અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. માથાભારે શખ્સોને પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ દાદાગીરીની એક બાદ એક ઘટના સામે આવી રહી છે. અંગત અદાવત રાખી માર મારવાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. વધુ એક આવી જ ઘટના ચાંદખેડા વિસ્તારમાં બની. જ્યા પાનના ગલ્લો રાખવા જેવી બાબતે ચાર માથાભારે લોકો મળીને યુવકને લાકડી સહિતના હથિયારો વડે માર માર્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અમુક લોકો એક યુવકને બેરહેમીથી માર મારી રહ્યા છે અને એ પણ જાહેર રસ્તા પર. આ વીડિયો ચાંદખેડા નાં મોટેરા આસપાસનો હોવાનું સામે આવતા ચાંદખેડા પોલીસે વીડિયો અંગે તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ફરિયાદ મુજબ ધંધાની અદાવતમાં ચાર જેટલા લોકોએ યુવકને લાકડી સહિતના હથિયારોથી માર માર્યો હતો. રાજુ રબારી, સંજય રબારી, હર્ષ રબારી અને અપ્પુ રબારીએ ભેગા મળીને એક વેપારી યુવકને જાહેરમાં માર મારતા તેઓની ધરપકડ કરાઈ છે. મંગળવારે 16 જુલાઈના રોજ સવારે 9:45 વાગે આસપાસ મોટેરા હાઇવે પર એક વેપારીને પાઇપ અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટના અંગે વેપારી ઈશ્વરલાલ ચૌધરીની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ ગુનામાં સામેલ એક આરોપીને ફરિયાદી ઈશ્વર ચૌધરીની બાજુમાં જ પાનનો ગલ્લો હતો. બંનેના પાનના ગલ્લો બાજુબાજુમાં ચાલતા હોય જેના કારણે રોજીંદી આવકમાં આરોપીને ઘટાડો થયો હતો અને જેના કારણે તેણે ઈશ્વર ચૌધરીને આરોપીએ પોતે ગલ્લા પર જે સામાન વેચે છે તે નહીં વેચીને અલગ અલગ સામાન વેચવાનું જણાવ્યું હતું, પરંતુ ઈશ્વર ચૌધરીએ પોતાના ગલ્લા પર તમામ સામાન વેચવાનું ચાલુ રાખતા આરોપીની આવકમાં ઘટાડો થતાં તેણે ઈશ્વર ચૌધરી પર હુમલો કર્યો હતો.
પાનનો ગલ્લો ચલાવવાની અદાવતમાં સમગ્ર બનાવ બન્યો હતો, પરંતુ આરોપીઓ દ્વારા જાહેરમાં જે રીતે માર મારવામાં આવ્યો અને જે રીતનો વીડિયો સામે આવ્યા તેની ગંભીરતાને લઈને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેઓની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. તેમજ ધંધાની અદાવતમાં જ આ હુમલો કરવામાં આવ્યો હતો કે અન્ય કોઈ કારણ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:51 pm, Thu, 18 July 24