Doctor’s Day: હાલના સમયની ખૂબજ વ્યસ્ત જીવનશૈલીમાં તણાવ એ મનુષ્ય જીવનના દરેક પાસામાં પ્રસરી ગયો છે. તે શાળાએ જતા બાળકોથી લઇને કામ કરતાં પ્રોફેશનલ્સ સુધીના દરેક વ્યક્તિઓને આ વાત પ્રભાવિત કરે છે. સફળતાની (Success) નિરંતર શોધમાં તથા સતત વધતાં દબાણ વચ્ચે ડોક્ટર્સ પોતે પણ સતત પ્રસરી રહેલી તણાવની જાળમાં ફસાઇ રહ્યાં છે.
ડોક્ટર્સમાં જીવનમાં તણાવના ઘણા કારણ છે. જેમાં તેમના વ્યવસાયની પ્રકૃતિ, હેલ્થકેર સેક્ટર પ્રત્યે સામાજિક અપેક્ષાઓમાં વધારો, બિમારીઓનો વધતો જતો બોજો, વ્યક્તિગત મહાત્વાકાંક્ષા, લાંબા સમય સુધી કામ કરવું તથા પોતાની કાળજી રાખવામાં ઉપેક્ષા જેવાં વિવિધ કારણોસર સતત વધી રહ્યો છે.
વધુમાં પ્રેક્ટિસના પ્રારંભિક વર્ષોમાં લાંબા સમય સુધી કામકાજના તીવ્ર ભારણને કારણે પણ તણાવ વધે છે. અમદાવાદ ખાતે ખાનગી હોસ્પીટલમાં કેથલેબ ડાયરેક્ટર અને સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. જયેશ પ્રજાપતિએ યુવા ડોક્ટર્સને અનુભવાતા તણાવ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, “જ્યાં સુધી યુવા ડોક્ટર્સ તેમનું સ્પેશિયલાઇઝેશન અને સુપર સ્પેશિયલાઇઝેશન પૂર્ણ કરીને પ્રેક્ટિસ શરૂ કરે ત્યાં સુધી તેઓ ત્રીસના દાયકામાં હોય છે. પ્રેક્ટિસના શરૂઆતી વર્ષોમાં લાંબા સમય સુધી કામ કરવું તથા પિઅર પ્રેશર જેવાં પરિબળોને કારણે તણાવમાં ઉમેરો થાય છે.”
કાર્ડિયોલોજીસ્ટ જેવાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ તેમના દ્વારા કરાતી ઉચ્ચ જોખમ અને સમય-સંવેદનશીલ સર્જરીની પ્રકૃતિને કારણે વધુ દબાણ હેઠળ કામ કરે છે. ડો. પ્રજાપતિ એક સમર્પિત અને સહાયક ટીમની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે. તેમણે સલાહ આપી હતી કે, “જવાબદારીઓની વહેંચણી અને સર્જરીમાં સામેલ મેડિકલ ટીમ સાથે પ્રભાવી કમ્યુનિકેશન આવી તણાવયુક્ત પરિસ્થિતિઓમાં તણાવ ઘટાડવા માટે મહત્વપૂર્ણ બની રહે છે.”
હેલ્થકેરની એક્સેસમાં વધારો, લોકોની આવકમાં વધારો તથા બિમારીઓના વધતાં બોજાને પરિણામે મેડિકલ સર્વિસિસની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના પરિણામે ડોક્ટર્સ ઉપર ભારણ વધી રહ્યું છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ ઇમર્જન્સીના વડા અને ટ્રોમા સર્જન ડો. સંજય શાહે કહ્યું હતું કે, “દર્દીની સારવાર કરતી વખતે હું ભૂલી જાઉં છું કે મારું માથું દુખે છે અથવા મારા પગમાં દુખાવો થાય છે. ઘણીવાર ડોક્ટર્સ તેમના આરોગ્યને અવગણે છે કારણ કે તેમનું એકમાત્ર ધ્યાન તેમના દર્દીઓની સુખાકારી પર હોય છે. તેનાથી તણાવના સ્તરમાં વધારો થઇ શકે છે.”
