ગુજરાતમાં વિદ્યાર્થીની હત્યા: અમદાવાદના રસ્તાઓ પર રેલી, શાળાઓ બંધ, ઉગ્ર વિરોધ પ્રદર્શન, જુઓ Video

ખોખરામાં નયન સંતાણીની હત્યા બાદ બીજા દિવસે પણ ઉગ્ર વિરોધ પ્રદર્શનો ચાલુ રહ્યા. યુથ કોંગ્રેસ અને NSUIએ સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી કરી, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે મણિનગરમાં ધંધા-વેપાર બંધ રાખ્યા.

ગુજરાતમાં વિદ્યાર્થીની હત્યા: અમદાવાદના રસ્તાઓ પર રેલી, શાળાઓ બંધ, ઉગ્ર વિરોધ પ્રદર્શન, જુઓ Video
| Edited By: | Updated on: Aug 21, 2025 | 7:44 PM

અમદાવાદના ખોખરા વિસ્તારમાં નયન સંતાણી હત્યાકાંડ બાદ ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યો છે. 20 ઓગસ્ટે થયેલા તોડફોડ અને હોબાળા બાદ આજે (21 ઓગસ્ટ) યૂથ કોંગ્રેસ અને NSUIએ સેવન્થ ડે સ્કૂલને તાળાબંધીની જાહેરાત કરી હતી. સાથે જ વિશ્વ હિન્દુ પરિષદે મણિનગર અને આસપાસના વિસ્તારોમાં ધંધા-વેપાર તેમજ શાળાઓ બંધ રાખીને આંદોલન કરવાનો નિર્ણય કર્યો હતો.

પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે સમગ્ર વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સ્કૂલની બહાર તથા 500 મીટર વિસ્તાર સુધી પોલીસ તૈનાત રાખવામાં આવી છે. સિંધી માર્કેટ સહિત નજીકના વિસ્તારોમાં મોટાભાગના વેપાર બંધ છે, જ્યારે મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં 200 જેટલી શાળાઓએ બંધને ટેકો આપ્યો હતો.

સાંજે 5 વાગ્યે મણિનગર રેલ્વે સ્ટેશનથી ઘટનાના વિરોધમાં રેલીનું આયોજન થયું. આ રેલી જયહિંદ ચાર રસ્તા, જવાહર ચોક અને કૃષ્ણબાગ ચાર રસ્તા થઈને મણિનગર ચાર રસ્તા પરથી પસાર થઈ મણિનગર રેલ્વે સ્ટેશન પર સમાપ્ત થઈ. “જસ્ટિસ ફોર નયન સંતાણી”ના બેનર સાથે લોકો ન્યાયની માંગણી કરી રહ્યા હતા. મહિલાઓ પણ રેલીમાં જોડાઈ હતી અને “સેવન્થ ડે સ્કૂલ બંધ કરો” તથા “વી વોન્ટ જસ્ટિસ” જેવા નારા લગાવવામાં આવ્યા. રેલી દરમિયાન આરોપીને ફાંસીની સજા આપવાની માગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર થયા.

આઇ ડિવિઝન એસીપી કૃણાલ દેસાઈના જણાવ્યા અનુસાર, સ્કૂલ બહાર વિરોધ કરી રહેલા અનેક લોકોને અટકાયત કરવામાં આવી છે. તોડફોડની ઘટનામાં 500 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જોકે હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:41 pm, Thu, 21 August 25