ફરી એકવાર દારૂબંધીની ડાહી-ડાહી સુફિયાણી વાતો વચ્ચે ચિક્કાર દારુ પીધેલ હાલતમાં અમદાવાદની એક ખાનગી સ્કૂલ બસના ડ્રાઈવરે 35 થી વધુ બાળકોના જીવ જોખમમાં મુક્યા. ઘાટલોડિયામાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ બસના નશામાં ધૂત ડ્રાઈવરે નશાની હાલતમાં બસ ચલાવતો હતો અને બે જગ્યાએ બસ અડાડી પણ દીધી. બસને રિવર્સ લેતી વખતે ડ્રાઈવરે અકસ્માત સજ્યો. સદ્દનસીબે આ ઘટનામાં બસમાં બેસેલા તમામ બાળકો સલામત છે. જો કે સૌથી મોટો સવાલ એ પણ છે કે આ નશેડી ડ્રાઈવરે કોઈ મોટો અકસ્માત સર્જ્યો હોત તો? બસમાં બેસેલા વિદ્યાર્થીઓની સલામતીનું શું ?
સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો આ નશેડી ડ્રાઈવરે ખુદ tv9 સમક્ષ કબુલ્યુ કે તેણે રાત્રે નશો કર્યો હતો અને એટલો પીધેલો હતો કે બપોરના સમયે પણ તેનો નશો ઉતર્યો ન હતો. આ અંગે તેમને પૂછતા તેમણે જણાવ્યુ કે તેમણે રાત્રે માતાજીની જાતર હોવાથી દેશી પીણુ પીધેલુ હતુ. જો કે મીડિયા સમક્ષ તે માફી માગતા પણ જોવા મળ્યો હતો અને બાળકોને સ્કૂલે ઉતાર્યા બાદ બસ રિવર્સમાં લેતી વખતે અકસ્માત સર્જયો હોવાનું કબૂલ્યુ છે. વધુમાં જણાવ્યુ કે અન્ય કોઈ ડ્રાઈવર હતા નહીં એટલે તેને આવવુ પડ્યુ હતુ, બાકી તે આવવા માગતો ન હતો.
અહીં સૌથી મોટો સવાલ એ છે કે સ્કૂલ બસમાં કોઈ કન્ડક્ટર કેમ ન હતો? બાળકોને સલામત રીતે બસમાં ચડાવવા અને ઉતારવા સહિતની જવાબદારી એક કન્ડક્ટરની હોય છે ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે બસમાં કોઈ કન્ડક્ટર ન હતો અને રિવર્સ લેતી વખતે નશામાં ધૂત ડ્રાઈવરે બે જગ્યાએ અકસ્માત સર્જી દીધો. અન્ય એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે ડ્રાઈવર નશામાં છે કે કેમ તે જોવાની જવાબદારી સ્કૂલ પ્રશાસનની હોય છે. અહીં તો સ્કૂલ પ્રશાસન પણ ઉંઘતુ ઝડપાયુ છે. સ્કૂલ પ્રશાસનને ખબર જ નથી કે ડ્રાઈવર નશામાં છે. સ્કૂલમાં બસ લેવા જાય છે ત્યાંથી બાળકોને લેવા જાય છે એ દરમિયાન ડ્રાઈવર કઈ હાલતમાં છે તે જોવાની જવાબદારી શાળાની હોય છે.
કોઈપણ વાલીઓ એક વિશ્વાસ સાથે તેમના બાળકોને બસમાં મોકલતા હોય છે કે તેમનુ બાળક સલામત રીતે શાળામાં પહોંચી જશે. પરંતુ અહીં નશામાં ધૂત ડ્રાઈવર અકસ્માત ન સર્જે ત્યાં સુધી સ્કૂલ પ્રશાસનને પણ કોઈ જાણ નથી હોતી, ત્યારે આ ઘટના એ તમામ વાલીઓ માટે પણ લાલબત્તી સમાન છે જેઓ તેમના બાળકોને સ્કૂલ બસમાં શાળામાં મોકલે છે. હાલ તો સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને એક મોટી દુર્ઘટના ટળી છે. જો કે સ્કૂલ પ્રશાસન તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં. શાળા દ્વારા ડ્રાઈવર અંગે જો અગાઉથી તપાસ કરવામાં આવી હોત તો આ ઘટનાને નિવારી શકાઈ હોત.
હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં આક્રોશનો માહોલ છે. જે સોસાયટીમાં આ ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો અને જેની ગાડીને નુકસાન પહોંચાડ્યુ તે મહિમ્ન ઠાકર પણ જણાવે છે કે ડ્રાઈવરને કશું ભાન જ નથી. ફુલ પીધેલ હાલતમાં છે. ત્યારે સ્થાનિકોનો આક્રોષ પણ એ જ બાબતને લઈને છે કે સોસાયટીમાં અનેક નાના બાળકો રમી રહ્યા હતા, એ દરમિયાન પણ મોટી દુર્ઘટના સર્જાઈ શક્તી હતી. જો કે હાલ તો આ ઘટના બાદ સ્કૂલ પ્રશાસન સામે બસ ડ્રાઈવર બાબતે આટલી હદે બેદરકારી દાખવવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી શું કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યુ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:38 pm, Wed, 2 April 25