Breaking News : અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે 8 રેન્જમાં કરાઈ ખાસ સગવડ
40 ડિગ્રીની આસપાસ પહોંચેલા તાપમાનને કારણે લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. આવી તીવ્ર ગરમીની સ્થિતિમાં અમરેલીમાં પ્રાણીઓની સંભાળ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તેમની સુરક્ષા તથા આરોગ્યનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિભાગની કુલ 8 વન રેન્જોમાં સિંહ સહિતના વન્યપ્રાણીઓને ઉનાળામાં પાણીની અછત ન રહે તે માટે વન વિભાગે 250થી વધુ પાણીના સ્ત્રોત સક્રિય રાખ્યા છે. ખાંભા તુલસીશ્યામ, દલખાણીયા, હડાળા, પાણીયા પોઇન્ટ, સરસિયા, સાવરકુંડલા, જસધાર તેમજ આંબરડી પ્રવાસન રેન્જ જેવા વિસ્તારોમાં વિવિધ સ્થળોએ પાણી ઉપલબ્ધ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ પવનચક્કી દ્વારા પાણી ભરવામાં આવે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે જેથી વન્યપ્રાણીઓને પૂરતું પાણી મળી રહે.
વન્યપ્રાણીઓને પૂરતું પાણી મળી રહે તે માટે દરેક રેન્જમાં બીટ ગાર્ડ સ્તરના કર્મચારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ નિયમિત રીતે પાણીના સ્ત્રોતોની દેખરેખ રાખે છે. ગુજરાતમાં થયેલી છેલ્લી સિંહ વસતી ગણતરી મુજબ અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ હતી. આ કારણે વન વિભાગ દ્વારા વિસ્તારમાં વન્યપ્રાણીઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ઉનાળાની તીવ્ર ગરમી દરમિયાન સિંહોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.