તંત્રએ બાવળાવાસીઓને મરવાના વાંકે ભગવાન ભરોસે છોડી દીધા, જુઓ બાવળાની દુર્દશાનો ચિત્તાર અને સાંભળો લોકોનો ચિત્કાર

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં પાંચ દિવસ પહેલા પડેલા ધોધમાર વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. જો કે નઘરોળ, નઠારા તંત્રના પાપે આ પાણી વરસાદ અટક્યાના પાંચ દિવસ બાદ આજે પણ ઓસર્યા નથી અને બાવળાવાસીઓને મરવાના વાંકે છોડી દેવાયા છે. મદદનો હાથ તો છોડો તંત્રમાંથી કોઈ પૂછવા ય ફરક્યા ન હતા.

| Edited By: | Updated on: Jul 31, 2025 | 10:05 PM

આ આર્ટિકલ વાંચવાની શરૂઆત કરો એ પહેલા અહીં એટેચ કરેલા વીડિયોને બરાબર ધ્યાનથી જોઈ લો. આ દૃશ્યો છે મોડલ સ્ટેટ ગણાતા ગુજરાતના અમદાવાદ શહેરના બાવળા તાલુકાના. બરાબર અમદાવાદને અડીને 30-35 કિમીને અંતરે આવેલા બાવળા તાલુકામાં આજથી પાંચ દિવસ પહેલા પ્રમાણમાં થોડો સારો કહી શકાય એવો ધોધમાર વરસાદ વરસ્યો. એ વરસાદમાં બાવળા શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાયા, ત્યાં સુધી કે અનેક સોસાયટીઓમાં અને લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા. લોકોની તમામ ઘરવખરીને નુકસાન પહોંચ્યુ. અનાજમાં પાણી ઘૂસી ગયુ. ઓઢવાના પાથરવાના તમામ પાગરણ પલળી ગયા. લોકોના ઘરોમાં પાણી ભરેલા છે અને લોકો તરસે મરી રહ્યા છે કારણ કે તેમની પાસે પીવાનું કોઈ પાણી જ નથી. ઘરોમાં ગંદા પૂરના પાણીનો ભરાવો થયો છે અને બદ્દથી બદ્દતર સ્થિતિમાં લોકોને મરવાના વાંકે તંત્ર દ્વારા એમ જ છોડી દેવાયા.

પુરુષોએ પણ રડતા રડતા જણાવી વ્યથા

લોકો પૂરના પાણીમાં સડી રહ્યા છે. જદ્દોજહત કરી રહ્યા છે. લોહી-પાણી એક કરીને પાણી ઉલેચી રહ્યા છે પરંતુ તંત્રનો એક માણસ આ લોકોની ખબરઅંતર પૂછવા માટે ફરક્યો નહીં ના તો તેમને કોઈ જ મદદ પહોંચાડવામાં આવી. બાવળાવાસીઓ સતત બે દિવસ સુધી આ રીતે સડતા રહ્યા, તે બાદ તંત્રને ભાન થયુ અને લોકો પાસે અધિકારીઓ પહોંચ્યા તો પ્રભાવિત લોકોએ રીતસરનો તેમનો ઉધડો લઈ નાખ્યો. સહનશક્તિની ત્યાં સુધી ચરમસીમા આવી ગઈ કે પુરુષોની આંખોમાં પણ આંસુ હતા. આ આંસુ હતા, હાલાકીના, લાચારીના કંઈ ન કરી શકવાના વસવસાના પરંતુ તંત્રને તેની કંઈ જ પડી નથી.

