
તાજેતરમાં જાહેર થયેલા CMA ઇન્ટરમીડીયેટ અને ફાઇનલના પરિણામોમાં અમદાવાદના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદ ચેપ્ટરે ફરી એકવાર પોતાની શૈક્ષણિક ક્ષમતાનો પરચો આપ્યો છે, જ્યાં CMA ફાઇનલનું પરિણામ ઓલ ઇન્ડિયા સરેરાશ કરતાં ઘણું ઊંચું નોંધાયું છે.
CMA ફાઇનલમાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 44.39% નોંધાયું છે, જે સમગ્ર ભારતના 38.02% પરિણામ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. ઇન્ટરમીડીયેટમાં પણ અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 32.38% રહ્યું છે, જ્યારે ઓલ ઇન્ડિયા પરિણામ 27.63% છે. આ આંકડા અમદાવાદના વિદ્યાર્થીઓની સખત મહેનત, સમર્પણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું પ્રતિબિંબ છે.
આ સફળતામાં અનેક વિદ્યાર્થીઓએ વ્યક્તિગત સ્તરે પણ રાષ્ટ્રીય કક્ષાએ ઉચ્ચ ક્રમાંક મેળવીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. રિક્ષાચાલકની દીકરી શેફાલી પંચાલે 547 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયામાં 48મો રેન્ક મેળવી સૌને પ્રેરણા પૂરી પાડી છે. શેફાલીનું માનવું છે કે, “નિયમિત અભ્યાસ અને સાતત્ય જ સફળતાની સૌથી મોટી ચાવી છે.” તે વધુમાં જણાવે છે કે, પહેલા દિવસથી લેક્ચર્સને અંત સુધી લિંક કરીને અને સમજીને ચાલવું જોઈએ. જ્યાં સુધી કોન્સેપ્ટ ક્લિયર ન થાય, ત્યાં સુધી મહેનત કરતા રહેવું જોઈએ. તે કહે છે કે, “તમે જે શીખ્યા છો તે બીજાને શીખવાડી ના શકો ત્યાં સુધી એક ચીજ ઉપર કામ કરતા રહેવું જોઈએ.” શેફાલીના મતે, 8 કે 10 કલાક ભણવાના શેડ્યુલ બનાવવા કરતાં, જ્યાં સુધી મગજમાં વિષય ન ઉતરે ત્યાં સુધી ભણવું અને તેની સાથે અન્ય ગમતી પ્રવૃત્તિઓ પણ કરવી મહત્વપૂર્ણ છે.
ગુજરાત રાજ્યમાંથી રાજ ધામેલીયાએ પણ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેણે 540 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયામાં 41મો રેન્ક મેળવી રાજ્યનું નામ રોશન કર્યું છે. અમદાવાદના આદિત્ય ખૈરનારની સફળતા પણ પ્રેરણાદાયી છે. તેણે 563 માર્ક્સ સાથે ઇન્ટરમીડીયેટમાં ઓલ ઇન્ડિયા 31મો રેન્ક મેળવ્યો છે. આદિત્ય, જે હાલમાં આર્ટીકલશીપ કરી રહ્યો છે અને B.Com ના ત્રીજા વર્ષમાં છે, તેનું માનવું છે કે “રોજે રોજનો અભ્યાસ કરી લેશો તો વધુ પડતું દબાણ નહીં આવે.” તેની તૈયારીમાં મુખ્ય ધ્યાન કન્સિસ્ટન્સી અને એક્યુરેસી પર હતું, નહીં કે 10-12 કલાક ભણવા પર. તે ભારપૂર્વક કહે છે કે તમે જેટલું ભણો છો, તે એક્યુરેટલી ભણવું વધુ જરૂરી છે.
આ વિદ્યાર્થીઓની સફળતા હજારો અન્ય મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ માટે નવી પ્રેરણા બની છે. તેમની વાર્તાઓ દર્શાવે છે કે સખત મહેનત, સાતત્ય, નિયમિત અભ્યાસ અને યોગ્ય વ્યૂહરચના દ્વારા કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. આ સફળતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની સંયુક્ત મહેનતનું પરિણામ છે, જેણે અમદાવાદને શૈક્ષણિક ક્ષેત્રે એક અગ્રણી કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું છે.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી