
દિલ્લીના લાલ કિલ્લા નજીક સાંજે ભયાનક કાર બ્લાસ્ટની ઘટના બની છે. સાંજે આશરે 6:55 વાગ્યે ફોર્ટ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1ના પાર્કિંગ વિસ્તારમાં ઊભેલી ઈકો કારમાં અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેની ઝપેટમાં અન્ય અનેક કારો પણ આવી ગઈ અને તાત્કાલિક આગ લાગી ગઈ.
પ્રારંભિક માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે, જ્યારે 24 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ લોકોને તાત્કાલિક એલએનજેએપી (LNJP) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી.
વિસ્ફોટ બાદ આખો વિસ્તાર પોલીસના કબજામાં લઈ લેવાયો છે. દિલ્લી પોલીસે વિસ્તારને સીલ કરી તપાસ શરૂ કરી છે. એનઆઈએ (NIA) અને એનએસજી (NSG)ની ટીમો પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને બ્લાસ્ટના કારણો અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કારમાં વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી.
આ ઘટનાના પગલે દિલ્લીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. મેટ્રો સ્ટેશનો, માર્કેટ, બસ સ્ટેશન અને અન્ય જાહેર સ્થળોએ સુરક્ષા કડક કરવામાં આવી છે. પોલીસે શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓ પર નજર રાખી તપાસ શરૂ કરી છે.
બ્લાસ્ટ બાદ ગુજરાત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. ગૃહવિભાગ દ્વારા રાજ્યભરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં સુરક્ષાને ધ્યાને રાખીને કડક પગલા લેવામાં આવી રહ્યા છે. તમામ શહેર પોલીસને પેટ્રોલિંગ વધારવા, ભીડવાળા વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા અને વાહનોનું સઘન ચેકિંગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
સુરત પોલીસ પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર દ્વારા શહેરમાં પેટ્રોલિંગ વધારવા અને દરેક શંકાસ્પદ હિલચાલ પર ચાંપતી નજર રાખવા આદેશ આપ્યા છે. શહેરના તમામ મુખ્ય વિસ્તારોમાં CCTV કેમેરાનું સતત મોનીટરીંગ શરૂ કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને માર્કેટ વિસ્તાર જેવા સંવેદનશીલ સ્થળોએ વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ પોલીસ ટીમોને સતર્કતાથી કામ કરવા અને કોઈ પણ અણધારી પરિસ્થિતિને રોકવા જરૂરી પગલાં લેવા આદેશ આપ્યા છે. હાલ ગુજરાતના દરેક જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને રાજ્યભરમાં ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ ઘટના બાદ રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે, જ્યારે તપાસ એજન્સીઓ બ્લાસ્ટના મૂળ કારણ સુધી પહોંચવા પ્રયત્નશીલ છે.