ગુજરાત (Gujarat)માં માર્ચ મહિનામાં જ આકરા ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. માર્ચ મહિનામાં પડેલી ગરમી (Heat)એ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ ગુજરાતમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે.
રાજ્યમાં રેકોર્ડબ્રેક ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 10 વર્ષમાં પહેલીવાર 15 માર્ચ પહેલા ગરમી 40 ડિગ્રીને પાર થઈ ગઈ છે. સોમવારે અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ડીસા, રાજકોટ સહિત 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો હતો. એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનથી પવનની દિશા બદલાવા સાથે ગરમ-સૂકા પવનની અસરથી અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે. આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં હિટવેવથી ગરમી વધુ 2 ડિગ્રી વધવાની વકી છે.
સોમવારે અમદાવાદમાં ગરમીનો પારો 4.6 ડિગ્રી વધીને 40.2 ડિગ્રીએ પહોંચતાં સિઝનનું સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 1.1 ડિગ્રી વધીને 20.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદમાં હીટવેવને કારણે ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે. ત્યાં બેથી ચાર ડીગ્રી સુધી તાપમાન વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે, જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે.
ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવાર પહેલા જ ગરમીએ માઝા મુકી છે. આકરો ઉનાળો રંગના રસિયાઓની હોળી બગાડી પણ શકે છે. બીજી તરફ ગરમીનું પ્રમાણ વધતા રાજ્યમાં ઝાડા-ઉલ્ટી સહિતની બીમારીના કેસ પણ વધવાની સંભાવના છે. ત્યારે હવામાન વિભાગે ગરમીની કરેલી આગાહીના પગલે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યુ છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-