વકફ કાયદો પસાર થયા બાદ પશ્ચિમ બંગાળમાં વિરોધની આગ ફાટી નીકળી છે.. અને આગમાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવતા હોવાની ફરિયાદ સાથે વિશ્વ હિન્દુ પરિષદે નોંધાવ્યો છે વિરોધ. અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટર કચરી ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિશાસન લગાવવાની માગ કરી. સાથે જ હિન્દુઓ પર થતાં અત્યાચારની NIA દ્વારા તપાસની પણ માગ કરી છે. હતપ્રત થયેલા હિન્દુ પરિવારોને પુનઃસ્થાપિત કરીને નુકસાનીનું વળતર ચૂકવાની પણ માંગણી કરાઇ છે. હાલ તો પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. હિંદુઓ પરના અત્યાચાર મામલે મોટાભાગના શહેરમાં VHP અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સંસદમાં વક્ફ બિલ પાસ થયા બાદ પશ્ચિમ બંગાળના મૂર્શિદાબાદમાં હિંસા ભડકી હતી. હિંસક ભીડે હિંદુઓને ટાર્ગેટ કરી કરીને તેમને માર માર્યો અને હિંદુ મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ભીડની આડમાં ઉપદ્રવીઓએ મહિલાઓના શિયળ લૂંટ્યા હોવાની પણ કેટલીક ઘટનાઓ સામે આવી છે. ભારે દમન અને હિંસાને પગલે મૂર્શિદાબાદમાંથી હજારો હિંદુઓ તેમના ઘર છોડીને પલાયન કરી ગયા છે. જો કે સરકાર દ્વારા 500 હિંદુઓએ પલાયન કર્યુ હોવાનું જણાવાઈ રહ્યુ છે. ન માત્ર હિંસા પરંતુ તોફાની ટોળાએ અનેક હિંદુઓના ઘર પણ સળગાવી દીધા હતા. જેના કારણે હિંદુઓ પલાયન કરવા મજબૂર બન્યા હતા. ત્યારે સવાલ એ છે કે વક્ફના વિરોધમાં હિંદુઓને કેમ ટાર્ગેટ કરાઈ રહ્યા છે? મૂર્શિદાબાદમાં તો ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. હિંદુઓ તેમના જ ઘરોમાં સુરક્ષિત નથી. ત્યારે રાજ્યની કાયદો વ્યવસ્થા અને પ્રશાસન સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. આ તરફ પલાયન કરીને આવેલા પીડિતો જણાવે છે કે તેમને પોલીસ દ્વારા કોઈ મદદ મળી નથી, પોલીસની ગાડીઓને પણ સળગાવી દેવામાં આવી હતી. પોલીસ મૂક પ્રેક્ષક બનીને રહી ગઈ હતી.
જોકે નવાઈની વાત તો એ છે કે આટલા મોટાપાયે હિંસા ભડકી હોવા છતા મમતા સરકાર તેને માત્ર એક વિવાદમાં ખપાવી દેવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. આ હિંસામાં ત્રણ લોકોના મોત પણ થઈ ગયા છે. જેમા હિંસક ટોળાએ એક પિતાપુત્રને મારી-મારીને મૃત્યુ નિપજાવ્યુ હતુ. આ હિંસામાં બાંગ્લાદેશી કનેક્શન પણ સામે આવ્યુ છે. હાલ જે પ્રકારે બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ જે પ્રકારે હિંદુઓને ટાર્ગેટ કરાઈ રહ્યા છે. તેમના ઘરો સળગાવી દેવામાં આવ્યા, હિંદુ મહિલાઓની આબરુ લૂંટવામાં આવી, બળજબરીથી ધર્મપરવર્તન કરવા મજબૂર કરવામાં આવ્યા. બસ એ જ પેટર્નથી બંગાળમાં પણ હિંદુઓને ટાર્ગેટ કરાઈ રહ્યા છે પરંતુ મમતા સરકારની આંખ ખૂલતી નથી અને તેમને જાણે માત્ર એક ચોક્કસ જમાતને જ ખુશ રાખવામાં રસ હોય તે પ્રકારનું ચિત્ર ઉપસી રહ્યુ છે.
Input Credit- Sachin Patil- Ahmedabad
Published On - 5:39 pm, Sat, 19 April 25