ગુજરાતની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સરકાર માટે કટોરા લઈને ભીખ માગવા બન્યા મજબુર, જુઓ Video

અમદાવાદના સોલામાં આવેલી GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ આજે કોલેજ બહાર કટોરામાં ભીખ માગી સરકારને પૈસા આપવાની માગ કરતા જોવા મળ્યા. સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલા ફી વધારા અને ત્યારબાદ કરાયેલા ફી ઘટાડા બાદ પણ ફી વધારાને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી યથાવત છે.

| Edited By: | Updated on: Jul 18, 2024 | 4:41 PM

રાજ્યભરની GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) મેડિકલ કોલેજોમાં ગત 28મી જૂને સરકાર દ્વારા રાતોરાત 88 ટકા જેટલો ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓએ આકરો વિરોધ પ્રદર્શિત કરતા સરકારે ઝુકવુ પડ્યુ હતુ અને વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને લઈને GMERS કોલેજોની ફીમાં ઘટાડો કર્યો છે. જો કે આ ફી ઘટાડા બાદ પણ કોલેજોની ફી વધારે હોવાની વિદ્યાર્થીઓની રજૂઆત છે જેને લઈને સોલામાં આવેલી GMERS મેડિકલ કોલેજ બહાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાથમાં કટોરા લઈને ભીખ માગી સરકાર સામે વિરોધ કરતા જોવા મળ્યા. વિદ્યાર્થીઓના આક્ષેપ છે કે સરકાર પાસે સરકારી મેડિકલ ચલાવવાના પૈસા નથી. આથી ભીખ માગી સરકારને કોલેજ ચલાવવા માટે ભીખ આપવાની માગ કરતા તેઓ જોવા મળ્યા.

ફી ઘટાડા બાદ પણ 15 થી 35 ટકાનો ફી વધારો યથાવત

વાલીઓની રજૂઆત છે કે સરકારે જે તોતિંગ ફી વધારો કર્યો હતો તે ઘટાડ્યા બાદ પણ 15 થી 20 ટકાનો ફી વધારો છે. સરકારે 88 ટકા જેટલો તોતિંગ ફી વધારો કરી માત્ર ફી ઘટાડાની લોલિપોપ આપી છે અને હજુ જે ઘટાડો કરાયો છે તેગત વર્ષની સરખામણીએ તો વધુ જ છે. જેની સામે વિદ્યાર્થીઓ ભીખ માગી વિરોધ કરી રહ્યા છે.

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની 13 મેડિકલ કોલેજમાં સરકારી ક્વોટાની 75 ટકા એટલે કે 1500 સીટ પર 3.30 લાખથી વધારી 5.50 લાખ ફી જાહેર કરી હતી. સરકારી ક્વોટાની સીટો પર 2.10 લાખનો વધારો કર્યો હતો. મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી. તેમજ NRI કોટાની વાર્ષિક ફી 22 હજાર U.S. ડોલરથી વધારી 25 હજાર ડોલરનો એકસામટો વધારો અચાનક કરવામાં આવ્યો હતો.

ગત વર્ષ કરતા 15 થી 30 ટકાનો ફી વધારો વિદ્યાર્થીઓ પર ઝીંકાયો

સરકાર દ્વારા કરાયેલા ફી ઘટાડા બાદ GMERSની કોલેજોની ફી ની વાત કરીએ તો ગત વર્ષે જે 3.30 લાખ હતી તે 3.75 લાખ કરાઈ છે અને મેનેજમેન્ટ ક્વોટાની જે ફી 9.75 લાખ હતી તે 12 લાખ કરાઈ છે. આ વધારો પણ ઘણો વધારે હોવાની વાલીઓની વિદ્યાર્થીઓની રજૂઆત છે. ત્યારે મધ્યમ વર્ગીય કુટુંબોને તેમના સંતાનોને ડૉક્ટર બનાવવાનું સપનું રોળાતુ દેખાઈ રહ્યુ છે. સરકાર દ્વારા ફી ઘટાડા બાદ પણ 15થી 30 ટકાનો ફી વધારો યથાવત રખાયો છે, જેની સામ વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત છે.

સરકારની કથની અને કરણીમાં મોટો તફાવત

સૌથી મોટો સવાલ એ છે કે એકતરફ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી મેડિકલ કોલેજોની ફી પણ સરકારી મેડિકલ કોલેજ જેટલી કરવાના બણગા ફુંકવામાં આવે છે અને રાતોરાત તોતિંગ ફી વધારો જીંકી દેવામાં આવે છે. ત્યારે સરકારની કથની અને કરણીમાં મોટુ અંતર દેખાઈ રહ્યુ છે. ખુદ કેન્દ્ર સરકાર દ્વારા અંદાજિત બે વર્ષ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે ખાનગી મેડિકલ કોલેજની 50 ટકા સીટ પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી રાખવામાં આવશે ત્યારે કેન્દ્રની જાહેરાત કરતા એકાએક ઉલટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કોના ઈશારે કરવામાં આવ્યો તે પણ મોટો સવાલ છે?

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:09 pm, Thu, 18 July 24