રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસમાં બે ગૃપ છે, એક પક્ષ જનતા સાથે છે અને કોંગ્રેસની મૌલિક વિચારધારા પર અડગ છે, જ્યારે બીજું જૂથ જનતાથી દૂર છે અને તેમની રૂચિ ભાજપ તરફ વધુ છે. તેમણે જણાવ્યું કે, “જ્યા સુધી અમે આ બે જૂથોને અલગ નહીં કરી શકીએ, ત્યાં સુધી ગુજરાતની જનતા અમારી ઉપર વિશ્વાસ નહીં કરી શકે.” આ સાથે રાહુલે કોંગ્રેસના જ બાગીઓ પર પણ નિશાન સાધ્યુ. રાહુલે કહ્યુ કે કોંગ્રેસમાં જ કેટલાક લોકો એવા છે જે જનતાથી જોજનો દૂર છે અને કોંગ્રેસમાં રહીને ભાજપ સાથે મળેલા છે. જ્યા સુધી આપણે આ બંને જૂથોને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતની જતના આપણા પર વિશ્વાસ નહીં મુકે.
રાહુલ ગાંધીએ કાર્યકર સંવાદ કાર્યકરમાં જણાવ્યુ કે ગુજરાતમાં કોંગ્રેસે બે કામ કરવાના છે જેમા પહેલુ કામ જે બે ગૃપ બન્યા છે, તેને અલગ કરવાના છે. અમારે સખ્ત કાર્યવાહી કરવી પડશે. 10,15,20,30 લોકોને કાઢવા પડે તો કાઢી નાખવા જોઈએ, આ લોકો ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છે. હવે તમે બહાર જઈને એમના માટે કામ કરો, તમારુ ત્યાં પણ કોઈ સ્થાન નહીં બને. એ તમને બહાર ફેંકી દેશે. વધુમાં રાહુલે કહ્યુ જો અમારો કોઈપણ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, વોર્ડ પ્રમુખ કે સિનિયર નેતાના દિલમાં કોંગ્રેસ હોવી જોઈએ. હાર-જીતની વાત જવા દો, અમારા કોંગ્રેસના નેતાઓ જો હાથ કાપવામાં આવે તો તેમાંથી પણ કોંગ્રેસનું રક્ત નીકળવુ જોઈએ. આ પહેલુ કામ છે. બીજુ રાહુલે જણાવ્યુ કે સંગઠનનો કંટ્રોલ એવા વફાદાર લોકોના હાથમાં હોવો જોઈએ.
રાહુલે કહ્યુ જેવુ આ કામ કરશુ કે ગુજરાતની જનતા આપણા સંગઠનમાં આવવાની કોશિશ કરશે અને આપણે તેમના માટે દ્વાર ખોલવાના છે. રાહુલ ગાંધીએ એ સ્પષ્ટ કરી દીધું કે, ગુજરાતમાં જીતવા માટે માત્ર ચૂંટણી જીતવાનું જ નહીં, પણ લોકોની સાથે સાચો સંબંધ બાંધવો પડશે. કૉંગ્રેસે તેની જૂની ભૂલોથી શીખીને, એક નવું, મજબૂત સંગઠન બનાવવા પર ધ્યાન આપવું પડશે. આજ કોંગ્રેસ પાર્ટીની ખરી વિચારધારા છે. જે સરદાર પટેલ અને ગાંધીજીએ આપણને શીખવ્યુ છે. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસને આજે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં તેઓ કેવી રીતે આ તરફ આગળ વધે છે.
Published On - 6:39 pm, Sat, 8 March 25