Breaking News : અમદાવાદના વસ્ત્રાપુરમાં વરસાદથી તબાહી, દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓ તંત્રની મદદની રાહમાં

અમદાવાદના વસ્ત્રાપુરમાં ધોધમાર વરસાદે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષમાં ભારે વિનાશ વેર્યો છે. 45થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થતા મોબાઇલ, એસેસરીઝ અને કપડાંના વેપારીઓને લાખોનું નુકસાન થયું છે.

Breaking News : અમદાવાદના વસ્ત્રાપુરમાં વરસાદથી તબાહી, દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓ તંત્રની મદદની રાહમાં
| Edited By: | Updated on: Jul 25, 2026 | 4:55 PM

અમદાવાદમાં અનરાધાર વરસાદે વસ્ત્રાપુર વિસ્તારમાં ભારે વિનાશ વેર્યો છે, ખાસ કરીને ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદ બાદ કોમ્પ્લેક્ષની 45થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી, જેના પરિણામે વેપારીઓને કરોડો રૂપિયાનું ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ કોમ્પ્લેક્ષમાં મોબાઇલ અને ગાડીની એસેસરીઝ તેમજ કપડાં જેવી વસ્તુઓ વેચતી દુકાનો આવેલી છે. વરસાદના પાણી ભરાઇ જવાને કારણે આ એકમોમાં રાખેલો મોટાભાગનો સામાન બગડી ગયો છે. એક મોબાઇલની દુકાનના વેપારીના જણાવ્યા મુજબ, તેમને આશરે 18 થી 20 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

તેમની દુકાનનું કાઉન્ટર પાણીના ધસારાથી પડી ગયું હતું અને તેમાં રાખેલા 150થી 200 જેટલા મોબાઇલ ફોન સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જવાથી ખરાબ થઇ ગયા છે. આમાં રિપેરિંગ માટે આવેલા ગ્રાહકોના ફોન પણ સામેલ હતા, જે બધા પાણીમાં નષ્ટ પામ્યા છે. અન્ય એક કપડાંની દુકાનના માલિકે પણ 17 થી 18 લાખ રૂપિયાના નુકસાનનો અંદાજ વ્યક્ત કર્યો છે, જેમાં તેમનો તમામ સ્ટોક અને હિસાબી ચોપડા ભીના થઇ ગયા છે.

વરસાદ રોકાયાના બે દિવસ બાદ પણ કોમ્પ્લેક્ષમાંથી પાણી ન ઓસરતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે, મહાનગરપાલિકા કે સરકારી તંત્ર તરફથી હજુ સુધી તેમને કોઇપણ પ્રકારની મદદ મળી નથી. પાણીના નિકાલ માટે પણ તેમને સ્વખર્ચે પંપ અને ફાઇટર્સની વ્યવસ્થા કરવી પડી રહી છે. કાદવ અને કીચડથી ભરાયેલી દુકાનોમાં લગભગ 4.5 થી 5 ફૂટ સુધી પાણી ભરાયા હતા. વેપારીઓએ ભેગા મળીને જાતે જ પાણીનો નિકાલ કર્યો છે.

આ ભારે નુકસાન અને તંત્રની ઉદાસીનતાને કારણે વેપારીઓ ચિંતાતુર બન્યા છે. તેઓ સરકાર સમક્ષ સહાય અને નુકસાન ભરપાઇ કરવા માટેની માંગ કરી રહ્યા છે, જેથી તેઓ ફરીથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. આ ઘટના અમદાવાદમાં ચોમાસા દરમિયાન જળબંબાકારની પરિસ્થિતિ અને તેના કારણે થતા આર્થિક નુકસાનનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. વેપારીઓને આશા છે કે સરકાર તેમની વ્યથા સાંભળીને તાત્કાલિક પગલાં ભરશે.

ભારે વરસાદથી ઉમરગામમાં તારાજી, વારોલી નદી અને સંજાણના પુલ તૂટ્યા, રસ્તાઓ બંધ

Follow Us