અમદાવાદમાં 9 એપ્રિલે યુવક પર થયેલા સરાજાહેર ફાયરિંગની ઘટનાનો આખરે ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાંચે ફાયરિંગ કરનારા શાર્પશુટર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ ધોળા દિવસે ઘટનાને અંજામ આપ્યો હતો અને ફિલ્મી સ્ટાઈલમાં બાઈક પર આવી યુવક પર નિશાન તાકી બે રાઉન્ડ ફાયર કર્યા હતા. જો કે સદ્દનસીબે યુવકનો જીવ બચી ગયો છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યુ કે પૈસાની લેતી-દેતીમાં ફાયરીંગ કરવામાં આવ્યુ હતુ. આરોપીઓએ શાર્પશૂટરને સોપારી આપી હત્યાનું ષડયંત્ર ઘડ્યુ હતુ.
અમદાવાદના નરોડામા સુમિતનાથ સોસાયટી પાસે હર્ષિલ ત્રાંબડીયા નામના યુવક પર થયેલા 2 રાઉન્ડ ફાયરીંગ કેસનો ક્રાઈમબ્રાંચે ભેદ ઉકેલ્યો છે. પોલીસે શાર્પશૂટર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ઘટનાને અંજામ આપનાર નયન વ્યાસ, નિરવ વ્યાસ અને અર્જુન દેહદાની ધરપકડ કરી છે. પૈસાની લેતી દેતીમા આરોપીએ હર્ષિલ ત્રાંબડીયા પર ફાયરીંગ કર્યુ હતું. ઘટનાની વાત કરીએ તો નરોડામા હર્ષિલ ત્રાંબડીયા પોતાના મોટા ભાઈને ઓફીસ મુકવા ઘરેથી બાઈક પર નીકળ્યો હતો ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. આ ઘટના બાદ ક્રાઈમબ્રાંચે તપાસ શરૂ કરતા ફાયરિંગ કરાવનાર સાળા -બનેવી એવા નયન વ્યાસ અને નિરવ વ્યાસનુ નામ ખુલ્યુ હતુ. ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે સાળા -બનેવી અને શાર્પ શુટર અર્જુન દેહદાની ધરપકડ કરીને હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલી કાઢયો છે.
પોલીસ તપાસમા સામે આવ્યુ કે આરોપી નયન વ્યાસ મૂળ ખેડાનો રહેવાસી છે અને નરોડા ભાડે મકાનમા રહે છે. નયન અને હર્ષિલ એકબીજાના પરિચીતમા હતા. નયને થોડા દિવસ પહેલા હર્ષિલને વ્યાજે રૂપિયા આપ્યા હતા. આ રૂપિયાની ઉઘરાણી નયન કરી રહયો હતો ત્યારે હર્ષિલે પૈસા પરત આપવાની ના પાડીને અવાર નવાર તેની સાથે ઝઘડો કર્યો હતો. જેની અદાવત રાખીને નયને હર્ષિલનો કાંટો કાઢવાનુ નકકી કર્યુ હતુ અને હત્યાનું ષડયંત્ર રચી ઉત્તરપ્રદેશથી બે પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ ખરીદયા હતા. ત્યાર બાદ હત્યા કરવા અર્જુન દેહદાને રૂ 60 હજારની સૌપારી આપી હતી.
નયને પોતાના કૌટુંબિક સાળા નવિન સાથે મળીને હર્ષિલની રેકી પણ કરી હતી અને ઘટનાના દિવસે તક મળતા ધોળા દિવસે બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ, જો કે સદનસીબે હર્ષિલને હાથમા ગોળી વાગતા તેનો બચાવ થયો હતો. ફાયરીંગ કેસમા ક્રાઈમ બ્રાંચે શાર્પશુટર સહિત 3 આરોપીની ધરપકડ કરીને નરોડા પોલીસને સોપ્યા છે. પોલીસે ફાયરિંગના ઉપયોગમા લેવામા આવેલા હથિયાર જપ્ત કરીને આરોપીના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ શરૂ કરી છે.
Published On - 11:42 pm, Tue, 16 April 24