ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરનો હુંકાર, કહ્યું “કોંગ્રેસ ભાજપનો ભુક્કો બોલાવી દેશે”
JAGDISH THAKOR પાટણથી કોંગ્રેસ સાંસદ રહી ચૂક્યા છે અને ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજના નેતા માનવામાં આવે છે.
AHMEDABAD : મહિનાઓ સુધી મથામણ ચાલ્યા બાદ અંતે ગુજરાત કોંગ્રેસને નવા સુકાની મળી ગયા છે.ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની સત્તાવાર જાહેરાત કરવામા આવી છે.આ પદ માટે અનેક દાવેદાર હતા.દિલ્લીમાં પ્રદેશ પ્રમુખના નામ માટે ભારે મનોમંથન ચાલ્યુ હતું, જે બાદ જગદીશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે.તો અમદાવાદ એરપોર્ટ પર જગદીશ ઠાકોરનું આગમન થતાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જગદીશ ઠાકોરે કહ્યું કે, મારા પર વિશ્વાસ મુકી જવાબદારી સોંપી છે, પ્રદેશ નેતાઓ સાથે મળીને કામ કરીશું, સ્વાગત માટે કાર્યકર્તા અને કોંગ્રેસના નેતાઓનો આભાર.2022માં ગુજરાત કોંગ્રેસનો વિજય થશે.
કોંગ્રેસ ભાજપનો ભુક્કો બોલાવી દેશે તેમણે કહ્યું સમગ્ર ગુજરાતમાં પાયામાંથી રાજનીતિ શરૂ કરી હતી. વોર્ડ અને તાલુકાના કાર્યકરથી માંડી અને આટલા મોટા પદ પર આવ્યો છું. હું ગુજરાતની રાજનીતિની ધરતીને પણ ઓળખું છું. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની રણનીતિને પણ ઓળખું છું. અને 27 વર્ષના શાસનમાં કોંગ્રેસના કાર્યકરો સાથે કેટલી કિન્નાખોરી થઇ એ પણ ઓળખું છું. અને આ બધું જ જોઇને પૂરી તાકાતથી કોંગ્રેસને આગળ લઇ જઈશ. તેમણે કહ્યું ગુજરાતમાં કોંગ્રેસ તાકાતથી બદલવા નીકળવાની છે. તેમણે કહ્યું સીટોની વાત બાજુએ મુકો, કોંગ્રેસ ભાજપનો ભુક્કો બોલાવી દેશે.
રઘુ શર્માની પ્રતિક્રિયા બીજી તરફ જગદીશ ઠાકોરની પસંદગી મુદ્દે ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ કહ્યું, પાર્ટીમાં જ્ઞાતિ કે વિસ્તારના આધારે કોઈ નિર્ણયો લેવામાં નથી આવતા.જગદીશ ઠાકોરની પસંદગીને જ્ઞાતિગત સમીકરણોના આધારે ન જોવા જોઈએ.તો ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, વર્તમાન સમયમાં રાજ્યની ભાજપ સરકારની સ્થિતિ ખુબ ખરાબ છે અને 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભવ્ય જીત હાંસલ કરશે.
પાટણથી સાંસદ રહી ચુક્યા છે જગદીશ ઠાકોર મહત્વનું છે કે જગદીશ ઠાકોર પાટણથી કોંગ્રેસ સાંસદ રહી ચૂક્યા છે અને ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજના નેતા માનવામાં આવે છે.જગદીશ ઠાકોરને કમાન સોંપીને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જાતીય સમીકરણ ગોઠવવા માટે પ્રયાસ કરી રહી હોય તેવું રહ્યું છે…સુખરામ રાઠવા આદિવાસી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતો માટે સુખરામ રાઠવાને કમાન અપાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસ OBC અને આદિવાસી નેતાને સહારે આગામી ચૂંટણીરૂપી વૈતરણી તરવા માગે છે.