અમદાવાદ પોલીસથી પ્રજા પરેશાન છેઃ જેસીપીના રિયાલીટી ચેકે પોલ ખોલી
કાયદાના જાણકારો કહે છે કે, 2013ના લલીતાકુમારી વિરૂદ્ધ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશના સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન પ્રમાણે જ્યારે પણ કોગ્નીઝેબલ ઓફેન્સ હોય ત્યારે તાત્કાલીક ફરિયાદ નોંધી તપાસ કરવી.
પોલીસ કમિશનરના હૂકમના નામે સિનિયર અધિકારીઓને પણ નહીં ગાંઠવાના ટ્રેન્ડથી પીડિતોની પરેશાની વધી
અમદાવાદ
થોડા દિવસ પહેલાં જ અમદાવાદ (Ahmedabad) શહેરનાં સંયુક્ત પોલીસ (POLICE) કમિશનર ગૌતમ પરમારે (JCP Gautam Parmar) કાગડાપીઠ, અમરાઇવાડી અને દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અને ફરિયાદ નોંધવામાં આનાકાની કરનારા બે પોલીસ સ્ટેશનના ચાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી નાંખ્યા. ખુદ સંયુક્ત પોલીસ કમિશનરને થયેલા કડવા અનુભવ જેવી સ્થિતિ અમદાવાદની અપરાધનો ભોગ બનેલી પ્રજાને રોજેરોજ સહન કરવી પડતી હોવાની સ્થિતિ અમદાવાદમાં છે. પોલીસની “બર્કિંગ” થિયરી નવી નથી પરંતુ તેનો વ્યાપ હાલની સ્થિતિએ ચરમસીમાએ પહોંચ્યો છે. તેની પાછળ અનેક કારણ જવાબદાર છે. રિયાલીટી ચેક કરનારા સંયુક્ત પોલીસ કમિશનર હતા માટે તેમણે પોતાની સત્તાનો પાવર વાપરીને કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કર્યા પરંતુ સામાન્ય પ્રજા ગળે ડૂમો ઉતારી જાય તેમ પોતાના ભાગ્યને દોષ આપી મનોમન પોલીસને ભાંડીને થાકીહારી જાય છે. શહેરના સર્વોચ્ચ પોલીસ અધિકારી પાસે જઇને રજૂઆત પણ નથી કરી શકતા કારણ સાહેબ ફોન પણ નથી ઉપાડતા અને સીધા કોઇને મળતા જ નથી. તેમનો સ્ટાફ જ જેતે જગ્યાએ રજૂઆત કરવાનું કહી ફરિયાદીઓને રીતસરના હડસેલી મૂકે છે.
ઘટના-1.
વેજલપુર પોલીસ સ્ટેશનની. વિસ્તારની એક શાળામાં સ્કૂલના ટ્રસ્ટીએ મેનિજિંગ ટ્રસ્ટી બની સ્કૂલ પર સત્તા હાંસલ કરી લીધી. જૂના મેનેજિંગ ટ્રસ્ટીના દીકરાએ ચેરીટી કમિશનરમાં રજૂઆત કરતા તેમની તરફના ઓર્ડર પણ થયાં. આઈ.પી.સી પ્રમાણે ખોટા દસ્તાવેજ કે હોદ્દાવગર કાગળો પર સહીં કરીને અવેજ (એટલે કે ઉચાપત) મેળવ્યું હોય તો જ ગુનો બને. વેજલપુરના આ કિસ્સામાં ચેરીટી કમિશનરના ઓર્ડર બાદ પણ બેંકમાંથી નાણાં ઉપાડ્યાના પુરાવા ફરિયાદીએ પોલીસને મેળવી આપ્યાં છતાં પોલીસ ભેદી સંજોગોમાં જેની સામે આરોપ છે તેવા આરોપીને બચાવવા તપાસ ચોકીથી ડિસ્ટાફ સ્ક્વોડ વચ્ચે ફેરવી રહી છે અને ફરિયાદીને ફૂટબોલ બની ગયાની લાગણીનો અહેસાસ થઇ રહ્યો છે. સિનિયર અધિકારીઓના ધ્યાને આખી ઘટના હોવા છતાં ફરિયાદીને ન્યાય નહીં મળવા પાછળ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા પોતાના સિનિયરોને નહીં ગાંઠવાની નીતિ કારણભુત હોવાનું ખુદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચર્ચાઇ રહ્યું છે.
ઘટના-2.