જટિલ સર્જરી વખતે અસરકારક સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેક્નીક મહત્વપૂર્ણ હોય છે. ડો. શાહે સૂચવ્યું હતું કે, “સંભવિત જોખમ અને પરિણામો વિશે દર્દીના પરિવારજનો સાથે વિસ્તૃત ચર્ચા મહત્વપૂર્ણ છે. તેનાથી ડોક્ટર્સને પોતાની લાગણીઓને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત સર્જરી પહેલાં, દરમિયાન અને સર્જરી પછીના તબક્કા દરમિયાન સર્જિકલ ટીમ સાથે સતત કમ્યુનિકેશન તણાવને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે. કાળજીપૂર્વક તૈયારી કરી હોવા છતાં ઘણીવાર પ્રક્રિયાનું પરિણામ અપેક્ષા મુજબ ન આવે. આથી આશાવાદી રહેવા માટે ડોક્ટર્સે આધ્યાત્મિક બાબતો વિકસાવવાની પણ જરૂર છે.”
તણાવને સંબોધિત કરીને તેને મેનેજ કરવું માત્ર ડોક્ટર્સની સુખાકારી માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે દર્દીને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત હેલ્થકેર ડિલિવર કરવા માટે પણ જરૂરી છે. તણાવને ઘટાડવા માટે મોટાભાગના ઓપરેશન થિયેટરમાં એક ડોક્ટર લાઉન્જ અથવા રિટ્રીટ હોય છે, જ્યાં ડોક્ટર આરામ કરી શકે છે. અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સિનિયર ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિટાલિસ્ટ ડો. મહર્ષી દેસાઇએ કહ્યું હતું કે, “આ જગ્યામાં ટીવી, મ્યુઝિક સિસ્ટમ, મેગેઝિન અને પુસ્તકો જેવી સુવિધાઓ હોય છે. કેટલાંક ડોક્ટર ધ્યાન પણ કરે છે. એક સામાન્ય વ્યક્તિ તેનાથી અપરિચિત હોઇ શકે, પરંતુ સર્જન માટે ઓપરેશન તેમના કામનો એક નિયમિત હિસ્સો છે અને તેઓ આત્મવિશ્વાસથી કામ કરે છે.”
આ પણ વાંચો : લીલા નારિયેળની મલાઈ ખાવાના છે અઢળક ફાયદા, પાચન તંત્ર અને હાર્ટને રાખશે સ્વસ્થ
ડો. દેસાઇએ ઉમેર્યું હતું કે, “કામ સિવાય શોખ હોવો ડોક્ટર્સ માટે મહત્વપૂર્ણ છે. ડોક્ટર્સ તેમના દર્દીઓ અને હોસ્પિટલની જવાબદારીઓમાં ખૂબજ વ્યસ્ત હોય છે અને ભાગ્યે જ તેમના શોખ માટે સમય ફાળવી શકે છે. તે પેઇન્ટિંગ, ડાન્સ શીખવો અથવા વાંચવું, કંઇપણ હોઇ શકે છે. ડોક્ટર્સ સહિતના દરેક વ્યક્તિ તણાવ દૂર કરવા થોડો સમય ફાળવે તે ખૂબજ જરૂરી છે.”
કેટલાક એક્સપર્ટનું કહેવું છે કે તણાવને અસરકારક રીતે મેનેજ કરવા માટે ડોક્ટર્સે પોતાની કાળજીને પ્રાથમિકતા આપવી જ જોઇએ. ડો. પ્રજાપતિએ વ્યસ્ત જીવનશૈલીમાંથી નિયમિત વિરામ લેવાની અને વર્ષમાં ઓછામાં ઓછી બે વખત વેકેશન ઉપર જવાની ભલામણ કરી છે. યોગ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું, શારીરિક રીતે ફિટ રહેવા માટે નિયમિતપણે કસરત કરવી અને સમયાંતરે ચેક-અપ કરવાથી પણ તણાવ દૂર કરવામાં મદદ મળી શકે છે. વધુમાં, ડોકટરોએ સ્વ-નિદાન કરવાને બદલે તબીબી નિષ્ણાતોની સલાહ લેવાની જરૂર છે.
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 6:38 pm, Fri, 30 June 23