Rain Video: શનિવાર સાંજે ખાબકેલા સાર્વત્રિક 5 ઈંચ વરસાદે અમદાવાદને ઘમરોળ્યુ, ઠેર ઠેર પાણી ભરાતા સર્જાયા ચક્કાજામના દૃશ્યો
Ahmedabad: અમદાવાદમાં શનિવારે સાંજના 5 વાગ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો. શહેરમાં સાર્વત્રિક 5 ઈંચથી વધુ વરસાદ થતા મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા અને પિક ટાઈમ હોવાથી ઓફિસથી ઘરે જનારા લોકોના હાલ બેહાલ થયા હતા. કલાકો સુધી ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા ત્યારે લોકોનો તંત્ર પર રોષ ભભુકી ઉઠ્યો હતો.
Ahmedabad: હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી મુજબ અમદાવાદ માં શનિવારે સાંજે 5 વાગ્યા બાદ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. મોડી રાત સુધી ચાલેલ વરસાદમાં અમદાવાદના મોટાભાગના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. એસજી હાઈવે, પંચવટી, ગોતા, એસપી રીંગ રોડ સહિતના અનેક રોડ પર વરસાદી પાણી ભરાવાને કારણે કલાકોનો ટ્રાફિકજામ સર્જાયો. પાણીના નિકાલ માટે વાસણા બેરેજના 15 દરવાજા તાત્કાલિક ખોલવામાં આવ્યા.
સેંકડો લોકો ટ્રાફિકમાં ફસાયા, તંત્ર પર ભભુક્યો લોકોનો રોષ
વરસાદે તેના ત્રીજા રાઉન્ડમાં સમગ્ર અમદાવાદને ઘમરોળતા ધમાકેદાર બેટિંગ કરી માત્ર ચાર કલાકમાં સરેરાશ બે થી અઢી ઇંચ જેટલો વરસાદ અમદાવાદ શહેરમાં વરચ્યો. સૌથી વધુ બોપલમાં 6.5 ઇંચ, સરસપુરમાં 6 ઇંચ, બોડકદેવ અને ચકોડીયામાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે મક્કતમપુરા, દુધેશ્વર, જોધપુર, કોતરપુર માં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. સાંજના પિક અવર્સમાં વરસાદ વરસતા ઑફિસથી ઘરે જઈ રહેલ તેમજ શનિવારની સાંજે ફરવા નિકળનાર લોકો વરસાદમાં ફસાયા હતા. એસજી હાઇવે પર કર્ણાવતી કલબ, ઇસ્કોન ચાર રસ્તા, પકવાનથી લઇ ઝાયડ્સ હોસ્પિટલ સુધીના રોડ પર કલાકોનો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જ્યારે અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા.
વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા
વરસાદ શરૂ થયો એ પહેલા સાબરમતી નદી પરના વાસણા બેરેજ નું જળસ્તર 133.25 ફૂટ હતું. ભારે વરસાદના કારણે શહેરમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરી ના રહ્યા હોવાથી ભારે વરસાદના લગભગ દોઢથી બે કલાક બાદ 15 દરવાજા ખોલી 33000 પાણીની જાવક શરૂ કરવામાં આવી હતી. મહત્વનું છે કે અગાઉ પણ આ મામલે વિવાદ થયો હતો કે ચોમાસામાં વાસણા બેરેજનું લેવલ 130 ફૂટ થી નીચે રાખવામાં આવે.
આ પણ વાંચો : Breaking News : અમદાવાદમાં ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા
સ્માર્ટ માત્ર નેતાઓના ઘર, રસ્તા કે ડ્રેનેજ લાઇન નહીં: નાગરિક
ભારે વરસાદને કારણે નાગરિકો ત્રણથી ચાર કલાક સુધી અટવાયેલા જોવા મળ્યા હતા. જેમને મેટ્રોસિટી અમદાવાદ વિશે પૂછતા જ ભડક્યા હતા. ચાણક્યપુરી વિસ્તારમાં ત્રણથી ચાર ફૂટ સુધીના પાણી ભરાયા હતા. જ્યાં એક રાહદારીએ કહ્યું કે શાસકો સ્માર્ટ સિટીના દાવા કરે છે પરંતુ સ્માર્ટ માત્ર એમના ઘરો થયા છે, શહેર નથી થયું. થોડા સમય પહેલા જ ચાણક્યપુરીમાં નવી ડ્રેનેજ લાઈન નખાઈ હતી, લાગે છે કદાચ એના રૂપિયા પાણીમાં વહી ગયા. તો પકવાન ચાર રસ્તા પાસે અટવાયેલા એક નાગરિકે જણાવ્યું કે વારંવાર ચૂંટવાને કારણે શાસકો આવા નિષ્ઠુર થઈ જાય છે. શહેરના સૌથી પોશ વિસ્તાર સિંધુ ભવન રોડની વરસાદમાં આ હાલત થતી હોય તો સ્માર્ટ સીટી મેટ્રો સિટીના દાવા કેવા એ તમે સમજી શકો છો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો