World Radio Day: મળો અમરેલીના એક એવા રેડિયોપ્રેમીને જેમની પાસે જુના-નવા મળી 200થી વધુ રેડિયોનો છે સંગ્રહ
World Radio Day: 13 ફેબ્રુઆરી વિશ્વભરમાં વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે આજે અમરેલીના એક એવા અનોખા રેડિયો પ્રેમી વિશે જણાવશુ જેમની પાસે દેશ-વિદેશના, જુના-નવા, રેડિયોની શરૂઆતથી લઈને અત્યાર સુધીના અવનવા 200થી વધુ રેડિયો છે અને આ દરેક રેડિયો ચાલુ કન્ડીશનમાં છે.
આજે સ્માર્ટફોનના જમાનામાં ફોનમાં જ રેડિયો ઉપલબ્ધ છે, ત્યારે ભાગ્યે જ કોઈ પાસેથી રેડિયો મળી આવે. ભાગ્યે જ કોઈ પાસેથી જો એમણે યાદગીરીરૂપે સાચવ્યો હોય તો રેડિયો મળી આવે. જો કે અમરેલીના સુલેમાન દલની વાત કરીએ તો તેમની પાસે અવનવા, જુનાથી લઈને નવા સહિતના 200થી વધુ એન્ટીક રેડિયોનું કલેક્શન છે.
આજે 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ છે, ત્યારે જાણીએ અમરેલીના આ અનોખા રેડિયો પ્રેમી વિશે. સુલેમાન દલ હાલ અમરેલીના ચલાલાના વતની છે અને નિવૃત શિક્ષક છે. તેમને બાળપણથી જ રેડિયોનું ભારે આકર્ષણ રહ્યુ છે. આજે 77 વર્ષની ઉંમરે પણ તેમની પાસે સવાસો જેટલા એન્ટીક રેડિયો ચાલુ કન્ડીશનમાં છે.
સુલેમાન દલના ઘરમાં રેડિયોનો સૂવર્ણ ઈતિહાસ સચવાયેલો છે. છેલ્લા 60થી 70 વર્ષના ગાળામાં રેડિયોમાં ટેકનોલોજી મુજબ અનેક ફેરફારો આવ્યા, જો કે સુલેમાન દલ પાસે શરૂઆતથી લઈને નવી ટેકનોલોજી સહિતના તમામ રેડિયો ઉપલબ્ધ છે. સૌથી વધુ નવાઈની વાત એ છે કે સુલેમાન દલ પાસે આ તમામ રેડિયો આજની તારીખમાં પણ ચાલુ કન્ડીશનમાં સચવાયેલા છે.
રેડિયોના શોખ વિશે સુલેમાન દલ જણાવે છે કે તેઓ 6 વર્ષના હતા, ત્યારે જ તેમના ગામના ડૉ. પોટાને ત્યાં રેડિયો સાંભળવા જતા હતા. ત્યારથી તેમને રેડિયો માટેનું આકર્ષણ હતુ. ત્યારબાદ યુવા વયથી તેમને રેડિયોનો શોખ જાગ્યો અને છેલ્લા 50 વર્ષથી તેમનો આ શોખ અકબંધ છે. આજે 77 વર્ષે પણ તેઓ તેમના બાગ-બગીચાઓની સાથે રેડિયોની પણ જીવની જેમ સંભાળ રાખે છે.
ફિલીપ્સ, મર્ફી, નેલ્કો નેશનલએકો, જેવીસી, સોની, સાનિયો હિટાચી, તોશિબા સહિતની દરેક કંપનીના રેડિયો તેમની પાસે ઉપલબ્ધ છે. 1966માં ઈલેક્ટ્રીશ્યનનો કોર્સ કરેલો હોવાથી દરેક રેડિયોનું રિપેરિંગ તેઓ જાતે જ કરે છે. આથી દરેક રેડિયો ચાલુ કન્ડીશનમાં જ છે.
જુદા જુદા રેડિયો કેવી રીતે મેળવ્યા?
સુલેમાન દલ જણાવે છે કે મુંબઈની ચોર બજારમાંથી તેમને અનેક એન્ટીક રેડિયો મળ્યા છે. તો ભાવનગરના અલંગમાં આવતી સ્ટીમરમાંથી પણ તેમને અનેક ફોરેનર મળી રહ્યા છે. આ ઉપરાંત ભાવનગર, રાજકોટ, અમદાવાદમાં જે ગુજરી બજારો ભરાય છે ત્યાંથી પણ તેમણે અનેક એન્ટીક રેડિયો મેળવ્યા છે. હવે તો તેમના શોખને જાણીને અનેક એવા મિત્રો પણ બની ગયા છે. જેઓ તેમને એન્ટીક રેડિયો મોકલે છે.
નવી-નવી ટેકનોલોજી આવી પરંતુ રેડિયોએ તેનુ સ્થાન જાળવી રાખ્યુ
તે જણાવે છે કે તેમની પાસે 200 જેટલા રેડિયો છે. રેડિયો અંગે જણાવે છે કે છેલ્લા 100 વર્ષમાં રેડિયો દરેક સાથે વણાયેલો છે. કેસેટ ટેપ, વીસીડી, પ્લેયર, ચેન્જર આવ્યા અને થોડા વર્ષોમાં લુપ્ત પણ થઈ ગયા. પરંતુ રેડિયો દરેક સાથે વણાયેલો છે. પ્લેયર સાથે પણ રેડિયો આવતો હતો. ટેબલ લેમ્પ સાથે પણ રેડિયો આવતો, જૂના કીપેડવાળા ફોનમાં પણ આવતો અને હાલ સ્માર્ટ ફોનમાં પણ આવે છે. ટેકનોલોજી ભલે નવી નવી આવતી ગઈ પરંતુ રેડિયોએ તેનુ સ્થાન જાળવી રાખ્યુ છે.
ઈનપુટ ક્રેડિટ- રાહુલ બગડા- અમરેલી