અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હોળિકા દહનની સાંજે અચાનક હિંસક ઘટના બની ગઈ. ગુનેગારો રસ્તા પર આવીને બેફામ થઈ ગયા અને જે સામે મળ્યો તેને મારમાર્યો. દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી, નિર્દોષ લોકોને ઈજા પહોંચાડી.
મળતી માહિતી મુજબ, જૂની અદાવતના કારણે પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ટોળકીઓ એકબીજાને શોધતી હતી. તેમ છતાં, જ્યારે તેમના શત્રુઓ મળી ન આવ્યા, ત્યારે આ ટોળકીઓએ જે સામે મળ્યો તેને જ નિશાન બનાવ્યો.
આ તોફાન દરમિયાન રસ્તા પર ચાલતા સામાન્ય નાગરિકો પણ હિંસાનો ભોગ બન્યા. પથ્થરમારો શરૂ થયો અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા. તલવારો અને અન્ય હથિયારો સાથે આ તોફાનીઓ ખુલ્લેઆમ ગંદી ગાળો બોલતા અને સામે આવતા લોકો પર હુમલો કરતા હતાં.
વિસ્તારમાં અચાનક થયેલી આ અફરાતફરીથી સ્થાનિક લોકો ફફડી ઉઠ્યા. કેટલીક દુકાનો અને વાહનોને પણ નુકસાન થયું. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી કરી અને 14 લોકોને ઝડપી પાડ્યા. રામોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુરેશ ચૌધરીએ જણાવ્યું કે આ ગુનેગારો પોતાની અંગત અદાવતના કારણે બહાર આવ્યા હતા, પણ નિર્દોષ લોકોને નુકસાન પહોંચાડ્યું. તમામ આરોપીઓને ધરપકડ કર્યા બાદ ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંકનો મામલો, પોલીસે 14 આરોપીની ધરપકડ કરી ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન | TV9Gujarati#ahmedabad #vastral #antisocialelements #police #reconstruction #arrest #gujarat #tv9gujarati pic.twitter.com/jxG8OQ0uAa
— Tv9 Gujarati (@tv9gujarati) March 14, 2025
શહેરમાં સુરક્ષા અને પેટ્રોલિંગની વ્યવસ્થાની વચ્ચે થયેલી આ હિંસક ઘટનાએ લોકોને ચિંતિત કરી દીધા છે.
મીડિયાને માહિતી આપતા પોલીસ જણાવ્યું કે, ગુનેગારો પોતાની અંગત અદાવતને કારણે બહાર આવ્યા હતા, પરંતુ તેઓએ સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું હતું. આ ઘટનામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેને પગલે જીવલેણ હુમલાની ફરિયાદ નોંધવામાં આવી છે. તમામ આરોપીઓને ઝડપી પાડીને રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, એક તરફ શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને વ્યવસ્થાની દાવાઓ કરવામાં આવી રહ્યાં હતા, ત્યારે વસ્ત્રાલ વિસ્તારમાં લોકો આતંકના ભયથી ફફડી રહ્યા હતા.
રામોલ પોલીસે આ આરોપીઓ એ કરેલો ગુ.ર.નં.11191024250315/25 ઘી બીએનએસ કલમ 109(1), 118(1), 189(2) 189(4), 190, 191(2), 191(3),126(2),324(6),296(બી) 351(3) તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ કાર્યવાહી કરી છે.