Monsoon in Gujarat : ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન? IMD અને અંબાલાલની નવી આગાહી, જુઓ Video

આ વર્ષે દેશમાં ચોમાસું વહેલું આવી શકે છે. IMD અનુસાર, દેશમાં સામાન્યથી ઓછો વરસાદ પડશે. મહત્વનું છે કે ચોમાસાની તારીખ જણાવતા એ પણ જણાવ્યું કે, મે મહિનામાં ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે

Monsoon in Gujarat : ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન? IMD અને અંબાલાલની નવી આગાહી, જુઓ Video
| Updated on: May 02, 2026 | 9:22 PM

ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગ (IMD) અને સ્થાનિક આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહીઓ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે દેશમાં ચોમાસાની શરૂઆત થોડી વહેલી થવાની શક્યતા છે, જે 14 મેના રોજ અંદમાન નિકોબાર ટાપુઓ પર સક્રિય થઈ શકે છે. ત્યારબાદ તે ધીમે ધીમે આગળ વધીને મેના અંત સુધીમાં અથવા જૂનના પ્રથમ સપ્તાહમાં કેરળમાં દસ્તક આપી શકે છે. જોકે, દેશભરમાં આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની સંભાવના છે, IMD એ 92% વરસાદની આગાહી કરી છે, જે સામાન્યથી ઓછો ગણાય છે.

ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ચોમાસાનું આગમન જૂન મહિનામાં થશે. 15 થી 22 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની પધરામણી થાય તેવી શક્યતાઓ છે, અને રાજ્યમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ છે. આ આગાહી હાલ ચાલી રહેલી ભીષણ ગરમીના પ્રકોપ વચ્ચે રાહત આપનારી છે.

રાજ્યમાં હાલ ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 48 કલાક સુધી ગરમી યથાવત રહેશે, પરંતુ ત્યારબાદના ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદ માટે આજનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગર માટે 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે.

આગાહીકાર અંબાલાલ પટેલે ગરમી વચ્ચે કેટલીક મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે. 5 થી 11 મે દરમિયાન રાજ્યોના અમુક ભાગોમાં આંધી-વંટોળ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, ખાસ કરીને ઉત્તરીય પર્વતીય ભાગો, ઉત્તર ભારત અને રાજસ્થાનના ઉત્તર તથા પૂર્વીય ભાગોમાં. પૂર્વીય ભારતમાં ભારે વરસાદની પણ સંભાવના છે.

આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં પણ 5 થી 8 મે અથવા તે પછી પૂર્વ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો હળવો વરસાદ જોવા મળી શકે છે, જે ગરમીથી અસ્થાયી રાહત આપી શકે છે. જોકે, 11 મે પછી ફરી ગરમીનું જોર વધવાની સંભાવના છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસને પાર જઈ શકે છે, જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને જૂનાગઢના ભાગોનો સમાવેશ થાય છે.

વધુમાં, 23 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે. 15 મે પછી સામુદ્રિક પેરામીટરો અનુકૂળ બનતા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચક્રવાતોની સંભાવના રહેશે. 17 મે બાદ અને જૂનની શરૂઆતમાં કે 20 જૂન સુધીમાં અરબી સમુદ્ર પણ સક્રિય થઈ શકે છે, જેના કારણે ચક્રવાતની શક્યતા રહેશે. આ ચક્રવાતી ગતિવિધિઓની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે.

સમગ્ર રીતે, મે અને જૂન મહિના ખૂબ જ આકરા સાબિત થઈ શકે છે, જોકે વચ્ચે વચ્ચે વાતાવરણ પલટાવાથી થોડી રાહત મળવાની પણ શક્યતાઓ છે. આ વર્ષે ગરમી તમામ જૂના રેકોર્ડ તોડે તેવી આગાહી કરવામાં આવી છે.

Gujarat New Liquor Policy: હવે, ગુજરાતમાં દારૂના નિયમોમાં થશે ફેરફાર

Follow Us