દુનિયાભરમાં વિશ્વકપમાં ભારતની જીતની ચર્ચા પરંતુ વિધાનસભામાં હજુ પણ ટિકિટ ન મળ્યાની ચર્ચા

8 માર્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T-20 વિશ્વકપ ફાઈનલમાં INDIA અને NEWZEALAND વચ્ચે થયેલી મેચમાં ભારતે સતત બીજી વખત વિશ્વકપ જીતી ઇતિહાસ રચ્યો છે અને અનેક રેકોર્ડ તોડ્યા છે, અને આજ જીતની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે, દુનિયાભરના લોકો અમદાવાદમાં થયેલા આયોજનથી લઈને તમામ બાબતોને વખાણી રહ્યા છે. તેની વચ્ચે હાલ વિધાનસભા ગૃહ પણ ચાલી રહ્યું છે અને ધારાસભ્ય પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે.

દુનિયાભરમાં વિશ્વકપમાં ભારતની જીતની ચર્ચા પરંતુ વિધાનસભામાં હજુ પણ ટિકિટ ન મળ્યાની ચર્ચા
| Edited By: | Updated on: Mar 10, 2026 | 1:03 PM

સામાન્ય રીતે વિધાનસભામાં રાજ્યના નાગરિકોને નડતી સમસ્યાની ચર્ચા કરવાની હોય છે, પરંતુ છેલ્લા 2 દિવસથી વિધાનસભા ગૃહમાં ફાઈનલ મેચની ટિકિટ ન મળ્યાની ફરિયાદ ધારાસભ્યો કરી રહ્યા છે.ખુદ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આજ ફરિયાદ કરી રહ્યા છે. જાણીને નવાઈ લાગશે કે ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ કે જેઓ ધરમપુર બેઠકથી ચૂંટાઈને આવ્યા છે તેમને ગૃહમાં કહ્યું કે અમે તો ટિકિટ માટે જયરામ ગામીતને પણ ફોન કર્યા હતા પણ તેમની પાસે પણ ટિકિટ ઉપલબ્ધ ન હતી, મહત્વનું છે કે જયરામ ગામીત હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે અને રમત ગમત વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળી રહ્યા છે.

ધારાસભ્યોને પણ ક્રિકેટ મેચની વિશેષ ટિકિટ આપવા કોંગ્રેસની રજૂઆત

આ અગાઉ કોંગ્રેસના નેતા અને વિધાનસભાના સભ્ય શૈલેષ પરમારે પણ સોમવારે ગૃહમાં કહ્યું હતું કે ધારાસભ્યોને પણ વિશેષ ટિકિટો આપવી જોઈએ અને પરિવાર સાથે મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા થવી જોઈએ. બીજી તરફ કોંગ્રેસ નેતા અને ગીર સોમનાથ બેઠક પરથી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે તમામ ધારાસભ્યોને 2-2 ટિકિટો આપવી જોઈએ જેથી તેઓ જોઈ શકે કે ખેલાડીઓ કેવી રીતે અને કેવું રમે છે. વાત અહીં પૂર્ણ નથી થતી.

પ્રવક્તા મંત્રીએ આગામી મેચમાં ધારાસભ્યોને ટિકિટ આપવાનું આપ્યુ આશ્વાસન

મહત્વની વાત તો એ છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી પણ ગૃહમાં બોલવા ઊભા થાય છે અને આશ્વાસન આપે છે કે આગામી સમયમાં યોજાતી મેચની અને તેમાં પણ ખાસ ફાઈનલ હોય તો તમામ ધારાસભ્યોને ટિકિટ મળે તે માટે ક્રિકટ એસોસિએશનને યોગ્ય રજૂઆત કરવામાં આવશે.

મહત્વનું છે કે વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેમાં ધારાસભ્યો પાસે તક હોય છે કે તેઓ પોતાના મત વિસ્તારની જરૂરી માંગણીઓ કરી શકે છે અને સરકાર ઇચ્છે તો તેને પૂર્ણ પણ કરી શકે છે. પરંતુ ભાજપ હોય કે કોંગ્રેસ હાલ પોતે ફાઇનલની ટિકિટ ન મળ્યા નો અફસોસ કરી રહ્યા છે અને આગામી સમયમાં ટિકિટની વ્યવસ્થા થઈ જાય તેવી આશા રાખી રહ્યા છે.

બાંગ્લાદેશ બાદ હવે નેપાળમાં બનવા જઈ રહી છે ભારત વિરોધી-અમેરિકા સમર્થિત સરકાર…. શું ભારતનું વધશે ટેન્શન?

Published On - 12:32 pm, Tue, 10 March 26