ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવતા, વાસણા બેરેજમાંથી પણ 96,658 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. આ માટે બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. સંત સરોવરમાંથી 1.06 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી હોવાથી સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે, જેને કારણે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
જોકે, હાલની સ્થિતિમાં કોઈ ચિંતાજનક પરિસ્થિતિ ન હોવાનો દાવો સ્થાનિક કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. તેમ છતાં, સાવચેતીના ભાગ રૂપે અમદાવાદ જિલ્લાના 28 ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં ધોળકાના 7 ગામોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરના પાલડી, ગ્યાસપુર, અને એલિસબ્રિજ સહિતના નદી કાંઠાના વિસ્તારોમાં પણ લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
વહીવટી તંત્રએ પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે દરેક અધિકારીને હેડક્વાર્ટરમાં હાજર રહેવા સૂચના આપી છે. નદીની જળસપાટી પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય.
ધરોઈ ડેમ અને સંત સરોવર માંથી પાણી છોડવામાં આવતા, સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ ભારે ધસમસતો વહી રહ્યો છે. આને કારણે અમદાવાદના રિવરફ્રન્ટ પરની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક પગલાં ભર્યા છે.
નદીના પાણી રિવરફ્રન્ટના વોક-વે પર ફરી વળ્યા છે. ખાસ કરીને શાહીબાગ તરફનો વોક-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયુ છે. આને કારણે રિવરફ્રન્ટના વોક-વે પર લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વધતા પાણીના પ્રવાહ વચ્ચે કોઈ અકસ્માત ન થાય તે માટે પોલીસ દ્વારા સતત માઈક પર જાહેરાત કરીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. લોકોને પાણીની નજીક જવા, સેલ્ફી લેવા અથવા રિવરફ્રન્ટ પર ઊભા રહેવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે. આ દ્રશ્ય જોવા માટે સુભાષબ્રિજ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.
વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ સુભાષબ્રિજ ખાતે પહોંચ્યા હતા. હાલમાં, સુભાષબ્રિજ નીચે જળસપાટી 43.4 ફૂટ પર પહોંચી છે અને હજુ પણ તેમાં વધારો થવાની શક્યતા છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આ નવા પાણીના પ્રવાહ સાથે નદીમાં સરીસૃપ જીવો પણ તણાઈ આવ્યા હોવાનું જોવા મળ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી, અનેક જિલ્લામા ઓરેન્જ એલર્ટ જાહેર, વર્તમાન ચોમાસામાં 102 ટકા વરસ્યો મેહુલિયો
Published On - 5:23 pm, Sun, 7 September 25