
અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના કહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવા તૈયારી દર્શાવી છે. અમિત નાયકે કહ્યું કે પક્ષને જો જરૂર હશે તો ચોક્કસ તેઓ અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડશે.
રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા એક્સ દ્વારા ચૂંટણી લડવા માટે અસક્ષમ હોવાનુ જણાવ્યુ છે. રોહન ગુપ્તાએ જણાવ્યુ છે કે પિતાની અત્યંત કથળેલા સ્વાસ્થ્યને કારણે તેઓ અમદાવાદ પૂર્વ બેઠક પરથી તેમની ઉમેદવારી પરત ખેંચે છે અને આ સ્થિતિમાં નૈતિક રીતે તેઓ આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ હોવાનુ જણાવ્યુ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટી એ બેઠક પરથી જે કોઈપણ ઉમેદવાર જાહેર કરશે તેમને તેનું સંપૂર્ણ સમર્થન રહેશે.
બીજી તરફ સૂત્રો દ્વારા એવીપણ જાણકારી છે કે અમદાવાદ પૂર્વની બેઠકને લઈને તેઓ નારાજ હતા. કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વથી ટિકિટ આપી છે જ્યારે ભાજપે એ બેઠક પરથી હસમુખ પટેલને રિપીટ કર્યા છે.
મહત્વનું છે કે કોંગ્રેસના અમદાવાદ પૂર્વ બેઠક પર લોકસભા ઉમેદવાર તરીકે નક્કી કરાયેલા રોહન ગુપ્તાના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. તેમના પિતા રાજકુમાર ગુપ્તાએ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ આજે અચાનક રાજીનામુ આપ્યુ છે. તેમણે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યુ હોવાનો ઉલ્લેખ હતો. તેઓ કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચીના પદે રહી ચુક્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો