અમદાવાદની ઉદ્દગમ સ્કૂલે પોતાના જ કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે શરૂ કરાવ્યા ખાનગી ટ્યુશન ક્લાસિસ, વાલીઓને ફી માં બેવડો માર પડવાની ચિંતા – VIDEO

એકતરફ જયાં સરકાર ટ્યુશન પ્રથા બંધ થાય અને વિદ્યાર્થીઓ શાળામાં ધ્યાન આપતા થાય એવા પ્રયત્નો કરી રહયા છે તો બીજી તરફ અમદાવાદની કેટલીક શાળાઓએ CBSE ના નિયમોને નેવે મૂકી શાળાઓમાં જ ટ્યુશન શરૂ કરી દીધા છે. જેનાથી વાલીઓની ચિંતા વધી છે.

| Edited By: | Updated on: Apr 18, 2025 | 2:47 PM

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ ઉદગમ સ્કૂલના સંચાલકોએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી કોચિંગની સુવિધા મળે તે માટે શાળામાં જ કોચિંગ ક્લાસ શરૂ કર્યા છે. એક તરફ જ્યાં CBSE ગુજરાત સહિત દેશભરમાં ડમી શાળાઓ પર કાર્યવાહી કરી રહી છે. જે પૈકી કેટલીક શાળાઓની માન્યતા રદ કરી દેવામાં આવી છે અને બીજી તરફ ઉદગમ સ્કૂલના સંચાલકો પોતાની શાળામાં જ ખાનગી કોચિંગ ક્લાસીસના દુષણને આમંત્રણ આપી રહ્યા છે. ઉદગમ સ્કૂલના સંચાલકો સામે ચાલીને ખાનગી કોચિંગ ક્લાસ ના વેપલાને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યાં છે.

શાળા સંચાલકોએ કર્યો લુલો બચાવ

ઉદગમ શાળા સંચાલકો નું કહેવું છે કે વિદ્યાર્થીઓ શાળામાં રહે અને શાળામાં જ તેમના વિષયનું વધારે નું ભણતર મળે તે હેતુથી ખાનગી કોચિંગ ક્લાસ સાથે મળીને MOU કરવામાં આવ્યા છે. શાળામાં વિદ્યાર્થીઓ છ કલાક જેટલો અભ્યાસ કરે અને બાદમાં ટ્યુશન થકી વધુ અભ્યાસ કરી શકશે. શાળામાં 11 અને 12માં 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે પૈકી અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ ટ્યુશનમાં જોડાયા છે. શાળા દ્વારા એવો પણ લુલો બચાવ કરાયો છે કે છેલ્લા કેટલાક સમયથી ડમી સ્કૂલનું પ્રમાણ વધ્યુ છે, ત્યારે વિદ્યાર્થીઓ એવી ડમી સ્કૂલની પસંદગી ન કરે અને તેમની સંસ્થામાં જ રહીને અભ્યાસ કરે તે માટે શાળાના સમય બાદ બપોરના સમયમાં ટ્યુશન ક્લાસિસ શરૂ કરવામાં આવ્યા છે. જો કે શાળા દ્વારા એવો પણ બચાવ કરાયો છે કે તેઓ ટ્યુશન ફી નથી લઈ રહ્યા પરંતુ પ્રાપ્ત વિગતો અનુસાર કીસ્ટોન સંસ્થા દ્વારા પ્રોફેશનલ ક્લાસિસ ચલાવવામાં આવે છે અને તેમનુ જ એક સેન્ટર ઉદ્દગમ ના કેમ્પસમાં શરૂ કરવામા આવ્યુ છે. એમના પ્રોફેશનલ્સ દ્વારા વિદ્યાર્થીઓની JEE અને સહિતની પરીક્ષાઓ માટે કોચિંગ પુરુ પાડી રહ્યા છે.

વાલીઓની ચિંતા એ પણ છે કે  પહેલેથી જ વિદ્યાર્થીઓ પરસ્પરની સ્પર્ધાને લઈને થોડા તણાવમાં રહેતા હોય છે ત્યારે  આજકાલ 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ પર JEE અને NEET જેવી પરીક્ષાઓ માટે પૂરતી તૈયારી કરવાનું દબાણ હોય છે. આવામાં સ્કૂલમાં ભણવું અને પછી એમના કેમ્પસમાં જ વધુ કલાકો સુધી ટ્યુશન કરવુ, જે વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય પર પણ અસર કરી શકે છે.

સરકારે શું પગલા લેશે?

એકતરફ શાળા ખુદ તગડી ફી વસુલી રહી છે અને વિદ્યાર્થીઓએ હવે ટ્યુશન માટે પણ મસમોટી ફી ચુકવવી પડશે. રાજ્ય સરકાર દ્વારા વારંવાર ટ્યુશન કલ્ચર સામે કડક વલણ દાખવવામાં આવ્યું છે. જો કે હજુ સુધી ઉદગમ સ્કૂલના આ પગલાં સામે કોઇ ઔપચારિક કાર્યવાહી થઈ નથી. ત્યારે સવાલ એ છે કે શું સરકાર તેમા હસ્તક્ષેપ કરશે?

આ મુદ્દો ન માત્ર એક શાળાનો છે પરંતુ  સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની દિશા અને નૈતિકતાનો છે. જો શાળાઓ પોતાની વ્યવસાયિક વ્યૂહરચનાના ભાગરૂપે ‘અકેડેમિક સેવા’ ના નામે બેવડી આવક ઊપજાવતી થઈ જાય, તો ત્યાં વિદ્યાર્થીઓ અને વાલીઓને બેવડો માર પડે તેમા કોઈ બેમત નથી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:28 pm, Fri, 18 April 25