અમદાવાદની (Ahmedabad) ઓળખ બની ગયેલી મેટ્રો ટ્રેન (Metro train) અમદાવાદમાં અનેક વિસ્તારોમાં દોડતી થઈ ગઈ છે. 30 તારીખથી શહેરના મેટ્રો રેલ પ્રોજેકટનો વધુ એક ફેઝ શરૂ થઈ ગયો છે. મેટ્રોની સુવિધા અમદાવાદીઓ માટે આર્શીવાદરૂપ બની રહેશે. કારણકે આ સેવા સસ્તી પણ છે અને ઝડપી, પણ ઉડીને આંખે વળગે તેવી એક ભૂલ એ છે કે મેટ્રોના 32 સ્ટેશનમાં મોટાભાગના સ્ટેશન પાસે પાર્કિંગની (parking) સુવિધા નથી. જેને કારણે મેટ્રોમાં નોકરી-ધંધે જતા મુસાફરોને પોતાના ખાનગી વાહનો પાર્ક કરવામાં તકલીફ પડી રહી છે. મેટ્રોમાં જતા પહેલા વાહન ક્યાં પાર્ક કરવા તેને લઈને મુસાફરોમાં મૂંઝવણમાં છે. જેથી મુસાફરોએ મેટ્રો સ્ટેશન(metro station) પાસે પાર્કિંગ સુવિધા ઉભી કરવા માગ કરી છે.
નોકરિયાત વર્ગને પાર્કિંગના અભાવે સૌથી વધુ હાલાકી પડી રહી છે. આ સમસ્યા સામે આવ્યા બાદ કેટલાક મેટ્રો સ્ટેશન પાસે મેટ્રો વિભાગ AMC સાથે સંકલન કરી પાર્કિંગ ઉભા કરી રહ્યું છે. તો કેટલાક સ્થળે પે એન્ડ પાર્કિંગ સુવિધામાં પાર્કિંગ ઉભું કરાયાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.. જો કે પે એન્ડ પાર્કિંગમાં મુસાફરે પાર્કિંગનો ચાર્જ ચૂકવવો પડશે.
આ તરફ મેટ્રોમાં પાર્કિગની સુવિધા નહીં હોવાનો મુદ્દો મહાનગરપાલિકાની માસિક સામાન્ય સભામાં પણ ગુંજ્યો હતો.. આ મુદ્દે વિરોધપક્ષ અને શાસકપક્ષ આમને સામને આવી ગયા હતા. એક તરફ વિરોધપક્ષનું કહેવું છે કે કરોડોના ખર્ચ પછી પણ મેટ્રો ટ્રેનનો કોઈ જ અર્થ રહેતો નથી. જ્યારે બીજી તરફ શાસકપક્ષનું કહેવું છે કે પાર્કિંગની વ્યવસ્થા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.આગામી સમયમાં જ્યારે ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થશે કે તરત જ પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવાનો દાવો શાસકપક્ષે કર્યો છે.
(વીથ ઈનપૂટ- દર્શન રાવલ, અમદાવાદ)