દરેક નાની મોટી ઈલેક્ટ્રીક ચીજ વસ્તુઓ કે છે ઓન ઓફ થતી હોય તે દરેક વસ્તુમાં સેમીકંડક્ટર ચિપ લાગેલી હોય છે, જે અત્યાર સુધી ભારતમાં ઉત્પાદન થતી ન હતી. હવે ભારતના ત્રણ અલગ અલગ જગ્યાઓ પર સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન થઈ ચૂક્યું છે. આગામી દિવસોમાં ભારત હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં એક અલગ ક્રાંતિ કરવા જઈ રહ્યું છે.અમે જણાવીશું કે શું છે સેમિકન્ડક્ટર અને કઈ રીતે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે કરશે ક્રાંતિ.
અમદાવાદના ધોલેરા અને સાણંદમાં દેશના પહેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. સાણંદ અને ધોલેરા ઉપરાંત આસામ સહિત ત્રણ જગ્યા પર 1.25 લાખ કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. આજે ત્રણેય પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ જોડાઈ ભૂમિપૂજન કર્યું હતું. ધોલેરા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અશ્વિની વૈષ્ણવ ભૂમિપૂજન કાર્યકમમાં હાજર રહી ભૂમિપૂજન કર્યું હતું, તેમજ બલવંતસિંહ રાજપૂત દ્વારા સાણંદમાં પ્લાન્ટનું ભૂમિપૂજન કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં દેશના 7000 કોલેજ, યુનિવર્સિટી અને એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
ધોલેરામાં 91 હજાર કરોડ અને સાણંદમાં 7500 કરોડનું રોકાણ કરી પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. ટાટા અને સીજી પાવર કંપની ધોલેરા અને સાણંદમાં પ્લાન્ટ સ્થાપશે. 1962થી સેમિકન્ડક્ટર પ્લાન્ટને ભારતમાં સ્થાપવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા, જે હવે સાકાર થઈ રહ્યા છે. હવે ટૂંક સમયમાં એટલેકે ડિસેમ્બર 2024માં ચિપ્સ તૈયાર થઈને સાણંદથી નીકળશે, જ્યારે ડિસેમ્બર 2026માં ધોલેરામાં તૈયાર થયેલી ચિપ્સ નીકળશે.
ગુજરાત સરકારે સેમી કંડકટર માટે ખાસ પોલીસી તૈયાર કરી છે. આ પોલિસી પાંચ વર્ષ એટલે કે 2022થી 2027 માટેની છે. જેમાં 2 લાખથી વધુ રોજગારી સર્જન કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. પોલિસી હેઠળ ધોલેરા સરમાં રાજ્ય સરકારે સેમિકોન સિટી વિકસાવાનું પણ આયોજન કર્યું છે. દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ આવવાથી 50,000 જેટલા લોકોને રોજગારી મળશે.
ઓન અને ઓફ થનારી દરેક વસ્તુમાં સેમિકન્ડક્ટર લગાવવામાં આવતું હોય છે. કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે પાયા તરીકે સેમિકન્ડક્ટરને ગણવામાં આવે છે.લાઈટ, ટ્રેન, કાર, મોબાઈલ, કોમ્પ્યુટર સહિત દરેક વસ્તુમાં સેમિકન્ડક્ટર લગાવતો હોય છે.
જે પદાર્થ વીજળીનું સંચાલન કરી શકે છે તેને કંડક્ટર કહેવાય છે અને જે પદાર્થ વીજળીનું સંચાલન કરી શકતું નથી તે ઇન્સ્યુલેટર તરીકે ઓળખાય છે. સેમિકન્ડક્ટરમાં એવા ગુણધર્મો હોય છે જે કંડક્ટર અને ઇન્સ્યુલેટર વચ્ચે બેસે છે. ડાયોડ, ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC) અને ટ્રાન્ઝિસ્ટર બધા સેમિકન્ડક્ટરમાંથી બનાવવામાં આવે છે.
મહત્વનું છે ધોલેરા ખાતે તૈયાર થઈ રહેલા પ્લાન્ટ માટે ધોલેરાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ ઉપયોગી બનશે. જ્યારે પ્લાન્ટ તૈયાર થઈ ચિપ નું ઉત્પાદન થશે તે બાદ અમેરિકા, જાપાનમાં સહિતના દેશોમાં પણ મેડ ઈન આસામ, મેડ ઈન ગુજરાત લખેલા સેમિકન્ડક્ટરો વાળી વસ્તુઓ જોવા મળશે. વિદેશમાં પણ ભારતના સેમિકન્ડક્ટરો વપરાશે જેનાથી ભારત અને ખાસ કરીને ગુજરાતને નવી જ ઓળખ પ્રાપ્ત થશે.