મેઘરાજાનો ધમધમાટ.. રાજ્યમાં વિરામ બાદ ઠેર ઠેર વરસાદ, દાહોદમાં વીજળી પડતાં પિતા-પુત્રનું મોત, જુઓ Video

રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદે જનજીવનને અસર કર્યું છે. રાજકોટ, અમરેલી, દાહોદ, અને છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે વીજળી કાપ અને રસ્તાઓ પર પાણી ભરાયા. દાહોદમાં વીજળી પડવાથી બેના મોત થયા.

મેઘરાજાનો ધમધમાટ.. રાજ્યમાં વિરામ બાદ ઠેર ઠેર વરસાદ, દાહોદમાં વીજળી પડતાં પિતા-પુત્રનું મોત, જુઓ Video
| Edited By: | Updated on: Jun 14, 2025 | 9:11 PM

રાજ્યમાં થોડા વિરામ બાદ ફરીથી મેઘરાજાનું આગમન થયું છે. રાજકોટ, અમરેલી, દાહોદ, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારોમાં વીજ વિતરણ ખોરવાયું હતું અને અંધારપટ્ટી છવાઈ ગઈ હતી.

અમરેલી જિલ્લાના બાબરા પંથક તેમજ બગસરા, ખાંભા અને સાવરકુંડલા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. રસ્તાઓ પર પાણી ફરી વળતાં લોકોની અવરજવર કરવામાં મુશ્કેલીઓ સર્જાઈ હતી.

દાહોદ નજીક મુવાલિયા ગામે એક દુઃખદ ઘટના બની હતી, જ્યાં વીજળી પડતાં પિતા અને પુત્રનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બંને ઘર બહાર બેઠેલા ત્યારે વીજળી પડી હતી. આ દુર્ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

છોટા ઉદેપુર જિલ્લામાં આજે સાંજે આશરે 4:30 વાગ્યે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ગાજવીજથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. કવાંટ, નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકાઓમાં ભારે વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તાપી જિલ્લામાં પણ ભારે બફારાપછી ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. વ્યારા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ઘોઘંબા તાલુકામાં મોડી સાંજે તીવ્ર પવન સાથે ચોમાસાની અસર જોવા મળી હતી. ભારે પવનના કારણે ઝાડની ડાળીઓ, છાપરા અને લારીઓના પતરા ઉડીને રસ્તા પર પડ્યા હતા. અંધારું છવાઈ ગયેલું અને દુકાનો પોતેથી જ બંધ થવા લાગી હતી. વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભરૂચ શહેરમાં પણ સાંજના સમયે કાળા ડિબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારથી ચાલી રહેલા ઉકળાટ બાદ વરસાદે લોકોમાં રાહત લાવી હતી. શહેરના મુખ્ય વિસ્તારો સહિત ભરૂચ સ્ટેશન વિસ્તાર પણ ભીંજાઈ ગયો હતો. ગોંડલ શહેર તેમજ કોટડા સાંગાણી પંથકના રામોદ ગામમાં પણ ધોધમાર વરસાદ થયો હતો. ગોંડલના મુખ્ય માર્ગો પર પાણી વહેવા લાગતાં ટ્રાફિકમાં વિક્ષેપ જોવા મળ્યો હતો.

અંદાજે રાજ્યોના અનેક વિસ્તારોમાં આજે વરસાદના જોરદાર ઝાપટાં નોંધાતા ચોમાસાનું આગમન ફરીથી અનુભવાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ચોમાસાના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Published On - 8:18 pm, Sat, 14 June 25