Breaking News : આવો જ હાલ રહેશે! સામાન્ય વરસાદમાં અમદાવાદ પાણી-પાણી, પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ, જુઓ Video

અમદાવાદમાં ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ઓઢવ, નિકોલ, વસ્ત્રાપુર, સરખેજ અને સેટેલાઇટ જેવા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે.

Breaking News : આવો જ હાલ રહેશે! સામાન્ય વરસાદમાં અમદાવાદ પાણી-પાણી, પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ, જુઓ Video
| Edited By: | Updated on: Sep 20, 2026 | 6:30 PM

અમદાવાદ શહેર ફરી એકવાર ભારે વરસાદની ઝપેટમાં આવ્યું છે, જ્યાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. માત્ર એક કલાકના વરસાદમાં એક ઈંચથી વધુ પાણી પડતાં ઠાકોર હોલ, નવરંગપુરા, સરખેજ, અસારવા અને વાસણા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પૂર્વ અમદાવાદના ઓઢવ, નિકોલ અને વિરાટનગર સહિતના વિસ્તારોમાં વરસાદની જોરદાર અસર જોવા મળી હતી, જ્યાં કેટલાક માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

શહેરના પોશ ગણાતા વિસ્તારો જેવા કે ઇસ્કોન, સરખેજ અને સેટેલાઇટમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, પરંતુ સૌથી ચિંતાજનક દ્રશ્યો વસ્ત્રાપુરમાં જોવા મળ્યા. સામાન્ય વરસાદ બાદ પણ વસ્ત્રાપુર રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જે નીચાણવાળો વિસ્તાર ન હોવા છતાં આ સ્થિતિ સર્જાઈ હતી. આ દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વાહનચાલકોને પાણી ભરાવાના કારણે વાહનો બંધ થવાનો ભય રહેતા અનેક લોકોએ રોડનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું.

ઓઢવથી સોનીની ચાલી સુધીનો રસ્તો તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા જેમની તેમ છે. સ્થાનિકોના મતે, ડ્રેનેજ અને વરસાદી પાણીના ઢાંકણા ખોલવામાં આવે તેમ છતાં પાણીનો નિકાલ થતો નથી. આ સમસ્યા પાછળ રોડના યોગ્ય લેવલિંગનો અભાવ એક મુખ્ય કારણભૂત હોવાનું જણાઈ રહ્યું છે. આખરે એન્જિનિયરો દ્વારા કયા પ્રકારની કામગીરી કરાય છે અને તેનું યોગ્ય સુપરવિઝન શા માટે થતું નથી તેવા પ્રશ્નો ઉભા થયા છે. રસ્તાઓ બનાવતી વખતે તેના લેવલિંગ પર ધ્યાન ન આપવાને કારણે દર ચોમાસે વરસાદી પાણી ભરાવવાની સ્થિતિ વધુને વધુ કથળી રહી છે.

માત્ર પાંચથી પંદર મિનિટના ટૂંકા વરસાદમાં પણ અમદાવાદના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સ્થિતિ શહેરની ડ્રેનેજ અને વોટરલોગિંગ મેનેજમેન્ટ સિસ્ટમને વધુ મજબૂત કરવાની તાતી જરૂરિયાત દર્શાવે છે. સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની આ સમસ્યા પ્રી-મોન્સૂન પ્લાનની અસરકારકતા પર પણ પ્રશ્નાર્થ ઊભો કરે છે.

ગુજરાતમાં મેઘમહેર… 45 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોને રાહત – જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.