
ચોમાસાની ચાતક નજરે રાહ જોઈ રહેલા રાજ્યવાસીઓને હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હાલ ચોમાસાઓ કેરલમ બાદ મહારાષ્ટ્રમાં દસ્તક દીધી છે. જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસુ 15 જૂને પહોંચે તેવુ પ્રબળ અનુમાન સેવાઈ રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. સીનોપ્ટિક સિસ્ટમ, સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે, જ્યારે સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડવાની સંભાવના છે. જો કે, મધ્ય ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં હજુ પણ અસહ્ય ગરમી અને બફારાનું જોર યથાવત રહેશે.
હાલ રાજ્યવાસીઓ ભારે બફારા અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં 42 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો પહોંચ્યો છે. રાજ્યનું સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાઈ રહ્યુ છે. ત્યારે આ ગરમીમાંથી બહુ જલદી નિજાત મળે તેવી આશા સેવાઈ રહી છે. હાલ ચોમાસાએ રફ્તાર પકડી છે અને હવે ચોમાસુ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયુ છે. જેનો અર્થ એ થયો કે મુંબઈમાં વરસાદ આવે પછી એક સપ્તાહની અંદર જ ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ જતો હોય છે. ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે ટૂંક સમયમાં જ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થઈ શકે છે.
હાલ એકી સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જો કે ધોધમાર વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડી શકે છે. આગામી 24 કલાકમાં સુરત, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી 4-5 દિવસ મુખ્યત્વે સૂકું વાતાવરણ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી આખું અઠવાડિયું વરસાદી માહોલ યથાવત્ રહેશે. અગાઉના દિવસોમાં આપવામાં આવેલી 40-50 કિમીની ઝડપે ફૂંકાતા પવન અને વાવાઝોડાની ચેતવણી હવે હવામાન વિભાગ દ્વારા હટાવી લેવામાં આવી છે. જોકે, પ્રી-મોન્સૂન વરસાદી માહોલ હજુ પણ અમુક વિસ્તારોમાં જોવા મળશે.
8, 9 અને 10 જૂને દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં જ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.11-12 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટમાં વરસાદી ઝાપટાંની સંભાવના છે. 12-13 જૂને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. ત્યારે મહારાષ્ટ્ર બાદ હવે ચોમાસું ગુજરાતમાં જ દસ્તક આપશે.
Published On - 7:26 pm, Sun, 7 June 26