અમદાવાદમાં હવે CMનો મતવિસ્તાર પણ નથી સુરક્ષિત, ચાણક્યપુરીના શિવમ આર્કેડમાં ગુંડા તત્વોએ ખુલ્લી તલવારો સાથે મચાવ્યો આતંક- Video

|

Sep 30, 2024 | 5:20 PM

અમદાવાદમાં દિવસે દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય એ પ્રકારના બનાવો છાશવારે સામે આવી રહ્યા છે. હદ તો ત્યાં થાય છે કે CM અને ગૃહમંત્રી અમિત શાહ જે મતવિસ્તારમાંથી આવે છે એ ચાણક્યપુરી વિસ્તારમાં ગત મધરાત્રે અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો સાથે આતંક મચાવ્યો. આ ઘટના બાદ શિવમ આર્કેડ સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો છે.

ગુજરાતના સેફેસ્ટ સિટીમાં જેની ગણતરી થાય છે એ અમદાવાદ હવે ગુનાખોરીનું એપીસેન્ટર બની રહ્યુ છે. રાજ્યના સૌથી સલામત શહેરના દાવા કરાતા અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના દિવસે દિવસે લીરેલીરા ઉડી રહ્યા છે. અસામાજિક તત્વો બેખૌફ બની રહ્યા છે. પહેલા એવુ હતુ કે ગુનાહિત તત્વો શહેરના અમુક વિસ્તાર પુરતા સિમિત હતા પરંતુ સલામત વિસ્તારોમાં જેની ગણના થાય છે અને ખુદ CM અને ગૃહમંત્રી અમિત શાહનો જે મતવિસ્તાર છે એ ચાણક્યપુરી વિસ્તારમાં ગત મધરાત્રે અસામાજિક તત્વોએ આતંકનું તાંડવ ખેલ્યુ.

ચાણક્યપુરીમાં આવેલી શિવમ આર્કેડ સોસાયટીમાં મધરાત્રે 15 જેટલા ઈસમો હથિયારો અને ખુલ્લી તલવારો સાથે ધસી આવ્યા અને સોસાયટીના રહીશો પર ધાક જમાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાથી સોસાયટીના સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસના ઉચ્ચ ગજાના અધિકારી પણ આ જ સોસાયટીમાં રહે છે છતા ગુન્ડા તત્વોને તેમનો પણ કંઈ ડર ન હોય તેમ હથિયારો સાથે દોડી આવ્યા હતા. જે દર્શાવે છે કે અહીં કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે. ગુન્ડા તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. અચાનક આ પ્રકારે ઘટના બનતા સોસાયટીના રહીશો પણ સિટી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

ખુલ્લી તલવારો અને ઘાતક હથિયારો સાથે ગુંડા તત્વોએ આતંક મચાવ્યો

સમગ્ર ઘટનાની મળતી વિગતો અનુસાર ઘટના ચાણક્યપુરી વિસ્તારના શિવમ આર્કેડ એપાર્ટમેન્ટમાં બની. એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર B-205માં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની આશંકાએ સ્થાનિકોએ પૂછપરછ કરી. અને મામલો બિચક્યો. એ હદે કે ગણતરીની મિનિટોમાં મોટું ટોળુ ખુલ્લી તલવારો અને ધારદાર હથિયારો સાથે ફ્લેટ પર ધસી આવ્યું. પથ્થમારો કરાયો. તોડફોડ કરાઈ. અને તલવારોથી સ્થાનિકો પર હુમલાનો પ્રયાસ કરાયો. સમગ્ર ઘટનામાં બે સ્થાનિકોને ઈજા પહોંચી છે. જ્યારે ફ્લેટની સંપત્તિને મોટાપાયે નુકસાન થયું છે.

પોલીસની નાઈટ પેટ્રોલિંગની કામગીરી સામે ઉઠ્યા સવાલ

ચેરમેને નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને અને પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે. પણ આ સમગ્ર આતંકી કાંડ બાદ સ્થાનિકો ભયના ઓથાર હેઠળ છે. મુદ્દો એ છે કે અમદાવાદમાં આ બધું ચાલી શું રહ્યું છે ? અસામાજિક તત્વો તલવારો સાથે ખુલ્લેઆમ ઉત્પાત મચાવી રહ્યા છે અને નિર્દોષોને રંજાડી રહ્યા છે. ત્યારે પોલીસ શું કરી રહી છે અને પોલીસની નાઈટ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. હથિયારો સાથે એક ટોળુ ધસી આવે છે અને પોલીસને જાણે કુંભકર્ણની નીંદ્રામાં પોઢી રહી છે. ઘટનાના સામે આવેલા સીસીટીવી જ આ વાતની સાબિતી આપી રહ્યા છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે. લુખ્ખા તત્વોને જાણે કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી.

અત્યાર સુધીમાં 5 આરોપીની હથિયારો સાથે ધરપકડ, 11 સામે નોંધાઈ ફરિયાદ

આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં 5 લુખ્ખા તત્વોની તલવાર સાથે ધરપકડ કરવામાં આવી છે. હાલ આ ઘટનામાં કૂલ 11 લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમા રવિ ઠાકોર, અર્જુન ઠાકોર, પરાગ ઠાકોર, ઉત્સવ ઠાકોર અને મોન્ટુ ઠાકોરની ધરપકડ કરી લેવાઈ છે. તમામ 11 લોકો સામે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ, આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

ગુંડા તત્વોને પોલીસનો કેમ નથી રહ્યો ડર?

કોઈપણ જટીલ ગુનાઓની કડીઓ ઉકેલવામાં માહેર અમદાવાદ પોલીસ નહોર વિનાના વાઘ જેવી ક્યારથી થઈ ગઈ તે મોટો સવાલ છે. ચાણક્યપુરીની ઘટનામાં હદ તો ત્યાં થઈ કે ગુજરાત એટીએસના DySP ખુદ આ સોસાયટીમાં રહી છે અને એ જ સોસાયટીમાં લુખ્ખા તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરવાની હિંમત કરે છે. નિર્દોષ લોકોને રંઝાડે છે. ત્યારે શું અમદાવાદમાં હવે ગુંડા તત્વો સર્વેસર્વા બની ગયા છે અને પોલીસ પણ તેમનાથી ડરી રહી છે?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 4:02 pm, Mon, 30 September 24

Next Article