અમદાવાદ અને ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતર કે ઘર બહાર બાંધેલા પશુઓ અથવા તો ગામમાં રખડતા પશુઓની સ્કોર્પિયો ગાડીમાં લઈ જઈ કતલ કરવામાં આવતી હતી અથવા તો વહેંચવામાં આવતી હતી. આ સમગર કૌભાંડ બહાર આવતા પોલીસ એક્શનમાં આવી હતી.
અમદાવાદ જિલ્લામાં છેલ્લા પાંચ છ મહિનાથી પશુ ચોરીના અનેક કિસ્સાઓ તેમજ ફરિયાદો પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ખાસ ટીમ બનાવી પશુચોરી કરતી ગેંગને પકડી પાડવા કાર્યરત થઈ હતી. જે દરમિયાન અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમને માહિતી મળતા પોલીસે પશુ ચોરી કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પશુચોરી કરતી ગેંગના મુખ્ય આરોપીઓમાં ધોળકાના સરફરાઝ ઉર્ફે શકુ અને એજાજ ઉર્ફે ગટુ તેમજ સુરેન્દ્રનગરના મોસીન ફકીરની ધરપકડ કરી છે. પોલીસે પશુચોરી કરતી ગેંગના ત્રણેય સભ્યોની પૂછપરછ કરતા સામે આવ્યું કે અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પરથી 35 થી 40 જેટલા પશુઓની ચોરી કરી છે.
ખાસ કરીને અમદાવાદ ગ્રામ્ય અને ખેડાના કઠલાલ, મહેમદાવાદ, કણભા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ અને ખાસ કરીને ભેંસોની ચોરી કરવામાં આવતી હતી. આ ગેંગ દ્વારા રાત્રીના સમયે ઘર કે ખેતરમાં બાંધેલી અથવા તો રખડતી ભેંસો તેમજ અન્ય પશુઓને દોરડેથી છોડાવી તેની ચોરી કરવામાં આવતી હતી.
પશુઓને સ્કોર્પિયો કારમાં ભરીને કતલખાને લઈ જવામાં આવતી હતી. જોકે ગાડીની ખૂબ જ સાકડી જગ્યામાં પશુને ભરવામાં આવતા તેને ઇજાઓ પણ થતી હતી. જે બાદ આ પશુને બાબુડી ચોક ખાતેના વાડામાં લઈ જઈ તેનું કતલ કરવામાં આવતી હોવાની માહિતી મળી હતી.
તો અમુક ભેસોને અન્ય એક આરોપી દ્વારા જીવતી વેચી દેવામાં આવતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ગેંગના અન્ય એક આરોપી દ્વારા અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા તેના મિત્રને જીવતી ભેંસોને ઓછી કિંમતમાં વહેંચી દેવામાં આવતી હતી.
હાલ તો પોલીસે અલગ અલગ પશુ ચોરીના 11 ગુનાઓનો ભેદ ઉકલ્યો છે, તો પોલીસને શંકા છે કે હજુ પણ વધુ પશુઓની ચોરી આ ગેંગ દ્વારા કરવામાં આવી હોઈ શકે છે. આ ઉપરાંત પોલીસ દ્વારા છ જેટલા જીવતા પશુઓને પણ બચાવી તેનો કબજો લીધો છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી એઝાઝ ઉર્ફે ગટુ અગાઉ પણ પ્રાણી કૃરતા અધિનિયમ એકટ હેઠળના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
અમદાવાદ ગ્રામ એલસીબી દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરી આરોપી દ્વારા અન્ય કોઈ જગ્યા ઉપરથી પશુચોરી કરી છે કે કેમ અથવા તો આ ગેંગમાં વધુ કોઈ સભ્ય સામેલ છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે અને સહારોની શોધ કોડ હાથ ધરી છે.