અમદાવાદીઓ થઇ જજો સાવધાન, શહેરમાં કોરોનાના ડેલ્ટા અને કપ્પા બે વેરીએન્ટ ફરી રહ્યાં છે
અમદાવાદમાંથી ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવેલ સેમ્પલમાં ડેલ્ટા અને કપ્પા વેરીએન્ટ જોવા મળ્યો છે.
AHMEDABAD : અમદાવાદના નગરજનો માટે ચિંતાના સમાચાર સામે આવ્યાં છે. BJ મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે ખુલાસો કર્યો છે કે , શહેરમાં કોરોનાના ડેલ્ટા અને કપ્પા બે વેરીએન્ટ ફરી રહ્યાં છે. અમદાવાદમાંથી ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવેલ સેમ્પલમાં ડેલ્ટા અને કપ્પા વેરીએન્ટ જોવા મળ્યો
છે. પુણે ખાતે આવેલ પુણે ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી લેબમાં મોકલવામાં આવેલા સેમ્પલના પરિક્ષણમાં આ ખુલાસો થયો છે. ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના સેમ્પલ બાદ હવે ઓક્ટોમ્બર માસમાં લેવામાં આવેલા સેમ્પલના પરિણામની રાહ જોવામાં આવી રહી છે.
ગુજરાતમા અત્યાર સુઘીમાં 4 વેરીએન્ટ જોવા મળ્યા છે. અત્યાર સુધી મોકલામાં આવેલા સેમ્પલમાં આલ્ફા, ડેલ્ટા, ડેલ્ટા પ્લસ અને કપ્પા વેરીએન્ટ સામે આવ્યાં છે. આમાંથી કપ્પા વેરીએન્ટ અન્ય વેરીએન્ટની સરખામણીમા ઝડપથી ફેલાય છે. આ ઉપરાંત કપ્પા વેરીએન્ટ અન્ય તમામ વેરીએન્ટ કરતા સૌથી ઓછો ઘાતક હોવાનું અનુમાન પણ છે.
પુણે ખાતે આવેલ પુણે ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી લેબમાં મોકલવામાં આવેલા સેમ્પલના પરિક્ષણમાં એ વાત સામે આવી છે કે મે મહિના પછીના એક પણ સેમ્પલમાં કોરોના વાયરસનો આલ્ફા વેરીએન્ટ જોવા મળ્યો નથી. મહત્વનું છે કે વાયરસ ગમે ત્યારે પોતાનું સ્વરુપ બદલી શકે છે માટે સાવચેતી રાખવી જરૂરી છે. અમદાવાદમાં જે રીતે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે, એ જોતા દિવાળી બાદનો એક મહિનો ખૂબ મહત્વનો છે.
આ પણ વાંચો : ભાવનગરની 4 વર્ષની બાળકીની અદ્ભુત યાદશક્તિ, કોમ્પ્યુટર કરતા પણ તેજ ચાલે છે સાક્ષીનું મગજ
આ પણ વાંચો : 18 દિવસની બાળકીને માતાએ નદીમાં ફેંકી હત્યા કરી, પોલીસ અને પતિ સમક્ષ અપહરણનું નાટક રચ્યું