પરેશાનીનો આલમ એ છે કે પાંચ-પાંચ દિવસ બાદ પણ આજે બાવળામાંથી પાણી ઓસર્યા નથી. હજુ એમ જ પાણી ભરાયેલા છે. બાવળામાં તંત્રએ એવી રીતે ગટરોની સિસ્ટમ ફિટ કરી છે કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. પાણીનો નિકાલ થઈ જ નથી રહ્યો. જરા વિચારો કોઈ મિનિસ્ટર મુલાકાત લેવાના હોય તો કલાકોની અંદર એસી ડોમ ઉભો કરી દેતા અધિકારીઓ બાવળાવાસીઓના પાણીના નિકાલનો તોડ નથી શોધી શક્તા ના તો તેમની નિયત છે. જળમગ્ન બનેલા બાવળામાં અવરજવર કરવા માટે લોકોને ટ્રેકટરનો એકમાત્ર સહારો છે. સમગ્ર બાવળા શહેર ટાપુમાં તબ્દીલ થઈ ગયુ છે.

લોકોને પીવાના પાણી માટે પણ વલખા, તંત્ર દ્વારા નથી મળી કોઈ જ મદદ

આજના દિવસે પણ અનેક સોસાયટીઓમાં 5-5 ફુ઼ટ પાણીમાં ગરકાવ છે.દુર્ગંધયુક્ત પાણી ભરેલા છે અને લોકો તેમાથી ચાલીને પસાર થવા માટે મજબુર છે. ઘરોની અંદર પણ 2-2 ફુટ પાણી ભરાયેલા છે, તંત્રની નાકામી એ હદે છતી થઈ છે કે આ લોકો માટે રહેવાની કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામમાં આવી નથી. બાળકો શાળાએ જઈ શક્તા નથી. નોકરીયાતો પણ નોકરી પર જઈ શક્તા નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે ધારાસભ્યે બાંહેધરી આપી હતી કે હવે પાણી નહીં ભરાય પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી લોકો માટે આ વરસાદ બાદ આ જ નર્કાગારની સ્થિતિ હોય છે. અંડરપાસ બન્યા પછી સ્થિતિ વણસી હોવાનો પણ લોકોનો આક્ષેપ છે.

ન માત્ર રહેણાંક વિસ્તારો, અનેક ઓદ્યોગિક ફેક્ટરીઓથી ધમધતા આ વિસ્તારમાં અનેક કારખાનામાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે અને માલ સામાનને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. ત્યારે સવાલ એ છે કે આ નુકસાનીની ભરપાઈ કોણ કરશે? બાવળા રોડ પર આવેલા સ્વસ્તિક એસ્ટેટ અને ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાવાથી 30 પ્લાન્ટ પ્રભાવિત થયા છે. બાવળાથી સનાથલ વચ્ચે વરસાદી પાણીના નિકાલની સમસ્યા વર્ષોથી છે. જેથી દર વર્ષે આ જ પ્રકારે પાણી ભરાય છે, બદ્દ થી બદ્દતર સ્થિતિ હોવા છતા તંત્રના અધિકારીઓએ સમસ્યા જાણવાની કોઈ તસ્દી પણ લીધી નથી.

બાવળા ગ્રામ્યના ખેતરો પણ જળમગ્ન બન્યા છે. બાવળાના આદ્રોડા અને બાપુપુરા ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. ખેડૂતોએ 800 વીઘા ખેતરોમાં ડાંગરનો પાક વાવ્યો હતો જેને વ્યાપક નુકસાન થયુ છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે આસપસાની સોસાયટી અને કંપનીના લીધી પાણીનો નિકાલ થતો અટક્યો છે. ખેડૂતો આ અંગે અનેકવાર રજૂઆત પણ કરી ચુક્યા છે પરંતુ તંત્રને તેમની કંઈ પડી જ નથી. ખેતરોમાં અનાજ ન ઉગવાથી તેમનો પગાર થોડી અટકવાનો છે? હાલ ખુદ જગતના તાતને અનાજ બહારથી ખરીદવુ પડે તેની સ્થિતિ સર્જાઈ છે.

Input Credit- Sachin Patil- Bavla-Ahmedabad

જેલરે કપડા ફાડ્યા, સ્તન કાપી નાખ્યા, ચામડી ચીરી નાખી પરંતુ હરફ સુદ્ધા ન ઉચ્ચાર્યો, ભારતની આ મહિલા જાસુસે દેશ માટે સહન કરી દર્દની પરાકાષ્ટા