અમરેલીના બહુચર્ચિત અને ભરશિયાળે રાજકારણમાં ગરમાવો લાવી દેનારા લેટરકાંડમાં પાટીદાર યુવતીની ધરપકડ બાદ તેનુ સરઘસ કાઢવા મુદ્દે તમામ રાજકીય પક્ષો અને પાટીદાર સંસ્થાઓ મેદાનમાં આવી ગઈ છે. માત્ર ઓપરેટર તરીકે કામ કરતી યુવતીને આરોપી બનાવી મધરાત્રે ધરપકડ કરી પોલીસે બંધારણના નિયમોનો ઉલાળિયો તો કર્યો જ. સાથોસાથ બાકી હતુ તો રિકન્સ્ટ્રક્શનના નામે તમામ આરોપીઓની સાથે યુવતીને રાખી તેનું સરઘસ કાઢતા એક નવો જ વિવાદ છેડાઈ ગયો છે. 27 ડિસેમ્બરની મધરાતથી યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ખોડલધામ અને PAAS સહિતની પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ મેદાને આવ્યા અને અમરેલી પોલીસની કામગીરીને શરમજનક કૃત્ય ગણાવ્યુ.
પાટીદાર યુવતીનું સરાજાહેર શહેરની વચ્ચોવચ્ચ અન્ય આરોપીઓની સાથે સરઘસ કાઢતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રીને પત્ર લખી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને દીકરીની સમગ્ર વિવાદમાં ખોટી રીતે ધરપકડ કરાઈ હોવાની રજૂઆત કરાઈ. જે બાદ અમરેલીમાં પાટીદાર અગ્રણીઓ, સાંસદો, જેમના નામથી લેટરકાંડ થયો છે તે MLA કૌશિક વેકરિયા સહિતનાની બંધ બારણે બેઠક મળી હતી. જેમા ફરિયાદમાંથી પાટીદાર દીકરીનું નામ દૂર કરવા પર સર્વસંમતિ સધાઈ હતી.
જો કે આ મુદ્દે કોંગ્રેસ પહેલેથી જ ફ્રન્ટ ફુટ પર રમતી જોવા મળી. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુ્મ્મરે દીકરી છેલ્લા કેટલાય દિવસોથી દીકરીના ઘરે ધામા નાખ્યા. તો લલિત કગથરાએ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને તાકાત હોય તો ભૂપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢી બતાવવાનો પડકાર ફેંક્યો.
આ તરફ અમદાવાદ યુથ કોંગ્રેસે દ્વારા પણ ઉગ્ર દેખાવો યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ અને પાટીદાર દીકરીને ન્યાય આપવાની માગ કરવામાં આવી. કોંગ્રેસના નેતા મનહર પટેલે તો ત્યાં સુધી ચીમકી ઉચ્ચારી કે જો આજના દિવસમાં દીકરીને જામીન નહીં મળે તો તેઓ મુખ્યમંત્રી આવાસ પર ધરણા યોજશે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ દીકરીને ન્યાય અપાવવાની સાથે દીકરીનું સરઘસ કાઢનાર પોલીસ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ તરફ આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ સમગ્ર વિવાદમાં રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો અને અમરેલી જિલ્લા પોલીસ વડાની કચેરીનો ઘેરાવ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી.
સમગ્ર વિવાદમાં અમરેલીના MLA કૌશિક વેકરિયાના નામનો લેટરકાંડ તો કોરાણે મુકાઈ ગયો પરંતુ પાટીદાર દીકરીનો મુદ્દે સૌથી વધુ ચર્ચાસ્પદ બનતો જોવા મળ્યો. જેમા સમાજની રાજનીતિ પણ હાવી થતી જોઈ ભાજપના નેતાઓ પણ સમગ્ર વિવાદમાં સક્રિય થયા. ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ જેલમાં પાટીદાર યુવતી સાથે મુલાકાત કરી અને જેલમુક્તિ બાદ તેને સતહકારી ક્ષેત્રમાં નોકરી મળે તેવી તૈયારીઓ શરૂ કરાઈ હોવાની જાહેરાત કરી. આ તરફ યુવતીના વકીલે પણ તેની જામીન અરજીમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા ધરપકડને બંધારણના નિયમોની વિરુદ્ધ અને ખોટી ગણાવી.
જો કે આ સમગ્ર ઘટનામાં યુવતીની જે બાબતે ધરપકડ કરવામાં આવી તે લેટરકાંડનો મુદ્દો તો જાણે જાણી જોઈને વિસારી દેવાયો હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. કિશોર કાનપરિયાના બનાવટી લેટરહેડના નામથી પૂર્વ તાલુકા પ્રમુખ રહેલા મનિષ વઘાસિયાએ અમરેલીના ધારાસભ્ય સામે ઘણા ગંભીર આક્ષેપ કર્યા છે. જેમા દર મહિને ધારાસભ્ય કૌશિક વેકરીયાને પોલીસ દ્વારા 40 લાખનો હપ્તો પહોંચી જાય છે. જિલ્લામાં રેતી ખનન બાબતે કોન્ટ્રાક્ટર સાથે મિલિભગતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. બીજી તરફ આ લેટરકાંડથી જિલ્લા ભાજપનો આંતરિક જૂથવાદ પણ હવે સપાટી પર આવી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથે છે ત્યારે મોવડી મંડળ પણ હવે ડેમેજ કંટ્રોલની મુદ્રામાં આવી ગયુ છે.
Input Credit- Jaydev Kathi Amreli, Narendra Rathod Ahmedabad
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:37 pm, Fri, 3 January 25