Dhandhuka: ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો, સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટને કારણે હત્યા થયાનું અનુમાન

| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:52 PM

ધંધુકામાં મંગળવારે કિશન નામનો યુવક તેના ઘર પાસે જતો હતો ત્યારે બે અજાણ્યા લોકોએ આવીને તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો, ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ફાયરિંગ કરી યુવક (Young) ને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે પોલીસે તપાસ કરતાં મૃતકે થોડા સમય પહેલા ધાર્મિક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પર કરતા મામલો ગરમાયો હતો અને જેની પોલીસ કાર્યવાહી થઈ હતી અને સમાધાન પણ થયું હતું. આ ઘટનાને પગલે જ હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે.

ધંધુકામાં મંગળવારે કિશન નામનો યુવક જૂના ઘર પાસે જતો હતો ત્યારે બે અજાણ્યા લોકોએ આવીને તેના પર બે રાઉન્ડ ફાયરિંગ (firing) કર્યું હતું. જેમાં કિશન સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે થોડા દિવસ પહેલા કિશને વિરુદ્ધ સોશિયલ મીડિયા (social media) માં ધાર્મિક વિવાદિત પોસ્ટ કરી હતી જેની અદાવત રાખી કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે છે. કારણ કે કિશન સામે જે તે સમયે પોલીસ કાર્યવાહી પણ કરાઈ હતી અને બાદમાં કેટલાક લોકો તેનાથી રોષે ભરાયા હતા.

કિશન આ ઘટના બાદથી તેના ઘરે જ હતો અને ગઈકાલે ઘરેથી નીકળ્યો ત્યારે મોકાનો લાભ લઇ તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે. બીજી તરફ હાલ અમદાવાદ ગ્રામ્ય રેન્જ આઈજી, એસપી, બે ડીવાયએસપી, પાંચથી વધુ પીઆઇ, સાતેક પીએસઆઇ તથા અડધા જિલ્લાની પોલીસ ખડકી દેવાઈ છે. તપાસ એસઓજીને સોપાતા એસલસીબી એસઓજી પણ તપાસમાં જોતરાઈ છે.

મૃતકની હત્યા (murder) ને પગલે મામલો ઉગ્ર બન્યો. મૃતકના પરિવારજનો સહિત સમાજના લોકો રોષે ભરાયા હતા અને રસ્તા પર ફતરી આવ્યા હતા. પોલીસ (police) એ સમાજના આગેવાનોની મદદ લઇ મામલો થાળે પાડ્યો હતો. સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે બેઠક થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો અને હવે પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમવિધિ કરવાનું પોલીસે આયોજન કર્યું છે.

મૃતકની હત્યા પાછળ સોશિયલ મીડિયાની પોસ્ટ કારણભૂત હતી કે અન્ય કોઈ કારણ તે આરોપીઓ ઝડપાયા બાદ સામે આવશે. હાલ તો શકમંદોની અટકાયત કરી પોલીસ ઊંડાણપૂર્વક તપાસના કામે લાગી ગઈ છે. ધંધૂકામાં શાંતિભર્યું વાતાવરણ રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પોલીસ ટિમો હત્યા પાછળનું હકીકત કારણ જાણવામાં લાગી ગઈ છે કારણ કે કેટલીક નવી બાબતો પણ પોલીસના ધ્યાને આવતા હકીકતના મૂળ સુધી પહોંચવા પોલીસ મથી રહી છે.

આ પણ વાંચોઃ Corona: ગુજરાતમાં કોવિડ કેસ વધુ હોઈ શકે છે, દરરોજ 1 લાખ સેલ્ફ ટેસ્ટ કીટ વેચાય છે

આ પણ વાંચોઃ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ રાજકીય પક્ષમાં જોડાઇ શકે છે : ધાર્મિક માલવિયા