
અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ નજીક આવેલા ઝૂંપડાઓમાં લાગેલી ભીષણ આગે 20થી 25 ઝૂંપડાઓને ભરખી લીધા હતા, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. આ ઘટના અમદાવાદના વિશાલાથી શાસ્ત્રી બ્રિજ વચ્ચેના ફતેવાડી વિસ્તારમાં આવેલા ઝૂંપડાઓમાં બની હતી, જ્યાં કેનાલની આજુબાજુ 200થી વધુ ઝૂંપડાઓ આવેલા છે.
બપોરના સમયે આગ લાગી ત્યારે ઝૂંપડાઓમાં રહેતા મોટાભાગના શ્રમિકો મજૂરી કામ માટે બહાર ગયા હતા. જેના કારણે કોઈ પણ વ્યક્તિ આગની લપેટમાં આવી ન હતી અને મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર કર્મીઓ અને પોલીસના જવાનો દ્વારા ઝૂંપડામાં રહેલો કેટલોક સામાન બચાવવાનો પણ પ્રયાસ કરાયો હતો. આસપાસના લોકોએ પણ પોતાના પૂરતી મદદ કરી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર આવા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આગ સલામતીના મુદ્દાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. નોંધનીય છે કે, આ જ સ્થળે અગાઉ પણ બે વખત આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે. વારંવાર એક જ જગ્યાએ આગ લાગવાના બનાવો સ્થાનિક પ્રશાસન માટે પણ એક મોટો પડકાર છે. આ પાછળનું કારણ શું છે તે તપાસનો વિષય બન્યો છે.
આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદના મેયર પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે આગની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને રાહત કામગીરી અંગે માહિતી મેળવી હતી. મેયરે જણાવ્યું હતું કે મેટ્રો સ્ટેશનની બાજુમાં આવેલા આ ઝૂંપડાઓમાં રહેતા લોકો મજૂરી કામ કરતા હોવાથી તેઓ ઘટના સમયે હાજર ન હતા, જેથી જાનહાનિ ટળી છે. તેમણે અસરગ્રસ્તોને જરૂરી મદદ પૂરી પાડવા માટે આશ્વાસન આપ્યું હતું.
અમદાવાદ-ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીથી ખળભળાટ