વાસણા પોલીસ સ્ટેશનની. વિજય નામના એક શખ્સે પોતાને બિલ્ડર બતાવી કોર્પોરેશનનો પ્લોટ ઝુંપડામાં રહેતા 3 ડઝન લોકોને સસ્તાભાવે નોટરી દસ્તાવેજ પર વેચી નાંખ્યા. જીંદગીભરની કમાણીથી ખરીદેલા પ્લોટ પર જેવા ગરીબોએ મકાન બનાવ્યાં કે અમદાવાદ મ્યુનિ. કમિશનરે મકાન તોડી પાડ્યા. આ ઘટનામાં કેટલાક લોકોને બિલ્ડરે પૈસા પરત આપ્યાં પરંતુ ઘરેઘરે કામ કરવા જતા અને છુટક મજૂરી કરતા પાંચેક મહિલાઓને બિલ્ડર આજ-કાલ કરી રોજ પૈસા પરત આપવાનો વાયદો કરતો હતો. આ મહિલાઓએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા અરજી કરી તો ચોકીના પી.એસ.આઈ.એ પુરાવા મેળવવાનું કામ ફરિયાદી મહિલાઓને જ સોંપી દીધુ અને આદેશ કર્યો કે તે જાતે જ કોર્પોરેશન જાય અને પ્લોટના જરૂરી દસ્તાવેજ મેળવી આપે પછી કોઇ કાર્યવાહી થશે ! થાકીહારીને મહિલાઓ પોતાના નસીબને દોષ આપીને મન મનાવી લીધુ. બે મહિનાથી વધુ સમય થયો છતાં વાસણા પોલીસ કાર્યવાહીના નામે એક ડગલુ પણ આગળ વધી નથી. આ ગુનાહીત બેદરકારી હોવાનું કાયદાના જાણકારો કહી રહ્યાં છે.
ઘટના-3.
નરોડા પોલીસ સ્ટેશનની. થોડા દિવસ અગાઉ નરોડામાં રહેતા એક યુવકે આપઘાત કરી લીધો હતો. પરિવારે જ્યારે મૃતક દીકરાનો ફોન તપાસ્યો ત્યારે તેની ફિયાન્સીના કેટલાક કોલ રેકોર્ડ અને વોટ્સએપ ચેટ મળી હતી. આ પુરાવા આધારે પીડિત પરિવારે જ્યારે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવા નરોડા પોલીસનો સંપર્ક કર્યો ત્યારે પોલીસે તેમને ઘસીને ફરિયાદ આમ ના નોંધાય તેમ કહી કાઢી મુક્યા હતા. પખવાડિયા સુધી રઝળપાટ કર્યા પછી ડીસીપી ને રજૂઆત કરાઇ ત્યારે ડીસીપીના આદેશ બાદ ગુનો નોંધાયો હતો. શરૂઆતના પંદર દિવસ શોકમાં ડુબેલા પરિવારને નરોડા પોલીસે દાઝ્યા પર ડામ આપવા જેવી જ કામગીરી કરી હતી.
કાયદાના જાણકારો કહે છે કે, 2013ના લલીતાકુમારી વિરૂદ્ધ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશના સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન પ્રમાણે જ્યારે પણ કોગ્નીઝેબલ ઓફેન્સ હોય ત્યારે તાત્કાલીક ફરિયાદ નોંધી તપાસ કરવી. અથવા જેમાં કોગ્નીઝેબલ ગુનાના પુરાવા ન હોય તેની સાત દિવસની અંદર તપાસ કરી ગુનો બનતો હોય તો ફરિયાદ નોંધવી અથવા જે તે ફરિયાદીને જાણ કરવી. અમદાવાદ શહેરના કેટલાય પોલીસ સ્ટેશનમાં સુપ્રિમ કોર્ટની આ માર્ગદર્શીકાને પણ ઘોળીને પી જવાઇ છે.
અમદાવાદ શહેરના કેટલાય સિનિયર પોલીસ અધિકારીઓ અમદાવાદમાં સર્જાયેલી સ્થિતિ અંગે કહે છે કે, પોલીસ કમિશનરે એક આદેશ કર્યો છે કે, જે પણ ગુનામાં 25 લાખ રૂપિયા કે તેથી વધુની રોકડ કે સંપતિની વાત આવતી હોય તો અરજીની તપાસ માટે અને તપાસ પછી ગુનો નોંધવા માટે તેમની મંજૂરી મેળવવી. આ મંજૂરીના નામે કેટલાય કિસ્સામાં પીડિતોને ન્યાય નથી મળતો અથવા ન્યા મળવામાં મોડુ થાય છે. કેટલાક કિસ્સામાં તો આ ખેંચાયેલા સમયના કારણે પોલીસને તપાસ દરમિયન પુરાવા મેળવવા પણ મુશ્કેલ બન્યાની સ્થિતિ સર્જાઇ હોવાનું કહેવું છે. પોલીસ કમિશનર પાસે મંજૂરી માંગવી પડશે તેમ કહી અનેક ફરિયાદીઓને દિવસો સુધી રઝળાવવામાં આવી રહ્યાં છે અને ફરિયાદી થાકે ત્યારે પોલીસ પોતાની “ઇચ્છા”ઓને અંજામ આપી દે છે.
આ પણ વાંચો : Kheda જિલ્લામાં ત્રણ વર્ષમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત 1998 કામો પૂર્ણ : દેવુસિંહ ચૌહાણ
આ પણ વાંચો : સાબર ડેરીએ એક મહિનામાં બીજી વાર વધાર્યા દૂધના ખરીદ ભાવ, પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો