20 ફેબ્રુઆરીએ CBSE બોર્ડ ધોરણ-10માં ગુજરાતી ભાષાનું પેપર હતું. 80 માર્કસના પ્રશ્નપત્રમાં 22 માર્ક્સના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછાયા હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જે પ્રશ્નો પૂછાયા છે તે પૈકી 22 માર્ક્સના પ્રશ્નો અભ્યાસક્રમમાં જ નથી. CBSEમાં ગુજરાતી વિષયના નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, પાઠ 2, 3 અને 5 માંથી સવાલ પૂછવામાં આવ્યા હતા.
આ ઉપરાંત એક કવિતા પણ પૂછવામાં આવી હતી. રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ પણ કોર્સની બહારનું પૂછવામાં આવ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. બહારના પ્રશ્નો પૂછવામાં આવતા પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. જે બાબતે શાળાઓએ CBSEમાં રિપોર્ટ પણ કર્યો છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી CBSE શાળાના ગુજરાતી વિષયના શિક્ષક રાજકર્તારસિંહ સૈની એ જણાવ્યું કે શરણાઈના સૂર, પ્રયાગ અને શ્વેતક્રાંતિના પ્રણેતા વિષય બહારના ટોપિક છે. આ સિવાય વિકલ્પમાંથી જવાબ આપવાના પ્રશ્નમાં વિકલ્પ જ આપવામાં આવ્યા ન હતા.
તેમણે આગળ કહ્યું કે, વિષય બહારના આ પ્રશ્નોના કારણે વિદ્યાર્થીઓને પરિણામમાં નુકસાન થઈ શકે છે. માટે આ બાબતે CBSE બોર્ડે કોઈ યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આ સંદર્ભેમાં શાળાઓ CBSEમાં રજુઆત કરશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.
Published On - 12:54 pm, Wed, 21 February 24