અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા BMW ના શોરૂમની બહાર ટ્રેલર ગાડીમાં ચેન્નઈના તમિલનાડુથી BMW કંપનીની નવી કાર ડિલવરી થઈ હતી. જોકે વહેલી સવારે શોરૂમ બંધ હોવાથી ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનર શોરૂમ ની બાજુમાં ટ્રેલર પાર્ક કરી અને આરામ કરતા હતા. જે દરમિયાન એક યુવક ત્યાં આવી પોતાને શોરૂમના કર્મચારી તરીકેની ઓળખ આપી હતી અને ટ્રેલરમાં પડેલી ત્રણ ગાડીઓ નીચે ઉતરાવી હતી. જે બાદ તેમાંથી BMW કારની ચાવી માંગી કારને શોરૂમ પર મુકવા જવાનું કહી કાર ચોરી કરી ફરાર થઈ ગયો હતો. થોડા સમય સુધી યુવક ફરીથી નહીં આવતા ડ્રાઇવર દ્વારા શોરૂમમાં તપાસ કરાતા આવો કોઈ કર્મચારી મોકલ્યો નહીં હોવાની જાણ થઈ હતી. જે બાદ સમગ્ર મામલે ટ્રેલરના ડ્રાઈવરે સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે.
ફરિયાદના આધારે સરખેજ પોલીસે તપાસ કરતા અને સીસીટીવી જોતા આ યુવક BMW કાર લઈને અમદાવાદથી સાણંદ તરફ જઈ રહ્યો હતો અને રસ્તામાં એક પેટ્રોલ પંપ પર ઈંધણ પુરાવા ઉભો રહ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે સાણંદ થી કચ્છ તરફ જતા રસ્તા ઉપર BMW કારની પાછળ જઈને અલગ અલગ ટોલટેક્સ તેમજ રસ્તા ઉપર લાગેલા સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં BMW કાર હળવદ મોરબી તરફ પસાર થઈ રહી હતી. જોકે ત્યારબાદ BMW કાર અણીયારી ટોલટેક્સ પરથી પસાર થતી ન હતી. જેથી હળવદથી અણિયારી નેશનલ હાઈવેના નાના રસ્તાઓ પર સ્થાનિકોની મદદથી પોલીસે કાર કચ્છના નાના રણ તરફ જતી હોવાની માહિતી મેળવી હતી. કારની માહિતી મેળવતા પોલીસે રાત્રી દરમિયાન આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કારની શોધખોળ હાથ ધરી હતી અને સવારે હાઈવે પર તપાસ કરતા આ કાર સામખીયાળી ટોલટેક્સ તરફ જતી હોવાની માહિતી મળતા ત્યાં નાકાબંધી કરવામાં આવી હતી અને કાર ટોલટેક્સ પર પહોંચતા કારચાલકની ધરપકડ કરવામાં આવી હતી.
કાર ચોરી કરનાર યુવકની પોલીસે પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે તેનું નામ ગૌરાંગ ગોસ્વામી છે અને તે 23 વર્ષનો છે. જોકે ગૌરાંગ મૂળ મોરબી જિલ્લાના રસનાલગામમાં રહે છે. આરોપી ગૌરાંગે બીબીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને અગાઉ તે ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી પણ કરતો હતો, પરંતુ ગૌરાંગ સ્વતંત્ર વ્યવસાય કરવા માગતો હતો જે બાબતે પરિવાર તરફથી તેને સહયોગ નહીં મળતા તે પોતાના વ્યવસાય કરવા માટે તેમની પાસે રૂપિયાની વ્યવસ્થા નહીં હોવાથી તે ઘરેથી નીકળી ગયો હતો અને ચાલીને તેમજ અલગ અલગ વાહનોમાં લિફ્ટ મેળવીને તે અમદાવાદ સુધી પહોંચ્યો હતો અને અહીં ફરતા ફરતા તે એસજી હાઇવે મકરબા ખાતે આવેલા BMW કારના શોરૂમ પાસે પહોંચ્યો હતો. અહી કાર ડીલેવરી કરવા આવેલા ટ્રેલરના ડ્રાઇવરને શોરૂમના કર્મચારી તરીકેની ઓળખાણ આપી વિશ્વાસમાં લઈ અને BMW કાર મેળવી નાસી ગયો હતો. કાર ચોર ગૌરાંગ ગુજરાત છોડી અને અન્ય રાજ્યમાં જવાનો હતો અને ત્યાં પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કરવાનો હતો. જોકે ગૌરાંગ ગુજરાત બહાર નીકળે તે પહેલા જ સરખેજ પોલીસે તેની ધરપકડ કરી અને મોંઘીદાટ BMW કારની રિકવરી કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો