથી ઇથેનોલ બનાવવા માટેના સમજૂતિ કરાર આ સમિટમાં કરવામાં આવ્યા છે.રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ગામડાઓમાં કૃષિ નિષ્ણાતો દ્વારા વ્યાપક સમજ આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રારંભમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ મનીષ ભારદ્વાજે સૌનો આવકાર કર્યો હતો. અંતમાં સહકાર વિભાગના સચિવ નલિન ઉપાધ્યાયે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરી, દેવાભાઈ માલમ, ત્રિપુરાના ગૃહ મંત્રી રામપ્રસાદ પૌલ, શ્રમ મંત્રીએ ભગબાન ચંદ્ર દાસ, બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહ, કેન્દ્ર રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ નિષ્ણાતો સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

Next Article