અમદાવાદમાં એસ્ટ્રલ પાઇપ્સ અને રત્નમણી મેટલ્સ પર આઇટીની તપાસ યથાવત, 500 કરોડના બિનહિસાબી આવકના પુરાવા મળ્યા

|

Nov 24, 2021 | 11:23 AM

અમદાવાદમાં અત્યાર સુધીના આ સૌથી મોટા આઇટી દરોડા માનવામાં આવી રહ્યા છે. જેમાં પ્રાથમિક તપાસમાં 500 કરોડની બિનહિસાબી આવકના પુરાવા મળ્યા છે.

અમદાવાદમાં (Ahmedabad) એસ્ટ્રલ પાઇપ્સ (Astral Pipes) અને રત્નમણી મેટલ્સના (Ratanmani Metals) 44 સ્થળે આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે.અમદાવાદમાં 20થી વધુ સ્થળોએ તપાસ યથાવત્ છે. જેની સાથે મુંબઈ અને દિલ્લી મળીને કુલ 44 સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે. આઈટી વિભાગની કાર્યવાહી હજુ 2-3 દિવસ ચાલે તેવી શક્યતા છે.

આ બંને કંપનીઓની વિવિધ શાખાઓમાં આવકવેરા વિભાગના 50થી વધુ અધિકારીઓ અને 100થી વધુ કર્મચારીઓની ટીમો ત્રાટકી છે. અમદાવાદમાં અત્યાર સુધીના આ સૌથી મોટા દરોડા માનવામાં આવી રહ્યા છે.. પ્રાથમિક તપાસમાં 500 કરોડની બિનહિસાબી આવકના પુરાવા મળ્યા છે.

જોકે તેનું ક્રોસ વેરિફિકેશન ચાલી રહ્યું છે. આ દરોડા દરમિયાન એક કરોડ રૂપિયા રોકડા પણ મળી આવ્યા છે.. અને 12 જેટલા શંકાસ્પદ બેન્ક લોકર સીલ કરવામાં આવ્યા છે. જેમાં રત્નમણિ મેટલ્સના સીએમડી પ્રકાશ સંઘવીની નારણપુરા સ્થિત રાજમુગુટ સોસાયટીમાં આવેલી રજિસ્ટર્ડ ઓફિસ ઉપરાંત સેટેલાઈટમાં આવેલી ઓફિસો, રહેઠાણો, છત્રાલ, કચ્છના ભીમાસરમાં આવેલી ફેક્ટરી, વાપી, સેલવાસા, મુંબઈ ખાતેની ઓફિસોમાં દરોડા પાડીને મોટી માત્રામાં કરચોરી અંગેના દસ્તાવેજો જપ્ત કરાયા છે..

એસ્ટ્રલ ગ્રૂપ દ્વારા કંપનીની પ્રોડક્ટના પ્રચાર અને માર્કેટીગ માટે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયો હતો. ત્યાર પછી રણવીર સિંહને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. બંને ફિલ્મ સ્ટાર્સને કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તેની તપાસ આઇટીના અધિકારીઓ ચલાવી રહ્યા છે. કંપનીએ આઇપીઓ બહાર પાડીને 35 કરોડની કમાણી કરી હતી. એટલુ જ નહીં બેન્કોમાંથી કેટલી લોન લેવાઇ છે તેની તપાસ પણ ચાલી રહી છે.

આ પણ વાંચો : ગોધરામાં કથિત ધર્માંતરણના આક્ષેપ સાથે સ્થાનિકોએ હોબાળો કર્યો, પોલીસે તપાસ હાથ ધરી

આ પણ વાંચો : ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાશે, વસૂલાશે આટલું ભાડું

Published On - 11:22 am, Wed, 24 November 21

Next Video