Amreli : શ્વાનના બચ્ચાને રમાડતા નજરે પડ્યો સિંહ, જુઓ અનોખા દ્રશ્યો

| Edited By: | Updated on: Dec 19, 2025 | 12:24 PM

અમરેલી જિલ્લાના અનેક ગામડાઓમાં વન્ય પ્રાણીઓના આંટાફેરા સતત વધી રહ્યા છે, જેના ત્રણ વીડિયો વાયરલ થયા છે. રાજુલાના કોવાયા ગામે સિંહ શ્વાનના બચ્ચા સાથે રમતો અને રહેણાંક મકાનમાં પ્રવેશતો જોવા મળ્યો. આ ઉપરાંત, છતડીયા રોડ પર દીપડાની લટાર પણ કેદ થઈ છે.

અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓની વધતી અવરજવર વધતી જઇ રહી છે.જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે સિંહો ગામોમાં પશુઓના શિકાર માટે ઘુસી જતા હોય છે, જો કે આ વખતે અમરેલીના એક ગામનો અનોખો વીડિયો સામે આવ્યો છે. જેમાં સિંહ શ્વાનના નાના બચ્ચાઓ સાથે રમતો જોવા મળી રહ્યો છે.

રાજુલા તાલુકાના કોવાયા ગામે અનોખા અને ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં એક સિંહ ગામની ગલીઓમાં શ્વાનના બચ્ચા સાથે રમતો નજરે પડ્યો. આ અદભુત ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. બીજી તરફ રાજુલા વિસ્તારના એક રહેણાંક મકાનના પટાંગણમાં પણ સિંહ ઘૂસી આવ્યો હતો. થોડા સમય સુધી આંટાફેરા કર્યા બાદ સિંહ કોઈને નુકસાન પહોંચાડ્યા વિના ફરી જંગલ તરફ પરત ફર્યો હતો.

મહત્વનું છે કે અમરેલી જિલ્લાના અનેક ગામડાઓમાં સિંહ અને દીપડાના આંટાફેરા સતત વધી રહ્યા છે, જેના અન્ય વીડિયો પણ સામે આવ્યા છે. રાજુલાના છતડીયા રોડ પર આવેલા મનમંદિર નજીક દીપડાની ખુલ્લેઆમ લટાર પણ જોવા મળી હતી. રસ્તા પર ફરતો દીપડો કેમેરામાં કેદ થયો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. વારંવાર સામે આવતી આવી ઘટનાઓથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો વન વિભાગ પાસે વન્યપ્રાણીઓની અવરજવર પર નિયંત્રણ અને સુરક્ષા માટે કડક પગલાં લેવા માંગ કરી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો