Ahmedabad : PM મોદી આવશે ગુજરાત, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે નિહાળશે મેચ
મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આવવાના હોવાથી સ્ટેડિયમની અંદર જવા માટે થ્રીલેયર સિક્યુરિટી ગોઠવવામાં આવી છે
PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે રાતે 8 વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, જે બાદ તેઓ ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. જ્યારે 9 માર્ચ તેઓ અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમ ખાતે તેઓ ટેસ્ટ મેચ નિહાળશે.
વડાપ્રધાનના આગમનને લઇને એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા
વડાપ્રધાનના આગમનને લઇને અમદાવાદ એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. અન્ય મહાનુભાવોના આગમનને કારણે એરપોર્ટની સામાન્ય કામગીરી ખોરવાય નહીં અને મુસાફરોને કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ખાસ પેટ્રોલિંગ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સ્ટેડિયમની અંદર થ્રીલેયર સિક્યુરિટી
મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આવવાના હોવાથી સ્ટેડિયમની અંદર જવા માટે થ્રીલેયર સિક્યુરિટી ગોઠવવામાં આવી છે. જેમાં ગેટ નંબર-1 પરથી બંને ટીમો તેમજ વીવીઆઈપીને એન્ટ્રી મળશે. જ્યારે ગેટ નંબર-2 અને 3 માંથી પ્રેક્ષકો સ્ટેડિયમમાં જઈ શકશે. કોઈપણ પ્રેક્ષક સ્ટેડિયમમાં પાણીની બોટલ કે અન્ય કોઈ વસ્તુ સાથે લઈ જઈ શકશે નહીં. જ્યારે સ્ટેડિયમમાં પ્રવેશનાર દરેકનું હેન્ડ મેટલ ડિટેક્ટર તેમજ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરથી સ્કેનિંગ પણ કરવાની તૈયારી પોલીસે કરી લીધી છે.