AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અદાણી દ્વારા CNG ભાવ વધારાથી રિક્ષાચાલકો મુશ્કેલીમાં, સરકારને રજૂઆત, જુઓ Video

અમદાવાદમાં અદાણી દ્વારા CNGના ભાવમાં થયેલા ₹4.45ના વધારાથી રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. નવો ભાવ ₹98.47 પ્રતિ કિલોએ પહોંચ્યો છે, જે એક વર્ષમાં લગભગ ₹17નો વધારો દર્શાવે છે.

Breaking News : અદાણી દ્વારા CNG ભાવ વધારાથી રિક્ષાચાલકો મુશ્કેલીમાં, સરકારને રજૂઆત, જુઓ Video
| Updated on: Oct 23, 2026 | 11:55 AM
Share

અમદાવાદમાં અદાણી દ્વારા CNGના ભાવમાં કરવામાં આવેલા તીવ્ર વધારાને પગલે રિક્ષાચાલકો અને અન્ય CNG વાહનચાલકોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોંઘવારીનો આ વધુ એક માર રિક્ષાચાલકો માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યો છે. અદાણી દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો કરવામાં આવતા હવે નવો ભાવ ₹98.47 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.

આ ભાવ વધારો એક જ દિવસમાં થયો છે, અને ગત ઓગસ્ટ મહિનામાં પણ CNGના ભાવમાં ₹4નો વધારો કરાયો હતો. આમ, છેલ્લા એક વર્ષમાં CNGના ભાવમાં પ્રતિ કિલો આશરે ₹17નો જંગી વધારો નોંધાયો છે, જે વાહનચાલકોના બજેટ પર સીધી અને ગંભીર અસર કરી રહ્યો છે.

આ ભાવ વધારાના વિરોધમાં અમદાવાદના મેમનગર વિસ્તારમાં રિક્ષાચાલકોએ એકઠા થઈને પ્રદર્શન કર્યું હતું. રિક્ષાચાલકોનું સ્પષ્ટપણે કહેવું છે કે CNG મોંઘું થવાથી તેમની રોજિંદી કમાણીમાં મોટો ઘટાડો થશે, અને પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બનશે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે પહેલાં જ્યાં ₹400માં CNGની ટેન્ક પૂરી ભરાઈ જતી હતી, ત્યાં હવે ₹450નો ખર્ચ થાય છે.

આ વધારાના ₹50 પણ તેમની ઓછી આવકને ધ્યાનમાં લેતા ખૂબ મોટી રકમ છે. ઘણા રિક્ષાચાલકોએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે આ ભાવ વધારાને કારણે દિવાળી જેવા મોટા તહેવારમાં બાળકો માટે મીઠાઈ કે ફટાકડા જેવી જરૂરી વસ્તુઓ ખરીદવી પણ શક્ય નહીં બને.

આ સંજોગોમાં રિક્ષાચાલકોએ તેમની માંગણીઓ રજૂ કરી છે. મુખ્ય માંગ એ છે કે CNGનો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, અથવા તો રિક્ષાચાલકો અને ટેક્સીચાલકો માટે સબસિડીની વ્યવસ્થા કરવામાં આવે. રિક્ષાચાલક વિજયભાઈએ જણાવ્યું કે “ચારે બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, દરેક ચીજવસ્તુના ભાવ વધી ગયા છે.” તેમણે એ પણ ઉમેર્યું હતું કે એક તરફ ઓનલાઈન એગ્રીગેટર કંપનીઓ 50%થી પણ વધુ કમિશન લઈને શોષણ કરી રહી છે, અને બીજી તરફ સફેદ નંબર પ્લેટવાળા ટુ-વ્હીલર ટેક્સી તરીકે કાર્યરત હોવાથી પણ તેમની કમાણી પર નકારાત્મક અસર પડી રહી છે. આ તમામ પરિસ્થિતિઓમાં CNGનો ભાવ વધારો એ પડ્યા પર પાટુ સમાન છે.

રિક્ષાચાલક યુનિયનોએ આ મામલે ગંભીરતા દાખવી છે અને અદાણીની ઓફિસમાં રજૂઆત કરવાની તથા સરકાર સમક્ષ પણ આ મુદ્દે નિરાકરણ લાવવા વિનંતી કરવાની યોજના બનાવી છે. રિક્ષાચાલકોએ એમ પણ સૂચવ્યું કે અમદાવાદમાં ગુજરાત ગેસ રિફાઇનરીને પ્રવેશ આપવાથી અદાણીના એકાધિકારને પડકાર મળી શકે છે અને ભાવ નિયંત્રિત થઈ શકે છે. જો તાત્કાલિક કોઈ ઉકેલ નહીં આવે તો તેમની મુશ્કેલીઓ વધુ વકરશે અને આવનારા દિવસોમાં રિક્ષાચાલકોનો આક્રોશ વધુ ઉગ્ર બની શકે છે.

અલનીનોની અસરથી ભારતમાં ડિસેમ્બરમાં હવામાન પલટાશે, ગરમીની આશંકા, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">