
ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ હવે વધુ સક્રિય બનતો દેખાઈ રહ્યો છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં વરસાદની સિસ્ટમ વધુ સક્રિય બનશે, જેના પરિણામે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો જેમ કે આહવા, નવસારી અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત, ચીખલી અને વ્યારાના ક્ષેત્રોમાં પણ જોરદાર વરસાદ પડી શકે છે.
તેમણે તટીય વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા જણાવ્યું છે, કારણ કે શહેરો અને નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસી જવાની શક્યતા છે. વીજળીના કડાકા-ભડાકા સમયે માલધારીઓને ઢોરની સંભાળ રાખવા અને લોકોને ઝાડ કે વીજળીના થાંભલા નીચે ઉભા ન રહેવાની સલાહ આપવામાં આવી છે. રેસ્ક્યુ ટીમોને પણ સજ્જ રહેવા માટે કહેવાયું છે.
અમદાવાદમાં અગાઉની આગાહી મુજબ જોરદાર વરસાદ થયો નહોતો, પરંતુ કટકે કટકે વરસાદ જોવા મળ્યો હતો. અંબાલાલ પટેલે આગામી સમયમાં અમદાવાદ સહિતના કેટલાક મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. અંબાલાલ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, અરબ સાગરની નિષ્ક્રિયતા અને ઈરાનથી આવતા ગરમ પવનોના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો પડ્યો હતો. જો ઉત્તર અરબ સાગર સક્રિય થયો હોત, તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં સારો વરસાદ થઈ શક્યો હોત. જોકે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. રાજકોટ અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થઈ શકે છે, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ માટે ઉત્તર અરબ સાગરમાં મજબૂત સિસ્ટમ બનવી જરૂરી છે.
જુલાઈ મહિનાના પ્રથમ પખવાડિયામાં ઓછો વરસાદ નોંધાયા બાદ છેલ્લા પખવાડિયામાં સારો વરસાદ થયો હતો. હવે ઓગસ્ટ મહિના માટે અંબાલાલ પટેલે સકારાત્મક અંદાજ વ્યક્ત કર્યો છે. તેમના મતે, ઓગસ્ટ માસમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત (સાબરકાંઠા, અરવલ્લી), મધ્ય ગુજરાત (વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદયપુર, મહીસાગર) અને દક્ષિણ ગુજરાત (તાપી, નર્મદા, ભરૂચ) નો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે.
અલ નીનોની અસર અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, તેની ઘાતક અસર ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી અનુભવાવાની શક્યતા રહે છે. જોકે, હાલમાં ઈન્ડિયન ઓશન ડાયપોલ (IOD) સકારાત્મક બનવાની શક્યતા છે અને બંગાળ ઉપસાગરની શાખા પણ સક્રિય છે. દક્ષિણ ગોળાર્ધમાંથી આવતા પવનો અને કેલ્વિન વેવ પણ વાતાવરણને મદદ કરી રહ્યા છે.
આ ઉપરાંત, પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટોર્મ સર્જાવાની શક્યતા પણ બંગાળ ઉપસાગરની શાખાને સક્રિય રાખશે. આ બધા પરિબળોને કારણે અલ નીનોની ઘાતક અસર ગુજરાતના ચોમાસા પર ઓછી થવાની શક્યતા છે. આમ, અલ નીનોની અસર બેનકાબ થવાની ગણી શકાય, જે ગુજરાતના ચોમાસા માટે રાહતની વાત છે. આના કારણે ચોમાસાની સિસ્ટમ પર કોઈ મોટો નકારાત્મક પ્રભાવ પડશે નહીં.
ભરૂચના અંકલેશ્વરમાં અનરાધાર વરસાદ: ખેતરો તળાવમાં ફેરવાયા
Published On - 9:39 pm, Fri, 31 July 26