જમ્મુકાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકીઓએ પ્રવાસીઓ પર કરેલા હિચકારા હુમલામાં હવે એક બાદ એક વીડિયો ફુટેજ સામે આવી રહ્યા છે. જેમા પ્રત્યક્ષદર્શીઓ ચોંકાવનારા દાવા કરી રહ્યા છે. આવો જ એક વીડિયો અમદાવાદના ઋષિ ભટ્ટ જેઓ જમ્મુકાશ્મીર ફરવા ગયા હતા તેમના દ્વારા સામે આવ્યો છે. ઋષિ ભટ્ટ પહલગામ હુમલાના પ્રત્યક્ષદર્શી પ્રવાસીઓ પૈકીના એક છે અને ત્યાંથી હેમખેમ અમદાવાદ પરત ફર્યા છે. tv9 સમક્ષ તેમણે જણાવ્યુ કે જે દિવસે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો ત્યારે તેઓ ઝીપલાઈનની મજા માણી રહ્યા હતા અને સદ્દનસીબે તેઓ હુમલાનો ભોગ બનતા બચી ગયા છે.
ઋષિ ભટ્ટે તેમના ઝીપલાઈન રાઈડનો વીડિયોના માધ્યમથી દાવો કર્યો છે કે તેમને જે રાઈડ કરાવી રહ્યો હતો તેની ભૂમિકા પણ શંકાસ્પદ હતી. રાઈડવાળાએ મારા ફેમીલી પહેલા આગળ 8 લોકોને રાઈડ કરાવી હતી એ દરમિયાન એ એકપણવાર અલ્લાહુ અકબર બોલ્યો ન હતો. ન માત્ર એ 8 લોકો પરંતુ મારા વાઈફ અને મારા પુત્રએ પણ રાઈડ કરી હતી એ દરમિયાન પણ એ એવુ કંઈ જ બોલ્યો ન હતો. પરંતુ જેવી મારી રાઈડ શરૂ થઈ એ સમયે જ રાઈડવાળો ત્રણ વાર અલ્લાહુ અકબર બોલ્યો જે બાદ તુરંત જ ઉપર બાઈસરન વેલીમાં ફાયરિંગ શરૂ થઈ ગયુ. આ બધો ઘટનાક્રમ મારી રાઈડ દરમિયાન 10-15 સેકન્ડમાં જ ઘટી ગયો છે. જે મારા મોબાઈલના વીડિયોમાં પણ કેપ્ચર થયુ છે.
ઋષિ ભટ્ટે આશંકા વ્યક્ત કરી છે કે રાઈડવાળાનું અલ્લાહુ અકબર બોલવુ અને ઉપર બાઈસરન વેલીમાં ફાયરીંગ શરૂ થવાને કનેક્શન છે અને તેમને પુરેપુરી શંકા છે કે સ્થાનિક રાઈડવાળો આતંકવાદીઓ સાથે સંકળાયેલો હોઈ શકે છે. વધુમાં તેમણે એ પણ શંકા વ્યક્ત કરી કે રાઈડવાળાનો બીજો એક સાથી મિત્ર હતો જે આગળ પગથિયા પાસે બેઠો બેઠો ત્યાંની લોકલ ભાષામાં કશુંક વાંચી રહ્યો હતો. વધુમાં તેઓ જણાવે છે કે પહેલા તેમના પુત્ર અને ત્યારબાદ તેમની પત્નીએ ઝીપલાઈન રાઈડ કરી. તેઓ આ રાઈડ કરવામાં છેલ્લે હતા. આ દરમિયાન નીચે શું થઈ રહ્યુ છે એ ઘટનાક્રમ અંગે કોઈ જાણકારી ન હતી. પરંતુ જેવી રાઈડ પુરી થઈ અને તેઓ નીચે પહોંચ્યા તો તેમના પત્ની ચીસાચીસ કરી રહ્યા હતી. તેમની નજર સમક્ષ જ આતંકવાદીઓએ બે લોકોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સ્વાભાવિક છે નજર સમક્ષ આ દૃશ્ય જોઈને કોઈપણ વ્યક્તf ડરી જ જવાનું છે. જે બાદ અમે જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવા લાગ્યા હતા. જે બાદ જેમતેમ હિંમત એક્ઠી કરીને મેઈન ગેટ સુધી પહોંચ્યા હતા.
પ્રત્યક્ષદર્શી ઋષિ ભટ્ટના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ બપોરના દોઢ વાગ્યા આસપાસ ફાયરીંગ શરૂ કર્યુ હતુ જે 2 વાગ્યા સુધી ચાલ્યુ હતુ. જો કે તેઓ એવો પણ દાવો કરી રહ્યા છે કે તેમને ઈન્ડિયન આર્મીએ સારી સુરક્ષા પ્રદાન કરી હતી.
જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.
Published On - 9:07 pm, Mon, 28 April 25