
ગુજરાત ATS દ્વારા છેલ્લા બે દિવસથી ભરૂચ જિલ્લાના દહેજ જોલવા ખાતે આવેલી જીઆઇડીસીની એક ફાર્મા કંપનીમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત એટીએસ ને માહિતી હતી કે ફાર્મા કંપનીમાં ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રવાહીનો ગેરકાયદેસર જથ્થો હોવાથી એટીએસ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સર્ચ દરમિયાન એટીએસની ટીમને 31 કરોડથી વધુની કિંમતનો 1410 લિટરનો ગેરકાયદેસર લિક્વિડ ટ્રામાડોલનો જથ્થો મળી આવ્યો હતો.
સમગ્ર મામલે ગુજરાત એટીએસ દ્વારા ફરિયાદ નોંધી ફાર્મા કંપનીના કેમિસ્ટ કમ ઓપરેટર પંકજ રાજપુત તેમજ નિખિલ કપુરીયાની ધરપકડ કરી છે.
ગુજરાત એટીએસ દ્વારા પકડેલા આરોપી પંકજ રાજપુતની પૂછપરછમાં સામે આવ્યું છે કે પ્રવાહીનો જથ્થો પંકજ રાજપુત અને નિખિલ કપુરીયા ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે ટ્રામાડોલ API માટે સંગ્રહ કર્યો હતો. નિખિલ અને પંકજ ટ્રામાડોલ API બનાવવા માટે જરૂરી રો મટીરીયલ અને કેમિકલ અમદાવાદના સરખેજમાં આવેલી શ્રીજી સાયન્ટિફિકના માલિક હર્ષદ કુકડીયાને પ્રોસેસિંગ માટે આપતા હતા.
પ્રોસેસિંગ થયા બાદ ટ્રામાડોલ API નિખિલ અને પંકજ દ્વારા હર્ષદ કુકડીયાને સરખેજ ખાતે મોકલી આપતા હતા. જોકે હર્ષદ કુકડીયાનું નામ સામે આવતા હર્ષદ કુકડીયાની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. હર્ષદની પૂછપરછમાં સામે આવ્યું કે હર્ષદ કેવલ ગોંડલીયા નામના વ્યક્તિના સંપર્કમાં હતો. હર્ષદ કુકડીયા ગેરકાયદેસર રીતે અંકલેશ્વર ખાતે પંકજ રાજપુત અને નિખિલ કપુરીયા પાસેથી API તૈયાર કરાવી કેવલ ગોંડલીયા ને સપ્લાય કરતો હતો.
અંકલેશ્વર થી અમદાવાદ સુધીની પ્રક્રિયામાં તૈયાર થતી ટ્રામાડોલ ટેબલેટનું ઉત્પાદન થી પેકેજીંગ સુધીની તમામ પ્રક્રિયા કેવલ ગોંડલીયા અને હર્ષિત પટેલ નામના વ્યક્તિના કહેવાથી કરવામાં આવતી હતી. કેવલ ગોંડલીયા અને હર્ષિત પટેલની સૂચનાથી છત્રાલ ખાતે આવેલી ડીનાકોર ફાર્મા પ્રાઇવેટ લિમિટેડના માલિક આનંદ પટેલ અને અંકિત પટેલ દ્વારા કરવામાં આવતી હતી. જે બાદ ટ્રામાડોલ ટેબલેટનો જથ્થો કેવલ ગોંડલીયા અને હરસિદ્ધ પટેલ દ્વારા આગળ આપવામાં આવતો હતો.
મહત્વનું છે કે એટીએસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ગત તારીખ 28 જુલાઈના દિવસે મુન્દ્રા બંદરે કસ્ટમ વિભાગ દ્વારા એક શંકાસ્પદ એક્સપોર્ટ કન્ટેનરને સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ગેરકાયદેસર રીતે પશ્ચિમ આફ્રિકી દેશો સીએરા લિયોન અને નાઈજર ખાતે એક્સપોર્ટ થનારી 110 કરોડની કિંમતની 68 લાખ ટ્રામાડોલ ટેબલેટનો જથ્થો મળી આવ્યો હતો. ટેબલેટનો જથ્થો આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીએ જ બનાવ્યું હોવાનું સામે આવ્યું છે.
હાલ તો ગુજરાત એટીએસ દ્વારા ફાર્મા કંપનીના કેમિસ્ટ પંકજ રાજપુત અને મારુતિ બાયોજનિક ના માલિક નિખિલ કપુરીયા ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે સમગ્ર કેસમાં ખંડોવાયેલા મુખ્ય આરોપી કેવલ ગોંડલીયા અને હરસિધ્ધ પટેલ તેમજ અન્ય આરોપીઓની શોધખોળ પેટીએસ દ્વારા કરવામાં આવી રહી છે.
Published On - 7:19 pm, Wed, 7 August 24